વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય
બાકરોલ તળાવમાં નાની, મોટી ૯૦થી વધુ શ્રીજી પ્રતિમાઓનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરાયું વિસર્જન : આણંદના ગોયા તળાવમાં શ્રીજીની ૪૫થી વધુ મૂર્તિઓનું પરંપરાનુસાર વિસર્જન કરાયું
આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણીનો ઉલ્લાસ છવાયેલો છે. દસ દિવસના મહોત્સવ પૈકી કેટલાક ભાવિકજનો પ કે સાત દિવસના ગણેશ પ્રતિમા સ્થાપન કરતા હોય છે. વિદ્યાનગરમાં વર્ષોની પરંપરાનુસાર સાત દિવસની સ્થાપના બાદ આજે શ્રીજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શ્રીજીની વિસર્જન યાત્રા યોજીને બાકરોલ તળાવ ખાતે પારંપારિક પૂજા-અર્ચના બાદ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ ઉપરાંત આણંદના ગોયા તળાવમાં પણ દિવસ દરમ્યાન ૪૫થી વધુ શ્રીજી પ્રતિમાઓનું ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વિસર્જન કરાયું હતું.
વિદ્યાનગરમાં ૪૦થી વધુ જાહેર સ્થળોએ શ્રીજીની વિવિધ કદ, આકારની મનોહર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમયાન પૂજા-અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજન કરાયા હતા.
આજે નગરના શહિદ ચોક ખાતેથી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાયો હતો. અબીલ-ગુલાલની છોળો અને ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે નીકળેલ યાત્રામાં એક બાદ એક ગણેશ મંડળો પોતાના શ્રીજીની પ્રતિમા સાથે જોડાતા ગયા હતા. બપોર બાદ બાકરોલ તળાવે યાત્રા પહોંચી હતી.
બાકરોલ તળાવ ખાતે આણંદ પાલિકા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મશ ગોરની આગેવાની હેઠળ ફાયર ફાઇટરોની ટીમ તરાપા સહિતના સાધનો સાથે તૈનાત હતી. ભાવિકજનો દ્વારા શ્રીજી પ્રતિમાની વિધિવત પૂજા-અર્ચના બાદ તરાપા દ્વારા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવની મધ્યમાં પ્રતિમાઓને લઇ જઇને વિસર્જીત કરવામાં આવી હતી. રાત્રિના લગભગ સાડા નવ કલાક સુધી ચાલેલ આ પ્રક્રિયા દરમ્યાન ૯૦થી વધુ નાની, મોટી પ્રતિમાઓનું શાંતિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. શ્રીજીની વિસર્જન યાત્રા પ્રસંગે વિદ્યાનગર પાલિકા દ્વારા ફલડ લાઇટ, લાઇફ જેકેટ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી.યાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, અનેક શ્રીજી ભકતોએ ઘરમાં સાત દિવસના શ્રીજીનું સ્થાપન કર્યુ હતું. જેઓએ આજે બાકરોલ તળાવ ઉપરાંત જોળની નહેર, વડતાલના તળાવ, વહેરાખાડી કે વાસદ મહીસાગર નદીમાં શ્રીજી પ્રતિમાનું વિસર્જન કર્યુ હતું.