તીર્થધામ બોચાસણ ખાતે કાર્તિકી પૂનમ-દેવદિવાળી ઉત્સવની ભાવભેર ઉજવણી
ભગવાન સર્વ કર્તા છે, એમની મરજી વગર સૂકું પાંદડું હાલી શકે એમ નથી : પ.પૂ.મહંતસ્વામી મહારાજ
કાર્તિકી પૂર્ણિમા પર્વ મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવાયો
બીએપીએસના ગાદીસ્થાન બોચાસણમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવદિવાળી ઉત્સવની ઉત્સાહ અને ભકિતભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિશેષ માહાત્મય ધરાવતી કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે પ્રતિ વર્ષ પ્રગટ સત્પુરુષના સાંનિધ્યમાં બોચાસણમાં સમૈયાની ઉજવણી થતી હોઇ મોટી સંખ્યામાં હરિભકતો દર્શન-આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. બોચાસણના શ્રી સ્વામિનારાયણ બાગ ખાતે આજે સવારે ઉત્સવની મુખ્ય સભા 'બીએપીએસ સંસ્થાના વિકાસના મૂળમાં સાધુતા' એ કેન્દ્રિય વિચાર સાથે થઇ હતી. વિદ્વાન સંતોએ વિષયને આનુસંગિક પ્રેરક વકતવ્યો આપ્યા હતા. ધૂન-કિર્તન બાદ પૂ.અનિર્દેશ સ્વામીએ આજના ઉત્સવનો મહિમા વર્ણવીને બીએપીએસ સંસ્થાના સર્વાગી વિકાસની ગાથા રજૂ કરી હતી. તેના મૂળમાં અક્ષરબ્રહ્મ સ્વરુપ ગુણાતીત સત્પુરુષની 'સાધુતા'નું મૂલ્ય એટલે 'નિયમ ધર્મ, નિર્મળ અંતકરણ' અને 'ભગવાન પ્રત્યેની નિષ્ઠા'ના ગુણોને સામર્થ્ય ગણાવ્યું હતું. ત્યારબાદ વિદ્વાન વકતા સંતોએ વકતવ્યોમાં સાધુતાના આ ગુણો ગુણાતીત સત્પુરુષમાં કઇ રીતે વિદ્યમાન છે તેની છણાવટ કરવા સાથે પ્રગટ સત્પુરુષની સાધુતાનું દર્શન કરાવ્યું હતું.
પૂ.નારાયણમુનિ સ્વામીએ ગુણાતીત સત્પુરુષમાં 'નિયમ ધર્મ', પૂ.આનંદસ્વરુપ સ્વામીએ સાધુતા એટલે 'નિર્મળ અંત:કરણ' અને સદ્દગુરુ પૂ.વિવેકસાગર સ્વામીએ સાધુતા એટલે 'ભગવાન પ્રત્યેની નિષ્ઠા'ના પ્રસંગો વર્ણવ્યા હતા. સદ્દગુરુ પૂ.કોઠારી સ્વામીએ જણાવ્યું કે, નિર્મળ અંત:કરણ હોય તો ભગવાન રાજી થાય છે, આપણી સેવાને તેઓ સ્વીકારે છે. આ પ્રસંગે વિશિષ્ટ સેવા આપનાર હરિભકતોને હાર પહેરાવી સન્માન્યા હતા.
બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદ્દગુરુ પૂ.ઇશ્વરચરણ સ્વામીએ આપણા જીવનમાં ભગવાનની નિષ્ઠા કઇ રીતે દૃઢ થાય છે તેનું માર્ગદર્શન આપ્યું હતું. બીએપીએસ સંસ્થા દ્વારા સતત ર૦ વર્ષથી આરોગ્ય સેવામાં કાર્યરત વડોદરાના અટલાદરા ખાતેની સંસ્થાની શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં કેથલેબ સુવિધા શરુ કરવા અંગે જાહેરાત કરી હતી. વરિષ્ઠ સંતવર્ય પૂ. ડોકટર સ્વામીએ જીવન શુદ્વિના પાઠ શીખવવા સાથે શુભ પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે વરિષ્ઠ સંતોએ હારતોરાથી પૂ.સ્વામીશ્રીને વધાવ્યા હતા. અડાસના બાળકો-યુવકોએ ભકિતસભર નૃત્ય રજૂ કર્યુ હતું. સભાના અંતમાં પ.પૂ.મહંત સ્વામી મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું કે, ભગવાન કર્તા-હર્તા છે, એમની મરજી વગર પાંદડું હાલી શકે તેમ નથી. એ વાત આપણે જીવનમાં દૃઢ કરવી, મહારાજ અને સ્વામીની નિષ્ઠા જીવનમાં દૃઢ કરવી. આજના પ્રસંગે અંદાજે રપ હજાર ઉપરાંત હરિભકતોએ ઉપસ્થિત રહીને દર્શન-સત્સંગનો લાભ પ્રાપ્ત કર્યો હતો.