મહેમદાવાદ નજીક ટ્રેનમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ
મુંબઈની મહિલા બાન્દ્રા-ભુજ ટ્રેનમાં થરાદ માતાજીની બાધા કરવા જતા હતા, મહેમદાવાદ નજીક ટ્રેન ધીમી પડતાં જ ગઠિયાએ બારીમાંથી હાથ નાંખીને સોનાનો દોરો લૂંટી લીધો
મહેમદાવાદ અને નેનપુર રેલવે સ્ટેશન વચ્ચે બાન્દ્રા-ભુજ એક્સપ્રેસ ટ્રેનમાંથી સુઈ રહેલ મહિલા મુસાફરના ગળામાંથી કોઈ ગઠિયો સોનાની ચેઈન લૂંટીને ફરાર થઈ જતાં આ અંગે નડિયાદ રેલ્વે પોલીસે zગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઈસ્ટ મુંબઈ હસ્તીગીરી અશોકનગરમાં રહેતા મીનાક્ષીબેન હસમુખભાઈ મોરખીયા (જૈન) તા. ૨૧/૧૦/૨૩ ના રોજ બોરીવલી સ્ટેશનથી બાંન્દ્રા ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં થરાદ માતાજીની માનતા કરવા સ્લીપર કોચમાં પાલનપુર જઈ રહ્યા હતાં. ત્યારે રાત્રીના ૨૩.૪૫ કલાક દરમિયાન મહેમદાવાદ -નેનપુર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ધીમી પડતા કોઈ અજાણ્યા ઈસમે બારીમાંથી હાથ નાખી સુઈ રહેલ મીનાક્ષીબેનના ગળામાં પહેરેલ સોનાની ચેન એક તોલાની લૂંટીને ફરાર થઈ ગયો હતો. જેની કિંમત રૂા. ૬૦,૦૦૦ થવા જાય છે. આ બનાવ અંગે મીનાક્ષીબેન મોરખીયાની ફરિયાદને આધારે નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી છે.