અમેરિકા: ઓહાયોમાં ૨૬ વર્ષીય ભારતીય છાત્રની ગોળી મારી હત્યા: કારમાંથી મૃત હાલતમાં મળ્યો
આદિત્ય અદલખા સિનસિનાટિ યુનિ.માં મોલેક્યુલર અને ડેવલપમેન્ટલ બાયોલોજીમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો
અમેરિકામાં ગન કલ્ચરના વધતા જતા દુષણનો ભોગ ભારતીય મૂળના લોકો અને ભારતીય વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે તેમજ અવાર-નવાર ભારતીય વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવે છે ત્યારે વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
અમેરિકાના ઓહાયોમા ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક વિગત મુજબ વિદ્યાર્થીનુ નામ આદિત્ય અદલખા હોવાનું જાણાવા મળ્યું છે જે સિનસિનાટી યુનિવર્સિટીમાં મોલેકયુલર અને ડેવલપમેન્ટલ બાયોલોજીમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. સ્થાનિક સુત્રોના અહેવાલ મુજબ આદિત્ય અદલખા સિનસિનાટીમાં વેસ્ટર્ન હિલ્સ વાયડક્ટ પર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. કારની બારીમાં બુલેટના છિદ્રો પણ દેખાયા છે. આ ઘટના ૯મી નવેમ્બરના રોજ બની હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
હેમિલ્ટન કાઉન્ટી કોરોનર ઓફિસે જણાવ્યું હતું કે અદલખાનું ગોળીબાર બાદ યુસી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યાના બે દિવસ બાદ ૧૧ નવેમ્બરે મૃત્યું થયું હતું. આદિત્યએ ૨૦૧૮માં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાંથી પ્રાણીશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી તેમજ વર્ષ ૨૦૨૦માં તેણે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી ફિઝિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. આદિત્ય ૨૦૨૫ પીએચડી પૂર્ણ કરવાનો હતો. સિનસિનાટી પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ૯મી નવેમ્બરના રોજ સવારે ૬.૨૦ વાગ્યે ગોળી ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી પસાર થતા અન્ય ડ્રાઈવરોએ ઘટનાની જાણ કરવા માટે ૯૧૧ પર ફોન કર્યો હતો કે પાર્ક કરેલી કારની અંદર એક વ્યક્તિને ગોળી વાગી છે.