આણંદ અને તાપી જિલ્લાના લૂંટ, ઘરફોડ ચોરીના ૯ ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો
પકડાયેલા મજુભાઈ ઉર્ફે મોજીએ પોતાના સાથીદાર હિમસિંગ ઉર્ફે કટલા સાથે ઉંદેલ ગામના મંદિરમાં ચોરી કરી હતી
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરના નવા બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને એક રીઢા આરોપીને ઝડપી પાડીને આણંદ અને તાપી જિલ્લાના નવ જેટલા લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે પકડાયેલા શખ્સના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસે આણંદ શહેરના નવા બસસ્ટેન્ડ પાસેથી એક શકમંદ શખ્સને ઝડપી પાડીને તેનું નામઠામ પુછતાં તે મજુભાઈ ઉર્ફે મોજી મકનાભાઈ મંડોડ (રે. ચિલાકોટા, રવાલી ફળિયુ, લીમખેડા, દાહોદ)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેની પુછપરછ કરતાં તાજેતરમાં જ બોરસદ તાલુકાના ઉંદેલ ગામે આવેલા ગણેશ મંદિરમાંથી પોતાના સાગરિત હિમસિંગ ઉર્ફે કટલા સાથે ચોરી કરી હોવાનું જણાવ્યું હતુ.
એલસીબી કચેરીએ લાવીને તેની વધુ તપાસ કરતા તે આણંદ જિલ્લાના ભાલેજ, ખંભોળજ, પેટલાદ, સોજીત્રા અને બોરસદ રૂરલ પોલીસ મથક તેમજ તાપી જીલ્લાના કાકરાપાર અને વ્યારા પોલીસ મથકના કુલ ૯ જેટલા ઘરફોડ ચોરી અને લૂંટના ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલવા પામ્યું હતુ. અગાઉ તે જામનગર અને ગાંધીનગર જિલ્લામાં પણ ઘરફોડ ચોરીઓના કેસમાં પકડાયો હતો. જેથી પોલીસે તેની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન બીજી પણ કેટલીક ચોરી-લૂંટની ઘટના પરથી પર્દાફાશ થવાની શક્યતા જોવાઈ રહી છે.