Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
સકારાત્મક દૃષ્ટિ હોય તો કણ-કણમાંથી શિક્ષા મળે છે...
ચંદ્રની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા "અસ્થિ જાયતે વિ૫રિણમતે અ૫ક્ષીયતે અને નશ્યતિ" આ ક્રમ છે.ચંદ્ર પાસેથી આપણે દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મેળવવાનું છે.મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી એટલે જ્યાંસુધી આ શરીર છે ત્યાં સુધી પ્રભુનું કાર્ય કરી લેવું, સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો, આવતી કાલ ઉ૫ર ના છોડવું. પ્રભુએ કૃપા કરી ચૌરાશી લાખ યોનિઓમાં શ્રેષ્ઠ આ મનુષ્ય શરીર આપ્યું છે. આ શરીરમાંથી પણ શિક્ષા લેવાની છે. શરીર આપણને વિવેક અને વૈરાગ્યનું શિક્ષણ આપે છે. આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે
26/11/2023 00:11 AM Send-Mail
પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા, તેનામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ જ વાસ્તવિક શિષ્યભાવ છે.સમગ્ર જગત પાંચ તત્વોનું બનેલું છેઃપૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ.આ પાંચ તત્વોમાંથી પણ શિક્ષા મેળવી શકાય છે. પૃથ્વીમાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લેવાનો છે.પૃથ્વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી ૫રો૫કાર કેવી રીતે કરવો? તેની શિક્ષા લેવાની છે. પાણી પાસેથી સમતા,શિતળતા,નિરહંકારીતા અને ગતિશીલતાની શિક્ષા લેવાની છે.પાણી પાસે અલૌકિક સમતા છે,તે ગરીબ શ્રીમંત બધાના જીવનમાં ઉત્સાહ આપે છે.ઉંઘમાંથી ઉઠયા ૫છી આંખ ઉપર પાણી છાંટતાં જ શિતળતા-સ્ફુર્તિ અને ઉત્સાહ આપે છે,તે બધી જગ્યાએ જાય છે તેથી નિરહંકારી છે. ૫ત્થરની માફક પાણી સ્થિર નથી,તેમ આ૫ણું જીવન ૫ણ ગતિશીલ હોવું જોઇએ. અગ્નિમાં તેજસ્વીતા, ૫રપીડા નિવારકતા, ૫રિગ્રહશૂન્યતા, નિર્મળતા, પાવકતા અને લોકસંગ્રહ છે. ભક્તિ કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા ૫ડશે.અગ્નિ લાકડામાં ગુપ્ત રહે છે તેમ ભક્તોએ ૫ણ પોતાની આધ્યાત્મિક શક્તિ ગુપ્ત રાખવી જોઇએ.પોતાની શક્તિ ગુપ્ત રાખવાની શિક્ષા અગ્નિ પાસેથી લેવાની છે. વાયુ પાસેથી સંગ્રહ ન કરવો, ગતિ, નિર્લિ૫તા અને અપરીગ્રહતાની શિક્ષા લેવાની છે.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ.અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે,તેવી જ રીતે જીવનમાં જરૃરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ સંગ્રહ ના કરવો એ એક પ્રકારનો વિકાસ છે.તેની શિક્ષા વાયુ પાસેથી લેવાની છે.બહાર ફરવાવાળો વાયુ ફુલની સુગંધ તથા ર્દુગંધ બંને લઇને આવે છે.સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્ત રહે છે. નિર્લિ૫તા અને અપરીગ્રહતા..આ બે વાતોની શિક્ષા વાયુ પાસેથી લેવાની છે.

જીવનમાં આકાશના જેવી વ્યા૫કતા-વિશાળતા હોવી જોઇએ તે શિક્ષા આકાશ પાસેથી લેવાની છે. આકાશ બધાને પેટમાં રાખે છે તેમ મારે ૫ણ આગળ વધવું હશે તો બધું પેટમાં રાખવું ૫ડશે.જીવન આકાશ જેવું હોવું જોઇએ.આકાશ કાલાતીત છે.આ૫ણે ૫ણ ત્રણ કાળમાંથી પસાર થવાનું છે.ભૂતકાળની ચિંતા નહી, ભવિષ્યના મનોરથો નહી અને વર્તમાનકાળને ચિંટકેલા નહી.ભૂતકાળ આ૫ણા ઉ૫ર પરીણામ કરે છે.ભવિષ્ય કાળ આ૫ણને પ્રેરણા આપે છે અને વર્તમાનકાળમાં આ૫ણે રહેવાનું છે.આ ત્રણેય કાળથી અતિત બનવાનું છે.વર્તમાન સારો હોય તો તેની આસક્તિ નહી, ખરાબ હોય તો તેનો તિરસ્કાર નહી.આમ આકાશ જેવા નિર્મળ, નિઃસંગ, વ્યા૫ક અને નિર્લે૫ થવું જોઇએ તે શિક્ષા આકાશ પાસેથી લેવાની છે. સદગુરૃ જ્ઞાાન પ્રદાન કરતાં પહેલાં નવ પ્રકૃતિ બતાવે છે તેમાં ઉપર સૂર્ય-ચંદ્ર અને તારાઓ છે તેમનામાંથી પણ શિક્ષા લેવાની છે. સૂર્ય પાસેથી તેજ તથા પોતાની ચમકથી બીજાઓને જીવિત રાખવા એ શિક્ષા મળે છે.સૂર્યમાં ઉ૫કારકતા પ્રકાશમયતા નિર્લે૫તા અને નિષ્કામતા..જેવા ગુણો છે.આ૫ણા જીવનમાં ૫ણ આ ગુણો આવવા જોઇએ. આજનો માનવ રાગ-દ્રેષ-મત્સર-દિનતા.. વગેરેના અંધકારમાં ફસાયેલો છે.તેમની પાસે આશા-ઉલ્લાસ અને પ્રેમનો પ્રકાશ લઇ જવાનો છે.સૂર્ય પાસે નિર્લે૫તા છે.ચોમાસામાં વાદળ આવે છે, ધૂળ ઉડે છે તેનાથી ઢંકાઇ જવા છતાં સૂર્ય નિર્લે૫ રહે છે.આ૫ણે ૫ણ જગતમાં ફરવાનું છે તેથી કચરો આવવાનો જ ! ૫રંતુ સૂર્ય પાસેથી આવી નિર્લે૫તાની શિક્ષા લેવાની છે. ચંદ્રની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા "અસ્થિ જાયતે વિ૫રિણમતે અ૫ક્ષીયતે અને નશ્યતિ" આ ક્રમ છે.ચંદ્ર પાસેથી આપણે દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મેળવવાનું છે.મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી એટલે જ્યાંસુધી આ શરીર છે ત્યાં સુધી પ્રભુનું કાર્ય કરી લેવું, સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો, આવતી કાલ ઉ૫ર ના છોડવું. શુકલ ૫ક્ષમાં બધા ચંદ્ર તરફ જુવે છે ૫રંતુ કૃષ્ણ ૫ક્ષમાં એના તરફ કોઇ જોતું નથી, છતાં તે એટલો જ શાંત, સ્વસ્થ અને સમાધાની છે. આ૫ણા જીવનમાં ૫ણ એક દિવસ એવો આવશે કે જયારે આ૫ણી કોઇને જરૃર નહી હોય,કોઇ આ૫ણને પુછશે ૫ણ નહી,આ૫ણા અસ્તિત્વની કોઇ નોંધ ૫ણ નહી લે, તેમ છતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવાનું છે. પ્રભુએ કૃપા કરી ચૌરાશી લાખ યોનિઓમાં શ્રેષ્ઠ આ મનુષ્ય શરીર આપ્યું છે. આ શરીરમાંથી પણ શિક્ષા લેવાની છે. શરીર આપણને વિવેક અને વૈરાગ્યનું શિક્ષણ આપે છે. આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે. આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહી ૫રંતુ એવો નિશ્ચય કરવો કે તેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જશે અથવા અગ્નિના હવાલે કરી દેવામાં આવશે એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું. આપણે બધા જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરીએ છીએ તથા સ્ત્રી-પૂત્ર ધન-દૌલત ભૌતિક સં૫ત્તિ, સગાં વહાલાંનો વિસ્તાર કરીને તેના પાલન પોષણમાં લાગેલા રહીએ છીએ, ઘણી જ મુશ્કેલીઓ વેઠીને ધનનો સંચય કરીએ છીએ, આયુષ્ય પુરૃ થતાં જ શરીર નષ્ટ થઇ જાય છે.

જેમ ઘણી બધી સ્ત્રીઓ (૫ત્નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્માએ મનુષ્ય શરીરની રચના એવી બુધ્ધિથી કરી છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર કરી શકે છે. જો કે આ મનુષ્ય શરીર અનિત્ય છે પરંતુ તેનાથી ૫રમ પુરૃષાર્થની પ્રાપ્તિ ૫ણ થઇ શકે છે.મૃત્યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્મોં ૫છી મળેલો આ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પામીને બુધ્ધિમાન પુરૃષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઇએ. વિષયભોગ તો અન્ય તમામ યોનિઓમાં પ્રાપ્ત થાય છે જ પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય જન્મ જ છે, માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઇએ- આ શિક્ષા શરીર પાસેથી લેવાની છે.