ખેડાના ખુમારવાડના યુવાને ૧ લાખની લોન લેવા જતા ૪૨ હજાર ગૂમાવ્યા
ઈન્સ્ટાગ્રામ ઉપર વીડિયોરૂપી આવેલી જાહેરાત જોઈને સંપર્ક કરતા વાયરમેન ઠગાયા
ખેડા તાલુકાના ખુમારવાડના યુવાન એક લાખની લોન લેવા જતા ગઠિયાએ અલગ-અલગ ચાર્જના બહાને ૪૨ હજાર રૂપિયા ઓનલાઈન મેળવી લઈને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતા આ અંગે ખેડા શહેર પોલીસે ગુનો દાખલ કરીને મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી અનુસાર ખેડા તાલુકાના ખુમારવાડા ગામે બોરિયાપુરા વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષિય ભૂમેશભાઈ શનાભાઈ સોઢાપરમાર નજીક આવેલ ખાનગી કંપનીમાં છેલ્લા બે વર્ષથી વાયરમેનની નોકરી કરે છે. ગત ૨ નવેમ્બરના રોજ તેઓ પોતાના ઘરે હાજર હતા.આ દરમ્યાન ઈન્સ્ટાગ્રામ પર લોન બાબતે એક વિડીયો જોયો હતો અને આ દર્શાવેલા નંબર પર ભુમેશભાઈએ સંપર્ક કરતા સામેવાળી વ્યક્તિએ લોન બાબતે ભરોસો આપી પોતાનો પરિચય ધની ફાઈનાન્સ દિલ્હીથી બોલતો હોવાનો આપ્યો હતો. આ બાદ ભુમેશભાઈ સોઢા પરમારના વોટ્સએપ મોબાઈલ પર પીડીએફ મોકલી હતી.
ત્યારબાદ રૂા. ૧ લાખની લોન લેવાની વાત ભુમેશભાઈએ કરી હતી. જે પછી તેઓએ ડોક્યુમેન્ટ સેન્ડ કર્યા હતા. ગઠીયાએ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તેમ કહી તમારી લોનના ફાઈલ ચાર્જ, એગ્રિમેન્ટ ચાર્જ, દિલ્હીથી ગુજરાતમાં મોકલવાના ચાર્જ, જીએસટી ચાર્જ, આરબીઆઈના વેરિફિકેશનના ચાર્જ મળી વિવિધ ચાર્જ મુદ્દે કુલ રૂા. ૪૨ હજાર પડાવી લીધા હતા. જે બાદ પણ નાણાં માંગતા ભુમેશભાઈ સોઢા પરમારે કહ્યું મારી લોનના નાણાં આપો અથવા તો ભરેલા રૂપિયા ૪૨ હજાર પરત આપો તેમ કહ્યું હતું. જે પછી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સમગ્ર મામલે ભુમેશભાઈ સોઢા પરમારે ઉપરોક્ત અજાણ્યા નંબર ધારક સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.