ભકત બોડાણાની ભકિતને વશ થઇને દ્વારિકાથી દ્વારિકાધીશને ડાકોર આવ્યાને ૮૬૮ વર્ષ પૂર્ણ, ભાવિકજનોનું ઘોડાપૂર
કાર્તિકી પૂર્ણિમા મહાપર્વ રણછોડરાયજીને વિશેષ શ્રૃંગાર, ઉત્સવ તિલક સાથે મોટો મોર મુકુટ ધારણ કરાવાયો
આજે કાર્તિકી પૂર્ણિમાએ ડાકોરના શ્રીરણછોડરાયજી મંદિરમાં મંગળા આરતીથી સાંજ સુધી હજારોની સંખ્યામાં ભાવિકજનો પ્રભુ દર્શન કાજે ઉમટયા હતા. ભકત વિજયસિંહજી બોડાણાની અતૂટ ભકિતને વશ થઇને દ્વારિકાથી શ્રી દ્વારિકાધીશને ડાકોરમાં આવ્યાને આજે ૮૬૮ વર્ષ પૂર્ણ થયા. આ મહાપર્વ પર શ્રી ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર, ઉત્સવ તિલક કરીને મોટો મોર મુકુટ ધારણ કરાવવામાં આવ્યો હતો. ઉત્સવ આરતીમાં સૌ શ્રદ્વાભેર જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ડાકોરના વતની, ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ બોડાણા રણછોડરાય પ્રત્યે અપાર ભકિત ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા ૭ર વર્ષની વય સુધી દર છ મહિને હાથમાં તુલસી વાવેલું કુંડુ લઇને પગપાળા દ્વારિકા સુધી યાત્રા કરી હતી. વધતી વયના કારણે અશકિત આવવાથી છેલ્લી યાત્રા દરમ્યાન હવે ફરી દ્વારિકા નહીં અવાયનો અફસોસ વ્યકત કર્યો હતો. બોડાણાની ભકિતથી રીઝાયેલ પ્રભુએ સ્વપ્નમાં આજ્ઞા કરી અને બોડાણા ગાડુ લઇને દ્વારિકા પહોંચ્યા. જયાં ભગવાન તેમની સાથે ડાકોર આવવા નીકળ્યાની કથાનો રણછોડ બાવનીની પદ્ય રચનામાં ઉલ્લેખ છે. વિક્રમ સંવત ૧ર૧રની કારતક સુદ પુનમના રોજ દ્વારિકાધીશનું બીજું સ્વરુપ ડાકોરમાં પધાર્યુ હતું, જે રણછોડરાય તરીક ેઓળખાય છે.