Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
શબ્દનું સામર્થ્ય મૌનનું મહત્ત્વ
આધુનિક સમયમાં ક્વાલીટી કરતા ક્વાન્ટીટીનું મહત્વ બધે જ વધી રહ્યું છે. 'બોલે એના બોર વેચાય' એ મુજબ આપણે લગલગાટ બોલ બોલ કરવામાં વ્યસ્ત રહીએ છીએ પણ મોટેભાગે આ બોલ બોલ કરવાની પ્રવૃત્તિ સંવાદ નથી હોતી
12/11/2023 00:11 AM Send-Mail
આજનાં આ લેખને અનુરૃપ આપણી ગુજરાતી ભાષામાં બે જુદી-જુદી કહેવતો છે. 'બોલે એના બોર વેચાય' અને 'ન બોલ્યામાં નવ ગુણ'. બંને કહેવતો પોતપોતાના સ્થાને યથાર્થ છે. સવાલ છે આપણી વિવેક-બુદ્ધિનો. પણ આ વિવેક-બુદ્ધિ પોતે એક યક્ષ પ્રશ્ન બની રહે છે ઘણીવાર. ભાષાનો ઉપયોગ કે દુરુપયોગ એ વ્યક્તિની પોતાની મતિક્ષમતા પર નિર્ભર કરે છે અને આ મતિ નામનું ફીનોમીના ઓલવેઝ એબસ્ટ્રેકટ વિષય છે. ભાષાની વાત કરીએ તો આમતો જગતમાં ઘણી બધી ભાષાઓ આજે મૃત થઇ ચુકી છે અને બીજી ઘણી આજે આઈ.સી.યુ.માં મરણપથારીએ ઓક્સીજન પર ડચકા ખાઈ રહી છે. આમાંની એક ભાષા આપણી ગુજરાતી ભાષા પણ ખરી. ભાષાને પણ કુદરતી પ્રાણવાયુની મોકળાશ ના મળે એટલે એના અસ્તિત્વનો સવાલ તો ઉભો થવાનો જ. આજનાં અંગ્રેજી મીડીયમનાં શિક્ષણમાં ગુજરાતી શાળાઓ જયારે ટપોટપ બંધ થઇ રહી છે ત્યારે માત્ર 'ગુજરાતી ભાષા બચાવો'નાં બોર્ડ લઈને બે-ચાર સંમેલનો કરી નાખવાથી પ્રશ્નનો હલ નથી આવી જવાનો. સમાજની તાસીરનો એક્સરે કાઢવામાં આવે તો એમાં પડેલા છિદ્રો ચોખ્ખા જોઈ શકાય એમ છે. આ છિદ્રોમાંથી જ તો આપણી મૂળભૂત અસ્મિતા ચળાઈને વેડફાઈ રહી છે અને અંતે હાથમાં રહે છે વિદેશી સંસ્કૃતિની ઘેલછાનાં કાંકરા. અંગ્રેજી શાળામાં ભણતું બાળક 'કાઉ' ને ઓળખે પણ 'ગાય' થી અજાણ હોય, 'કેટ' ને ઓળખે પણ 'બિલાડી' થી અજાણ હોય ત્યારે ભાષાની ગરિમા ક્યાંથી જળવાય? પોતાની ભાષા સાથે જ્યાં ઘરોબો ના હોય ત્યાં એ ભાષામાં શબ્દનું સામર્થ્ય સમજવાની કે કેળવવાની વાત જ કેમ કરી શકાય!

આધુનિક સમયમાં ક્વાલીટી કરતા ક્વાન્ટીટીનું મહત્વ બધે જ વધી રહ્યું છે. 'બોલે એના બોર વેચાય' એ મુજબ આપણે લગલગાટ બોલ બોલ કરવામાં વ્યસ્ત રહીએ છીએ પણ મોટેભાગે આ બોલ બોલ કરવાની પ્રવૃત્તિ સંવાદ નથી હોતી. માર્કેટીંગનાં આજનાં જમાનામાં શબ્દોને પણ સુંદર રેપીંગ ચડાવી એનો સોદો કરી લેવાની વાત ચારેબાજુ ધમધમે છે. મીલનાં ભૂંગળામાંથી સતત ઠલવાતા ધુમાડાની માફક શબ્દોનો ઉકરડો ઠલવાતો રહે છે. કાન તો જાણે થૂંકદાની હોય એમ શબ્દોના ઢગ એમાં પડયા જ કરે છે. શબ્દોના આ હોલસેલ કારોબારમાં હૃદયની ઊર્મિનો એકાદ શબ્દ પણ શોધ્યો જડે એમ નથી. કોઈ કવિએ લખેલી કવિતાની બે ઉત્તમ પંક્તિઓ તમને જીવનનું દર્શન કરાવી શકે તો એમાં એના શબ્દનું સામર્થ્ય પ્રગટ થાય છે. આત્મહત્યા કરવા નીકળેલ વ્યક્તિને એના ખભે હાથ મુકીને બે બોલ એવા બોલવામાં આવે કે એની જીજીવિષા નવપલ્લવિત થઇ ઉઠે તો શબ્દનું સામર્થ્ય ત્યાં સાર્થક થાય છે. શબ્દમાં બોમ્બ અને બ્રહ્મ બંને બનવાની શક્યતાઓ સમાયેલી છે. દ્રૌપદીના શબ્દથી મહાભારતનું યુદ્ધ પણ સર્જાઈ શકે છે અને એજ યુદ્ધભૂમિ પર કૃષ્ણનાં શબ્દથી ગીતાનું સર્જન પણ થઇ શકે છે. અબ્રાહમ લિંકનનાં જીવનમાં એક શબ્દનો ફાળો કેટલો માંનાત્વનો હતો એ જાણવા જેવું છે. જીવનમાં ઉપરાઉપરી ઘોર નિષ્ફળતાઓ વેંઢાર્યા પછી પણ છેવટે એ માણસ સફળતાનાં દરવાજે જઈને ધરાર ઉભેલો. લિંકન જયારે અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ બન્યા એ પહેલા એમના ટેબલ પર પેપર-વેઇટ તરીકે એક સામાન્ય પત્થર તેઓ વાપરતા અને એ પત્થર પર એક શબ્દ લખેલો હતો-'ટુડે'. આ એક શબ્દ એ આ પત્થરને સામાન્ય માંથી અસામાન્ય સિદ્ધ કરેલો. લિંકન જયારે રાષ્ટ્ર પ્રમુખ બની ગયા ત્યારે એમને આ પત્થર હવે ફેંકી દેવા જણાવાયું તો એમનો જવાબ એમ હતો કે આ પત્થર પરનાં એક શબ્દ એ જ તો મને કાયમ આજનાં કામો આજે જ પુરા કરવા સતત પ્રેરણા આપી છે, એને હું કેવી રીતે ફેંકી શકું! આ હતી એક બે અક્ષરના નાનકડા શબ્દની તાકાત. સ્ટીરીયોફોનીક સાઉન્ડ વચ્ચે જીવવાની આપણને જાણે આદત પડી ગઈ છે. પરંતુ ઘણીવાર શબ્દ એનું કામ સાઈલંટલી કરી લેતો હોય છે. ઈમ્પોસીબલ શબ્દને આઈ એમ પોસીબલ તરીકે વાંચવાનું ગજું કેટલાનું? 'વી કેન..વી વિલ..' જેવા શબ્દોનું સામીપ્ય લઈને આખા અમેરિકા કે ભારતની ચૂંટણી ઓબામા કે નરેન્દ્ર મોદી જીતી લઇ શકે છે. કટાણે બોલાયેલ એક શબ્દ તમારી કે બીજા ઘણાની જીંદગી રફેદફે કરી શકે છે. શબ્દની માવજત કરતા આપણે શીખવું રહ્યું. બોલાતા શબ્દમાં સંવેદનાનાં રણકારને ભાષાનાં સીમાડાઓ પણ નડતા નથી. ખુબ સફળ રહેલી આધુનિક ગુજરાતી ફિલ્મ 'બે યાર'માં એક ઘટના સુંદર રીતે રજુ કરવામાં આવી છે. બે મિત્રો એક ચિત્ર માટેની પોતાની લાગણીઓ પોતાની ભાષા સાથે ભાંગીતૂટી અંગ્રેજી ભેળવીને એક વિદેશીને એ ચિત્ર ખરીદીને ન લઇ જવા માટે સમજાવે છે અને પેલો વિદેશી એમની ભાષા જાણતો સમજતો ન હોવા છતાં એમના શબ્દોની સંવેદના સુપેરે સમજી લે છે. આ થઇ વાત શબ્દોના આત્માને સ્પર્શવાની. હૃદયથી નીકળેલો શબ્દ એનું સામર્થ્ય આપોઆપ કેળવી લે છે. નર્યો બફાટ કરવામાં બોલે એના બોર વેચાય એના કરતા એ બોરને વેરાઈ જતા પણ વાર નથી લાગતી.

બીજી કહેવત 'ન બોલ્યામાં નવ ગુણ' એ મૌન નાં પક્ષમાં ઉભી રહીને પોતાનું કામ કરે છે. શબ્દોના સળવળાટની આપણને એટલી બધી આદત પડી ગઈ છે કે મૌનનાં મહત્વને આપણે ઘણીવાર અન્ડરએસ્ટીમેટ કરી બેસીએ છીએ. જે કામ શબ્દ ન કરી શકે એ ક્યારેક મૌન કરી આપે છે. કોઈને ઠપકો આપતી બસો શબ્દોની નોંધ તૈયાર કરવાને બદલે મૌન રહી માત્ર આંખોથી ઠપકો એના સુધી પહોંચતો કરવાનું ક્યારેય વિચારી જોયું છે? કોઈનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે એના માથા પર શિખામણનો વરસાદ કરવાને બદલે એની પીઠ પર હાથ પસવારી એની બાજુમાં મૌન ઉભું રહેવામાં તમે એને વધુ બળ આપી રહ્યા હોવ છો. દામ્પત્ય જીવનમાં પણ આ મૌનની પ્રેક્ટીસ ઘણીવાર લાભદાયક સાબિત થતી હોય છે. પતિ કે પત્ની બેમાંથી એક બીજાની દલીલબાજી સામે મૌન કેળવતા શીખી જાય તો પણ સમસ્યાનો સરવાળો કરતી ઘટનાઓનો છેદ ઉડાડી શકાય. પ્રેમના પ્રસ્તાવમાં પણ મોઢેથી 'હા' સાંભળવા કરતા સસ્મિત મૌનનાં હકારની કિંમત અમૂલ્ય હોય છે. દુશ્મન તમને જયારે ક્રીટીસાઈઝ કરે કે ગાળો દઈ દે ત્યારે પણ જો તમે મૌનનું હથિયાર ઉગામો તો તમારા દુશ્મનને અપસેટ કરી શકો છો. એક વૃધ્દ્ધ દંપતી સાંજ પડે આંગણામાં ખુરશી ઢાળી મૌનનાં સંવાદને જીવનસંધ્યાએ માણી શકતા હોય તો એનાથી વધુ રૃડું કઈ જ ન હોઈ શકે. સમારંભમાં ઘણીવાર માઈક પર ચિટકેલાશબ્દોના સ્વામીને મૌનપૂર્ણ રીતે ખુરશી ખાલી કરી દેતું ઓડીયંસ પળવારમાં મ્હાત કરી દે છે. એજ રીતે ઉદાસીની સોડમાં નદીની રેતમાં મૌન થઈને બેઠેલી વ્યક્તિને એનો મિત્ર અચાનક 'કેમ છો દોસ્ત' એવા શબ્દપ્રયોગથી સ્મિત કરવા મજબૂર કરી દઈ શકે છે. શબ્દનું પોતાનું બાવડાબળ છે તો મૌનની પોતાની એક નમણી નજાકત છે. ક્યા સમયે કોને કામે લગાડવા- શબ્દને કે મૌનને-એટલી કોમન સેન્સ કેળવી લઈએ તો પછી બધું ભયો ભયો થઇ જશે. પણ સાલું આ કોમન સેન્સ એ પણ મોસ્ટ અનકોમન સેન્સ છે એનું શું કરવું! સિક્રેટ કીઃ મૈનનું ખુલી રહ્યું છે જો કમળ શબ્દને ભરખી ગયુ લે આ વમળ પ્રતિભાવઃ joshinikhil2007@gmail.com