વાસદ-બોરસદ રોડ ઉપર આવેલા
ધર્મજ બ્રિજ ઉપર ટ્રેક્ટરની ટ્રોલીને આઈશર ટેમ્પાએ ટક્કર મારતાં એકનું મોત, ૧૦ ઘાયલ
કાણીસા ગામના સત્સંગીઓ બોચાસણ સ્વામિનારાયણ મંદિરે રવિવારની સભા ભરીને પરત જતા હતા ત્યારે રાત્રીના પોણા દશ વાગ્યાના સુમારે સર્જાયેલો અકસ્માત
બોરસદ-વાસદ રોડ ઉપર આવેલા ધર્મજ ગામના બ્રિજ ઉપર વચ્ચેના ભાગે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા આઈશર ટેમ્પાએ આગળ જતા ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર મારતાં એકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. જ્યારે દશને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે આઈશરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર ખંભાત તાલુકાના કાણીસા ગામે રહેતા ફરિયાદી સુરેશભાઈ મુળજીભાઈ પટેલ (ઉ. વ. ૫૮)ગઈકાલે રાત્રીના સુમારે પોતાના ટ્રેક્ટર નંબર જીજે-૨૩, બીડી-૬૫૫૧ની ટ્રોલીમાં મોટાભાઈ રમણભાઈ મુળજીભાઈ પટેલ (ઉ. વ. ૭૨)તથા ગામના સત્સંગીઓ મનુભાઈ કેસરસિંહ વાઘેલા, હિતેશભાઈ મનુભાઈ વાઘેલા, મંજુલાબેન મનુભાઈ વાઘેલા, શારદાબેન કેસરસિંહ વાઘેલા, હર્ષદભાઈ શનાભાઈ ભોઈ, પ્રદિપભાઈ અંબાલાલ પટેલ, રાજુભાઈ ધીરૂભાઈ પટેલ,હિંમતસિંહ ફતેસિંહ રાજપુત તથા સાક્ષીબેન હિંમતસિંહ રાજપુતને લઈને સ્વામિનારાયણ મંદિર બોચાસણ ખાતે ભરાતી રવિસભામાં ભાગ લેવા માટે ગયા હતા. રાત્રીના સુમારે સભા પુરી થયા બાદ તમામ પરત કાણીસા જવા માટે નીકળ્યા હતા. પોણા દશેક વાગ્યાના સુમારે ધર્મજ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બ્રિજ ઉપર પાછળથી પુરપાટ ઝડપે આઈશર ટેમ્પો નંબર જીજે-૦૫,બીએક્સ-૯૬૭૮એ ટક્કર મારતાં ટ્રેક્ટરની ટ્રોલી એકબાજુ નમી ગઈ હતી જેમાં બેઠેલા રમણભાઈ રોડ ઉપર પડી જતા તેમને આઈશરની ટક્કર વાગી જવા પામી હતી. જેથી જમણા પગે તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.
જ્યારે અન્ય દશેય મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાન તેમજ પોલીસને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા. અને ઘવાયેલા દશેય સત્સંગીઓને ધર્મજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કેટલાકની હાલત ગંભીર હોય તેમને વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મૃતક રમણભાઈના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.