Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
પૈસો
જીવનમાં માણસને પોતાના ધ્યેય, લક્ષ્ય તરફ જવા માટે પૈસા જ બધું નથી. જીવનમાં આગળ વધવા માટે મૂલ્યોનો મહિમા છે, માણસે મૂલ્યોનું જતન કરવું જોઇએ, મૂલ્યની આરાધના કરવી જોઇએ, મૂલ્ય જ માણસનો વિકાસ કરે, મૂલ્યથી જ માણસનું માપ નીકળે, પૈસાથી માણસને મોભો મળે, પણ મૂલ્યથી જે શાન મળે એ પૈસાથી ન મળે
19/11/2023 00:11 AM Send-Mail
ભારતીય શાસ્ત્રોમાં ચાર પુરુષાર્થની વાત કહેવાઇ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ચારેય પુરુષાર્થોની ચોક્કસ વ્યાખ્યા છે, એ ચારેયના ચોક્કસ ધર્મો છે, તે પ્રમાણે જ અનુસરણ થાય, તો જ જીવનની સાર્થકતા, બાકી નહીં. ‘કામ’ પુરુષાર્થનો અવિવેક થાય, તો જે સમસ્યાઓ ઊભી થાય, એવું જ અન્ય પુરુષાર્થોનું છે. આજે આપણે ‘અર્થ’ને કેન્દ્રમાં રાખી થોડી વાત કરીએ.

સ્વસ્થ જીવન માટે પૈસો જરૂરી તો છે જ, પણ એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થવો જોઇએ. માણસને પાયાની જરૂરિયાતો સંતોષવા પૂરતો પૈસો જરૂરી છે, પણ ભૌતિકતા, મોજશોખ તરફની ગતિ કરાવે, એ પૈસો વધારાનો, બિનજરૂરી જરૂરિયાતો સંતોષવા નીતિમત્તા કોરાણે મૂકીને નાણાં એકઠા કરવા તે બરાબર નથી. જીવનમાં માણસને પોતાના ધ્યેય, લક્ષ્ય તરફ જવા માટે પૈસા જ બધું નથી. જીવનમાં આગળ વધવા માટે મૂલ્યોનો મહિમા છે, માણસે મૂલ્યોનું જતન કરવું જોઇએ, મૂલ્યની આરાધના કરવી જોઇએ, મૂલ્ય જ માણસનો વિકાસ કરે, મૂલ્યથી જ માણસનું માપ નીકળે, પૈસાથી માણસને મોભો મળે, બાહ્ય રીતે માન પણ મળે, પણ મૂલ્યથી જે શાન મળે એ પૈસાથી ન મળે. જે પૈસો મૂલ્યોને અભડાવે છે, એ પૈસો અનીતિનો ગણાય છે. સમાજમાં સાચે જ જે ઊંચેરા છે, તેમની ઊંચાઇ પૈસાને કારણે નથી, મૂલ્યોને કારણે છે. ગાંધીજી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સત્ય અને અહિંસાના બે જીવનમૂલ્યોએ એમને મોટાઇ બક્ષી છે. એ ભૂલાવું ન જ જોઇએ. પૈસાથી ભૌતિક સુખસગવડના સાધનો ખરીદી શકાય, સુખ નહીં. પૈસાથી ભોજન ખરીદાય, સંતોષ નહીં, પૈસાથી મૂલ્યો ખરીદી શકાતા નથી. પૈસાદાર માણસની લોકો એની હાજરીમાં જ વાહ-વાહ કરતા હોય છે, બાકી મૂલ્યવાન માણસને તો પ્રજા હૃદયમાં બેસાડે છે.

પૈસો કેન્દ્રમાં હોય તેવી કેટકેટલી કહેવતો છે: (૧) નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ (૨) પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ (૩) પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારો ગુરુ, છૈયાંછોકરા શાલિગ્રામ, સેવા કોની કરું? (૪) પૈસાદારના છોકરા ઘૂઘરે રમે (પ) પૈસાનું સૌ સગું (૬) પૈસે કોઇ પૂરો નહીં અને અક્કલે કોઇ અધૂરો નહીં (૭) સંપત ગઇ તે સાંપડે ગયાં વળે છે વહાણ. ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ (૮) પાઇની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. એ જ રીતે પૈસાકેન્દ્રી કેટલાક રૂઢિપ્રયોગ પણ જોવા મળે છે. ‘પૈસો ખોટો કરવો’, ‘પૈસો મેળવવો’, ‘પૈસાનું સૌ સગું’, ‘પૈસાના કાંકરા કરવા’, ‘પૈસાને શું મધ મૂકી ચાટવાના?’, ‘પૈસાના તો કંઇ ઝાડ હોય?’, ‘પૈસો કોઇનો સગો નહીં.’ ભલા માણસની ભલાઇની કે પ્રામાણિક માણસની પ્રામાણિકતાની સમાજ વાત જ કરશે, પણ એ પૈસાદારોની તો આરતી ઉતારે છે, પછી ભલેને એ પૈસાદાર બનવાના મૂળમાં અનીતિ આચરવામાં આવી હોય! લોકો તો કેવળ પૈસાથી અંજાઇ જાય છે. પૈસાદારો વાણીની સફાઇ, સુઘડ વસ્ત્રોથી સમાજને આંજે છે, સમાજનો લાલચુ વર્ગ એમની મોહજાળમાં ફસાય છે એ પૈસાદારોને હું સમાજનો મેદ કહું છું, બિનજરૂરી ચરબી કહું છું. કેટલાક પૈસાદારો મૂલ્યવિહીન હોય છે, મૂલ્ય જ માણસમાં ખૂબ મહત્વનું બની રહેવું જોઇએ, મૂલ્ય જ માણસની કિંમત આંકવામાં સહાયરૂપ બને છે. અમેરિકાની બોલબાલાની પાછળ ભૌતિકતાનો ફાળો છે. વિદ્યાર્થીઓ અને લોકો ભૌતિકતાથી લોભાય છે. મૂલ્યોવાળા ભારત- દેશના કરતાં મૂલ્યવિહીન ભૌતિકતા પાછળ પડેલા દેશની પાછળ લોકો આંધળુકિયા કરીને દોડી રહ્યા છે. આજે લોકો પૈસાની પાછળ ગાંડા થઇ ગયા છે, જીવનના અંત સુધી એ પૈસા પાછળ જ પડેલા હોવાને કારણે જીવન જીવવાના દિવસો એમના ભાગ્યમાં આવતા જ નથી. પૈસાદારો પરિવાર સાથે નિરાંતે સુખદુ:ખની વાત કરી શકે છે? માબાપને નિરાંતે મળી શકે છે? બાળકોને, પત્નીને પૂરતો સમય આપી શકે છે? એમને હૃદયપૂર્વક પૂછવામાં આવે કે તમે ખરેખર પરિવારને પ્રેમ કરો છો કે પૈસાને? તમને જવાબ મળશે ‘પૈસાને.’ જીવનમાં પૈસો સુખસગવડ, ભૌતિક જરૂરિયાતના સાધનો ખરીદવામાં સહાયરૂપ જરૂર થાય છે, પણ મૂલ્યાગ્રહી બનવા માટે પૈસાની નહીં, સંકલ્પની જરૂર હોય છે, ‘જર, જમીન ને જોરુ, ત્રણેય કજિયાના છોરુ’ એ કહેવતમાં મિલકત, જમીન પૈસો અને બૈરી વગેરે ઝઘડો કરાવે છે. પૈસા બે વ્યક્તિઓ વચ્ચેનું માધ્યમ બને છે, ત્યારે ઘણીવાર પૈસા સાથેની લોલુપતા પણ એમાં એવી તો કારણભૂત થઇ જાય છે કે એ બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધો વણસાવે છે, એટલા માટે જ નાણાંનો વ્યવહાર મૈત્રીમાં હાનિ સર્જે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાણાંના વ્યવહાર કરવાની જે વાત નોંધાઇ છે એમાં પણ હવાલો પાડીને, લખીને જ વ્યવહાર કરવાનું સૂચન છે, જેને કારણે અનર્થો સર્જાય નહીં. પૈસો જે પ્રશ્નો સર્જે છે, એ પ્રશ્નો પૈસા દ્વારા હલ પણ થતા હોય છે, પરંતુ સંબંધોની દીવાલોને ખોખલી કરવામાં પૈસો જ કારણભૂત બન્યો છે. * અમેરિકા ખંડની શોધ થઇ અને યુરોપથી સ્પેનિશ સૈનિકો ત્યાં ગયા, ત્યારે ત્યાં છૂટથી મળતું સોનું જોઇને લલચાયા. યુરોપ પાછા જતી વખતે પોતપોતાના સામાનમાં તે ભરચક સોનું ભરી લઇ જતા, સોનું લઇને વતન પહોંચે, એટલે પછી જિંદગી આખી સુખેથી પસાર થઇ જાયને? એમાં એક વાર એવું બન્યું કે સાહસવીર હેનોન કોર્તસની નેતાગીરી હેઠળ સ્પેનિશ સૈનિકો મેક્સિકો છોડી પાછા જવાના હતા, ત્યારે ત્યાંના આદિવાસીઓએ બળવો પોકાર્યો ને સૈનિકોને રાતોરાત નાસી જવું પડ્યું. રાતોરાત ભલે ઊપડવાનું થાય, પણ સોનું કેમ ભૂલાય? સોનાના પોટલા બાંધીને તેનો ભાર હર્ષથી ઊંચકી ચુપકીદીથી નીકળી પડ્યા, પણ આદિવાસીઓ જોઇ ગયા અને તેમનો પીછો પકડ્યો, એટલે એ સૈનિકો માટે ખરું ધરમસંકટ ઊભું થયું. સોનું છોડતા જીવ ન ચાલે ને સોનું છોડ્યા વિના પગ ઝડપથી ન ઊપડે ને જાન જોખમમાં આવે! અનેક સૈનિકો પરિસ્થિતિ પામી ગયા, છતાં સોનાને વળગી રહ્યા ને આદિવાસીઓના તીર-ભાલાના નિશાન બન્યા. થોડુંક સોનું ફેંકી દઇ જીવ લઇને નાઠા. સોનું વહાલું પણ જિંદગી વધુ વહાલી!છતાં અરધા ભાગના સૈનિકો સોનાના લોભથી કપાઇ ગયા. સોનું એક સાધન હતું. બાકીની જિંદગી સુખથી પસાર કરવા માટે, એટલે કે જીવવા માટે જ પણ એ સાધનને સાધ્ય બનાવીને આગળ ધરવાથી અનર્થ થયો. હાથમાં સોનું પકડીને માર્યા ગયેલા સૈનિક જેવું કરુણ દૃશ્ય બીજું કયું હોઇ શકે? પણ દુ:ખની વાત છે કે એવાં દૃશ્યો અનેક છે, આપણા જીવનમાં પણ છે, જ્યારે આપણે સાધનાના મોહમાં પડીએ, ત્યારે હાથમાં સોનું પકડીને છાતીમાં જીવલેણ તીર ઝીલવા જેવું થાય છે. એટલે પૈસા સાધન છે, સાધ્ય નહીં, એ ધ્યાનમાં રાખીને જીવન જીવવું જોઇએ.