નડીઆદના યુવાનનો આર્થિક તંગીને કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત
નસીંગનો પ્રથમ વર્ષનો અભ્યાસ કર્યા બાદ ચાર્લ્સ પરમારની આગળ ભણવાની ઈચ્છા હતી પરંતુ નાણાંની સગવડ ના હોય ડીપ્રેસનમાં રહેતો હતો
નડીઆદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હાર્ટ હોસ્પીટલ સામેના મિલાપનગરમાં રહેતા એક ૨૩ વર્ષીય યુવકે વધુ ભણવા માટે નાણાંની તંગીને ગળે ફાંસો
ખાઈને આપઘાત કરી લેતાં આ અંગે નડીઆદ પશ્ચિમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ચાર્લ્સ રાજેશભાઈ પરમારે સને ૨૦૧૯માં જીએનએમ નર્સિંગનો પ્રથમ વર્ષનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હોય પરંતુ પૈસાની તંગીને કારણે તે વધુ ભણી શક્યો નહોતો અને કોઈ કામધંધો કરતો નહોતો.જેને કારણે તે સતત ડીપ્રેશનમાં રહેતો હતો. આજે સવારના સુમારે તેના પિતા અમદાવાદ નોકરી ઉપર ગયા હતા જ્યારે માતા ઘરકામ માટે ઘરની બહાર ગયા હતા. એ દરમ્યાન તેણે બેઠકરૂમમાં આવેલા પંખા સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈ લીઘો હતો. દરમ્યાન તેનો ભાઈ જોય ઘરે આવતા તેણે ભાઈને પંખા સાથે લટકેલો જોતા જ બુમાબુમ કરી મુકી હતી. જેથી આસપાસના પડોશીઓ આવી પહોંચ્યા હતા અને તુરંત જ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી અને લાશને નીચે ઉતારીને પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં મોકલી આપી હતી.