દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા
૧૧ થી ૨૦ નવેમ્બર ૨૦૨૩ સુધી દસ દિવસના સમયગાળામાં ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ લોકોએ મુલાકાત લીધી હતી
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઈ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન ૧૧થી ૨૦ નવેમ્બર ૨૦૨૩ સુધી દસ દિવસના સમયગાળામાં રાજ્યના ૧૮ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૪૨ લાખ ૭૫ હજાર ૯૫૨ લોકોએ મુલાકાત લીધી હતી.
આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રોપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.
પ્રવાસન ક્ષેત્ર, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના વિકાસ માટે બજેટ ફાળવણીમાં ૩૪૬% વધારો રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વર્ષ ૨૦૨૩-૨૪ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં ૩૪૬%નો વધારો કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે ?૧૦ હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રધ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે ? ૨૦૭૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.