આણંદના શાસ્ત્રી બાગ પાસે વિદ્યાર્થીઓના ઝઘડામાં લારીવાળાઓએ વઘાસીના યુવાનને માર મારતાં ફરિયાદ
સોશ્યલ મીડિયામાં ચપ્પુ માર્યાનો તેમજ હિન્દુ-મુસ્લિમ યુવકો વચ્ચે મારામારી થયાની વાત વહેતી થતા ડીએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો
આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસે આજે સાંજના સુમારે વિદ્યાર્થીઓના ઝઘડામાં વડાપાંઉ અને પુલાવની લારીવાળા સહિત ત્રણથી ચાર શખ્સોએ વઘાસીના યુવાનને લાકડીઓથી માર મારતાં તેને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના સુમારે આણંદની એક હાઈસ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થિનીને લઈને બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેની રીસ રાખીને વઘાસીના કેતનભાઈ ચાવડા સહિતના કેટલાક યુવાનો યુવકને ઠપકો આપવા માટે શાસ્ત્રી બાગ પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં યુવક મારની બીકે નજીકમાં આવેલી ટેસ્ટી વડાપાંઉ અને પુલાવની લારીએ પહોંચી ગયો હતો અને બચાવવાની વિનંતી કરી હતી.
દરમ્યાન યુવકો લારીએ આવી પહોંચ્યા હતા જ્યાં બોલાચાલી અને ઝઘડો થતાં જ ટેસ્ટી વડા પાઉંની લારીવાળા તેમજ તેના ત્રણથી ચાર જેટલા માણસોએ લાકડીઓ લઈને કેતન ચાવડા નામના યુવાનને માર મારતાં નાશભાગ મચી જવા પામી હતી.
દરમ્યાન ઉક્ત મારામારીનો કોઈએ વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં હિન્દુ-મુસ્લિમ યુવકો વચ્ચે મારામારી થઈ હોવાની અને ચપ્પુ માર્યાની વાત વાયરલ થઈ જતાં જ ડીએસપી પ્રવિણકુમાર, એલસીબી પીઆઈ કે. જી. ચૌધરી, ટાઉન પીઆઈ એચ. આર. બ્રહ્મભટ્ટ સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. જ્યાં સાચી માહિતી મેળવી હતી અને શાસ્ત્રી બાગની આસપાસ આવેલી તમામ લારીઓને ત્યાંથી હટાવી દીધી હતી. બીજી તરફ ઘવાયેલા યુવકને તુરંત જ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે મોડીરાત્રે શહેર પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.