નેપાળને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી સાથે લોકો માર્ગો પર ઉતર્યા: રાજાશાહી ફરી સ્થાપવા કરેલું એલાન
ભારતનો નિકટવર્તી પાડોશી દેશ નેપાળ પોતાની હિન્દુવાદી સંસ્કૃતિ માટે દુનિયાભરમાં વિખ્યાત છે. તે હિન્દુ બહુમતિ (ઘણી મોટી બહુમતિ) વાળો દેશ છે. આ દેશમાં ૩૦૦ વર્ષ સુધી એક જ રાજવંશનું રાજ્ય રહ્યું હતું. તેવામાં રાજવંશમાં જ એક તરફ આંતરિક વિવાદ ઉભો થયો તો બીજી તરફ ચીન સમર્પિત સામ્યવાદીઓ જોરમાં આવ્યા. તેમણે સર્વસત્તા હાથમાં લઇ લીધી નેપાળને સામ્યવાદી રાષ્ટ્ર બનાવવા પ્રયત્નો હાથ ધર્યા. આ પ્રયત્નો જ તેમને સામા પડયા. તે સર્વવિદિત છે કે સામ્યવાદ નિરીશ્વસ્વાદી છે. તેમાં ધર્મ કે ધાર્મિક વિધિઓને સ્થાન જ નથી.
કહેવાય છે કે નેપાળમાં સામ્યવાદી સરકાર આવી ત્યારથી ત્યાંના ધાર્મિક સ્થળોની સતત ઉપેક્ષા જ થઇ રહી છે. સામ્યવાદીઓ ઇશ્વરમાં માનતા નથી. નેપાળ, ભૂતાન અને ભારત સહિત તમામ આદ્રો-એશિયાઈ દેશો તે સહી જ શકે તેમ નથી કારણ કે વિશ્વવ્યાપ્ત તેવી કોઈ પરમ શક્તિ છે તેમાં તેઓને દ્રઢ વિશ્વાસ છે. તેનાં નામ ભલે જુદાં જુદાં આપ્યાં હોય. આથી ભારત-તેમજ નેપાળ બંનેમાં જબરજસ્ત જમણેરી ઝૂકાવ શરૃ થઇ ગયો છે. તેમાંયે નેપાળમાં રાજાશાહી ખતમ કરાતાં હજી પણ મધ્યયુગી વિચારધારામાં જીવતી નેપાળી પ્રજા ખુલ્લેઆમ સરકાર સામે પડી ગઈ છે. તે નેપાળને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા સાથે રાજાશાહી પુનઃસ્થાપિત કરવા અને મૂળ રાજવંશના એક વારસ અને પૂર્વ મહારાજા જ્ઞાાનેન્દ્રને પુનઃ સત્તારૃઢ કરાવવાની જોરદાર રજૂઆત કરતા નેપાળનાં પંચાયત-ભવન (સંસદભવન) તરફ ધસી ગયા હતા. આ આંદોલનમાં ભાગ લેવા, નેપાળના લગભગ તમામ વિસ્તારોમાંથી લોકો કાઠમંડૂ પહોંચ્યા હતા. તેમનાં સરઘસને અટકાવવા, પોલીસને લાઠીચાર્જ અને અશ્રુવાયુનો પણ ઉપયોગ કરવો પડયો હતો.આ દેખાવકારોએ દેશનાં સામ્યવાદી શાસન ઉપર ભ્રષ્ટાચાર અને શાસન નિષ્ફળતાના પણ આક્ષેપો કરતા સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ તે સંબંધે પ્લેકાર્ડઝ પણ સાથે રાખ્યાં હતાં.