પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે
૫ કેટેગરીમાં કુલ ૨૫ કારોબારી સભ્યો ચૂંટાયા, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી,જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચીની ચૂંટણી યોજાશે : ખાસ મુરબ્બી વર્ગ-૧૦૦૦૧માં ૧૩, મુરબ્બી વર્ગ-૫૦૦૧માં ૮, શુભેચ્છક વર્ગ-૨૫૦૧માં ૮,દાતા વર્ગ-૧૦૦૧માં ૮, સહાયક વર્ગ-૫૦૧માં ૮ ઉમેદવારો વચ્ચે જંગ
મોટાભાગના મતદારો વિદેશમાં હોય ઓછું મતદાન થશે
સુણાવ કેળવણી મંડળના મોટાભાગના સભાસદો વિદેશમાં સ્થાયી થયા હોય આગામી ત્રીજી ડીસેમ્બરના રોજ યોજાનારી કારોબારી કમિટિની ચૂંટણીમાં ઓછું મતદાન થવાની શક્યતા જોવાઈ રહી છે. સુણાવ કેળવણી મંડળની સત્તા હસ્તગત કરવા માટે બે પેનલો વચ્ચે જંગ જામ્યો છે. ઉમેદવારો દ્વારા મતદાર યાદી લઈને ભારતમાં હાજર મતદારોનો સંપર્ક કરીને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે સમજાવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પેટલાદ તાલુકાના શિક્ષણ ક્ષેત્રે અગ્રણી મનાતી સુણાવ કેળવણી મંડળના કારોબારી કમિટિના ૨૫ સભ્યોની ચૂંટણી આગામી ૩જી ડીેસેમ્બરના રોજ યોજાશે. જે માટે આજે ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ હરિફ ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. જે અનુસાર પાંચ વિભાગમાં થઈને કુલ ૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણીં જંગ જામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુણાવ કેળવણી મંડળ અંતર્ગત આઈટીઆઈ, ટીઈબી, હાઈસ્કુલ, પ્રાથમિક સ્કુલ વગેરે ચાલી રહ્યા છે. આ મંડળની દર ત્રણ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. કારોબારી કમિટિમાં વિવિધ પાંચ કેટેગરીમાં કુલ ૨૫ સભ્યોની વરણી કરવામાં આવે છે. જેમાં ખાસ મુરબ્બી વર્ગ-૧૦૦૦૧માં નવ ઉમેદવારો ચૂંટવાના હોય છે તેની જગ્યાએ કુલ ૧૩ ઉમેદવારો રહેવા પામ્યા છે. જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મુરબ્બી વર્ગ-૫૦૦૧માં ચાર બેઠકો માટે કુલ ૮ ઉમેદવારો, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. શુભેચ્છક વર્ગ-૨૫૦૧ની ચાર બેઠકો માટે ૮ ઉમેદવારો કે જેમાં બે મહિલાઓનો સમાવેસ થાય છે. દાતા વર્ગ-૧૦૦૧ની ચાર બેઠકો માટે કુલ ૮ ઉમેદવારો, કે જેમાં બે મહિલાઓ તેમજ સહાયક વર્ગ-૫૦૧ની ચાર બેઠકો માટે ૮ ઉમેદવારો રહેવા પામ્યા છે.
જો કે આ ચૂંટણી પહેલા જ મંડળના મંત્રી સુમનભાઈ પટેલે ૨૬મી નવેમ્બરમાં સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ચૂંટણી સ્થગિત કરવા,રોકવા, તારીખ બદલવા,ઉમેદવારોનું નાગરિકત્વ ચકાસવા વિગેરે બાબતે નિવેદન આપતાં મામલો ગરમાયો હતો. દરમ્યાન મંડળના સભ્યોના સમજાવટથી સુમનભાઈએ પોતાનું નિવેદન પરત લીધું હતુ અને ચૂંટણી તેના નિર્ધારીત સમયે જ યોજનાર છે. ત્રીજી ડીસેમ્બરના રોજ સવારના ૯ થી બપોરના ૧.૩૦ વાગ્યા સુધી માતૃ-પિતૃ સાંસ્કૃતિક હોલ, સુણાવ ખાતે મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. મતગણતરી પુરી થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવનાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર કુલ ૫૦૦ જેટલા સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.
કારોબારી કમિટિની ચૂંટણી યોજાઈ ગયા બાદ ચૂંટાયેલા ૨૫ સભ્યો વહિવટી કમિટિ કે જેમાં એક પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને ખજાનચીની ચૂંટણી યોજાનાર છે.