Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
પુસ્તકની પાંખે
આપણી ધાર્મિક માન્યતાઓમાં જેમ મનાય છે કે આવકનો દસમો ભાગ ધર્મકાર્ય માટે વાપરવો જોઈએ, તો એટલોજ ભાગ પુસ્તકો, સારા મેગેઝીન્સ કે કોઈ પણ એવી વાંચન સામગ્રી ખરીદવા માટે પણ અનામત રાખવો જોઈએ. હું તો ત્યાં સુધી કહેવાની ખેવના રાખું છું કે પુસ્તકો પાછળ ખર્ચ થતા નાણા એ ખર્ચ નહીં પણ મૂડીરોકાણ છે જે લાઈફમાં તમને જબ્બર રીટર્ન્સ આપી શકે છે. પુસ્તકો પાછળ ઇન્વેસ્ટ કરવામા તો કાયમ નફાનો જ સોદો છે. એમાંથી થતું ઉપાર્જન તમારા મન, વિચાર, વાણી, હૃદય અને જીવનને સંવર્ધિત કરતુ ગેરેન્ટીડ વ્યાજ ચૂકવ્યા જ કરે છે
26/11/2023 00:11 AM Send-Mail
કહેવાયું છે કે જે ઘરમાં થોડા સારા પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી ન પરણાવવી. કેટલી મહત્વની વાત છે ! પુસ્તકો સંસ્કાર સિંચનનું માધ્યમ પણ છે અને તમે શું વાંચો છો એ તમારા સંસ્કારોનું પ્રતિબિંબ પણ છે. સારા કે નરસા સમયે હંમેશા પુસ્તકોનો સંગ સેવતા રહેવો જોઈએ જેથી સારા સમયમાં છકી ન જવાય કે નરસા સમયમાં ભાંગી ન પડાય. વિશ્વમાં રોજ-રોજ કેટલું બધું લખાય છે, ઘણું ખરું વંચાય છે. રોજ-રોજ કેટલા પુસ્તકો, છાપાની ની કોલમ, મેગેઝીન્સના લેખો, વેબસાઈટ્સ વગેરેમાં કેટકેટલું લખાય છે ! આજનાં આધુનિક સમયમાં તો એપ્સ કે ઈ-બુક નાં ફોર્મમાં કેટકેટલી વાંચન સામગ્રી તમે તમારા સ્માર્ટફોનમાં પણ સંઘરી શકો છો. હું તો ચોક્કસપણે માનું છું કે આપણી ધાર્મિક માન્યતાઓમાં જેમ મનાય છે કે આવકનો દસમો ભાગ ધર્મકાર્ય માટે વાપરવો જોઈએ, તો એટલોજ ભાગ પુસ્તકો, સારા મેગેઝીન્સ કે કોઈ પણ એવી વાંચન સામગ્રી ખરીદવા માટે પણ અનામત રાખવો જોઈએ. હું તો ત્યાં સુધી કહેવાની ખેવના રાખું છું કે પુસ્તકો પાછળ ખર્ચ થતા નાણા એ ખર્ચ નહીં પણ મૂડીરોકાણ છે જે લાઈફમાં તમને જબ્બર રીટર્ન્સ આપી શકે છે. શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા નાણાની વેલ્યુમાં તો વધ-ઘટ પણ થાય છે ને ક્યારેક ઘણું ગુમાવવાનો પણ વારો આવે છે. જયારે પુસ્તકો પાછળ ઇન્વેસ્ટ કરવામા તો કાયમ નફાનો જ સોદો છે. એમાંથી થતું ઉપાર્જન તમારા મન, વિચાર, વાણી, હૃદય અને જીવનને સંવર્ધિત કરતુ ગેરેન્ટીડ વ્યાજ ચૂકવ્યા જ કરે છે.

બાળકને શાળા-કોલેજમાં મુકતા પહેલા પણ ત્યાની લાઈબ્રેરીની એક લટાર મારવાનો મોહ રાખવા જેવો છે. અરે ત્યાના આચાર્યની કેબીનમાં પુસ્તકો માટે એક અલગથી ખાનું છે કે નહી એની પણ જાંચ-પડતાલ કરી લેવાની વૃત્તિ હોવી જોઈએ. જો આ બંને બાબતમાં તમને જરા પણ કચાશ વર્તાય તો એવી શાળા-કોલેજમાં એરકન્ડીશંડ ક્લાસરૃમ હોય તો પણ ત્યાં તમારા બાળકને દાખલ કરતા પહેલા ખચકાજો જરૃર. મને વ્યક્તીગત રીતે એવા ડોક્ટરની કલીનીકમાં જવું વધુ પોસાય છે જ્યાં બહાર દર્દીઓને બેસવાની જગ્યાએ ભલે જુના તો જુના પણ દસ સારા મેગેઝીન્સ કે પુસ્તકોની વ્યવસ્થા રાખવામા આવી હોય. દક્ષિણ ભારતના પ્રવાસે એક વખત એક એક્સપ્રેસ ટ્રેઈનમાં મારી સીટ લેતી વખતે ત્યાનું એક યુવાલક્ષી સ્થાનિક અંગ્રેજી અખબાર દરેક સીટ પર મુકાયેલું જોયું ત્યારે રેલ્વેની આ સેવા બદલ મને આનંદ થયેલો. જોગાનુજોગ એજ ન્યુઝપેપરમાં એક પાને હું જે કાર્યક્રમ માટે ત્યાં ગયેલો એની વિગત મારા નામ સાથે વાંચવા પણ મળી ગઈ એનો વિશેષ આનંદ થયેલો. મુંબઈ જેવા ભીડભાડવાળા ભાગતા શહેરની એક વસ્તુ મને નોંધવા જેવી લાગી છે કે ત્યાં ઘણી બધી જગ્યાએ રસ્તા પર જ કોઈ મંડળ કે સંગઠનના નામે સ્ટેન્ડ હોય અને તેમાં રોજેરોજના ચાર-પાંચ છાપાઓ વિનામૂલ્યે વાંચવા માટે મુકાયેલા હોય. આ વિનામૂલ્ય સેવા ખરેખર અમૂલ્ય છે. ક્રોસવર્ડ જેવા પુસ્તકોના સ્ટોરમાં આજુબાજુ ઢગલાબંધ પુસ્તકો હોય અને એની વચ્ચે ત્યાંજ એક નાનકડા સ્ટુલ પર બેસીને પુસ્તક વાંચતી વ્યક્તિ નું દ્રશ્ય મને હંમેશા રમણીય લાગ્યું છે.

એક વખત સાચેસાચ બનેલી એક ઘટના વર્ણવું તો પેટ્રોલપંપ પેટ્રોલ પુરવાનું કામ કરતો એક ટીન-એજ છોકરો મારા વાહનમાં પેટ્રોલ પુરતો હતો ત્યારે મારું ધ્યાન ત્યાં પડેલી સ્વામી વિવેકાનંદની કેટલીક પુસ્તિકાઓ પર પડયુ. મારાથી નાં રહેવાયું એટલે મેં એને પૂછી લીધું એ વિષે અને એના જવાબમાં એને જે કહ્યું એને મનોમન મેં સો સલામ કરી હતી. એણે કહ્યું કે અહીં ગપ્પા મારવા કરતા જયારે કામમાંથી વચ્ચે-વચ્ચે જે થોડો સમય મળે ત્યારે હું આ પુસ્તિકાઓ વાંચું છું. આવી વ્યક્તિ સામે પેટ્રોલપંપ પર જ એક આખી લાઈબ્રેરી ઠાલવી દેવાનું મન થઇ ગયું. કોઈ પણ શહેરમાં લાઈબ્રેરી કેટલી છે અને બગીચાઓનું જતન કેવું થાય છે આ બે બાબતો એ શહેરની સામાજિક નિસ્બત અને સંસ્કારિતા ઉજાગર કરતા માપદંડ છે. મને લાગે છે કે આપણે જો ગામેગામ લાઈબ્રેરીની સંખ્યા વધારી શકીશું અને લોકોની વાંચનની ભૂખ ઉઘાડી શકીશું તો વૃદ્ધાશ્રમોની સંખ્યા અને માનસિક રોગોની સારવાર પાછળ થતો ખર્ચ અ બંનેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહીશું. જીવનમાં તમારી પીઠ થાબડનાર અને જરૃર પડયે કાન આમળનાર એક મિત્ર હોય એ નસીબની વાત છે એવી જ રીતે વાંચનની ભૂખ હોવી અને સારા પુસ્તકો હાથવગા કરી લેવા એ પણ નસીબની વાત છે. આવું નસીબ ઘડતા આપણે વહેલી તકે શીખી લેવું જોઈએ. પુસ્તકો હંમેશા શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે. વિશ્વવિખ્યાત ફિલસૂફ ગટે ભગવદ્ ગીતા વાંચ્યા પછી ગીતા માથા પર રાખીને ઉભી બજારે નાચેલો. રસ્કીનના 'અન ટુ ધી લાસ્ટ' એ પુસ્તકે ગાંધીજીને પ્રભાવિત કરેલા. વિશ્વના ઘણા શ્રેષ્ઠ પુસ્તકોએ ઘણાની જીંદગી જડમૂળથી બદલી નાખી છે. શરીરને ચાલતું રાખવા જેમ ખોરાકની જરૃર પડે છે તેમ મનને ચાલતું રાખવા અને હૃદયને ખરા અર્થમાં ધબકતું રાખવા વાંચન સામગ્રી ખોરાકનું કામ કરે છે. પુસ્તકો તમને પ્રેરણા આપી શકે છે, જીવનમાં જીજીવિષા જન્માવી શકે છે, તમારી ક્યુરીઓસીટીને કેળવી શકે છે. દરેક માં-બાપે લખતા-વાંચતા શીખી ગયેલા બાળકને વર્ષે ગીફ્ટમાં ઓછામાં ઓછા બે પુસ્તકો આપવાની પ્રણાલી રાખવી જોઈએ. ચોવીસ વર્ષની ઉંમરે ઘરથી ઘણે દુર એક ગામમાં શૈક્ષણિક સંસ્થામાં આઠ મહિના નોકરી કરતી વખતે કોઈ મસ્ટરમાં મેં સૌથી વધુ એન્ટ્રી પાડી હોય તો એ હતું ત્યાની લાઇબ્રેરીનું મસ્ટર. ત્યારબાદ બીજી એક સંસ્થામાં સળંગ બાર વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યા પછી મેનેજમેન્ટની સંવેદનહીનતા અને કાવાદાવાને લીધે અણધાર્યા વળાંકે ઓચિંતી નોકરી છૂટતી વખતે પણ સંસ્થાની મિલકતો જે મારે પાછી જમા કરાવવાની હોય એમાં સૌથી વધુ તો પુસ્તકો જ હતા અને કામના સ્થળેથી મારી અંગત વસ્તુઓ જે ઘેર પાછી લઇ જવાની હતી એમાં પણ વધુ તો પુસ્તાકો જ હતા. (પણ હા, એ સંસ્થાના આચાર્યની કેબીનમાં પુસ્તકોને કોઈ સ્થાન નહોતું એટલે મને આવા કાવાદાવાની ખાસ નવાઈ ન લાગી) જીવનમાં ઘણીવાર અણધાર્યા સંજોગોમાં જાત પુસ્તકોને હવાલે કરી જોઈ છે મેં તો અને એના સારા પરિણામો હંમેશા મળ્યા છે. યાદી તો ઘણી લાંબી થઇ શકે પણ કેટલાંક જીવનને સ્પર્શી ગયેલા મને ગમતા પુસ્તકોના નામ લખું તો 'સાગરપંખી', 'સિદ્ધાર્થ', 'આઉટસાઈડર', 'હું મુવ્ડ માય ચીઝ', 'ધી સીક્રેટ', 'રીચ ડેડ પુઅર ડેડ' વગેરે. પુસ્તકની પાંખે અભિવ્યક્તિના આકાશે ઉડતા-ઉડતા સંવેદનાની લહેરખીમાં ભીંજાતા રહીએ. સિક્રેટ કીઃ એક સારું પુસ્તક લોહીમાં રક્તકણોની રિક્તતા પુરવા, ત્વચાને સ્પર્શની સંવેદના આપવા અને હૃદયને ધમનીઓમાં અનુભૂતિઓને વહેતી રાખવા સક્ષમ હોય છે. પ્રતિભાવઃ joshinikhil2007@gmail.com