ડાકોર: પ્રભુ વરરાજારૂપે ઘોડેસ્વાર થઇને તુલસીજી સાથે વિવાહ કર્યા, વરઘોડામાં સૌ શ્રદ્વા-ઉલ્લાસભેર જોડાયા
આણંદ,ખેડા જિલ્લાના વિવિધ કૃષ્ણ મંદિરોમાં દેવઉઠી અગિયારસ પર્વ તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી
આજે દેવઉઠી અગિયારસની ચરોતરના કૃષ્ણ મંદિરોમાં તુલસી વિવાહ સહિતના ધાર્મિક આયોજનો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રોનુસાર આજે દેવ પુન: ઉઠયા હોવાથી આજથી લગ્નસરાની મૌસમ પણ શરુ થશે. આ ઉપરાંત દેવ મંદિરોમાં શાકોત્સવ સહિતના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભાવિકજનો જોડાયા હતા.આણંદના શ્રી રણછોડજી મંદિર, બેઠક મંદિર, નવા રામજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોમાં તુલસી વિવાહની ઉજવણીમાં શ્રદ્વાળુઓ ભાવ વિભોર બન્યા હતા.
યાત્રાધામ ડાકોરમાં આજે રણછોડરાય મંદિરમાં પ્રભુના તુલસીજી સાથે વિવાહના પર્વની ઉજવણીમાં ભાવિકજનો પ્રભુમય બન્યા હતા. જેમાં સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે પ્રભુને ચાંલ્લા,પૂજા-આરતી કર્યા બાદ મંદિરના છ કુંજમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રભુનો ધામધૂમથી વરઘોડો નીકળ્યો હતો. જેમાં શ્રી લ-મીજી મંદિરે વરઘોડો થંભ્યો હતો અને પ્રભુને મંદિરના કુંજમાં બિરાજમાન કરાવીને તુલસીજી સાથે વિવાહ કરાયા હતા. આ અવર્ણનીય અવસરમાં જોડાયેલા ભાવિકજનોએ જય રણછોડ અને માતા તુલસીજીની જયજયકાર બોલાવી હતી. ત્યારબાદ વિવાહ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. રાત્રિના આશરે અગિયારેક વાગ્યાના સુમારે પ્રભુ પુન: મંદિર પરત પધાર્યા હતા. આજના પર્વ શ્રી ઠાકોરજીને ગોધૂલી સમયે મેર મેરૈયા સમયે ઉત્સવ તિલક કરાયું હતું. આ દિવ્ય દર્શન કરીને ભાવિકજનો ધન્ય બન્યા હતા.