મહુધા પાસે ત્રિપલ અકસ્માતમાં ત્રણ ઘાયલ, બેની હાલત ગંભીર
પીકઅપ ડાલાએ બાઈકને ટક્કર માર્યા બાદ ઈકો કાર ડાલાની પાછળ અથડાઈ
મહુધા-નડીઆદ રોડ ઉપર આવેલા ભુલી બાવની પાટીયા પાસે ગત ૨૪મી તારીખના રોજ સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા પીકઅપ ડાલાએ બાઈકને ટક્કર માર્યા બાદ ડાલાની પાછળ ઈકો કાર અથડાતા સર્જાયેલા ત્રીપલ અકસ્માતમાં ત્રણને ઈજાઓ થવા પામી હતી. જે પૈકી બેની હાલત ગંભીર હોય તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે મહુધા પોલીસે પીકઅપલ ડાલાના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર વસો તાલુકાના દંતાલી ગામે રહેતો અલ્ફાઝમીંયા આબીદમીંયા મલેક (ઉ.વ. ૧૯)માતર તાલુકાના ખડીયારપુરા ખાતે રહેતા રહીશ યાકુબખાન પઠાણના બાઈક નંબર જીજે-૨૩, ડીક્યુ-૪૧૫૬ ઉપર સવાર થઈને રૂદણ ગામે લગj પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા. સાંજના સાતેક વાગ્યાના સુમારે મહુધા-નડીઆદ રોડ ઉપર આવેલા ભુલી બાવની પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી રોંગ સાઈડે આવી ચઢેલા પીકઅપ ડાલા નંબર જીજે-૦૭, વાયઝેડ-૭૩૪૦એ ટક્કર મારતાં બન્ને રોડ ઉપર ફંગોળાયા હતા. અકસ્માત બાદ પીકઅપ ડાલાનો ચાલક ડાલાને રોડ ઉપર જ ભયજનક રીતે મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દરમ્યાન મહુધાથી નડીઆદ તરફ જતી ઈકો કાર નંબર જીજે-૦૭, બીઆર-૮૮૭૬ની ડાલાની પાછળ અથડાતા ચાલકને પણ ઈજાઓ થવા પામી હતી.
ગંભીર રીતે ઘવાયેલા રહીશખાન અને અલ્ફાઝમીંયાને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા નડીઆદની સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બન્નેની હાલત ગંભીર હોયવધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.