ઉત્તરકાશી ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકો માટે ‘‘મુક્તિ’’નો સૂરજ ઉગ્યો
૩૯૯ કલાકથી ટનલમાં ફસાયેલા હતા, એમ્બ્યુલન્સમાં તમામને હોસ્પિટલ મોકલાયા : શ્રમિકોના પરિવારજનોમાં હર્ષોલ્લાસ, ટનલ પાસે મિઠાઇનું વિતરણ કર્યુ : શ્રમિકોનું મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કર્યુ સ્વાગત : શ્રમિકોને ટનલમાંથી સુરિક્ષત બહાર કાઢનાર રેસ્કયુ ટીમ પર અભિનંદનની વર્ષા
રેટ હોલ માઇનિંગ શું છે?
રેટ એટલે ઉંદર. હોલ એટલે કાણું અને માઇનિંગ એટલે ખોદકામ કરવું. સ્પષ્ટ છે કે કાણામાં ઘૂસીને ઉંદરોની જેમ ખોદકામ કરવું. એમાં પાતળા છિદ્રથી પહાડના કિનારાથી ખોદકામ શરૂ કરવામાં આવે છે અને પોલ બનાવીને ધીમે-ધીમે નાની હેન્ડ ડ્રિલિંગ મશીનથી ડ્રિલ કરવામાં આવે છે. હાથથી જ કાટમાળને બહાર કાઢવામાં આવે છે. રેટ હોલ માઇનિંગ નામની પ્રોસેસનો ઉપયોગ મોટાભાગે કોલસાની માઇનિંગમાં થતો રહે છે. ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરપૂર્વમાં રેટ હોલ માઇનિંગથાય છે, પરંતુ રેટ હોલ માઇનિંગ ખૂબ જ જોખમી કામ કરે છે, એટલે એના પર અનેકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટનલમાં ફસાયેલા કામદારો આઠ રાજયના
ઉલ્લેખનીય છે કે ટનલ સત્તાવાળાઓએ અગાઉ જાહેર કરેલી યાદી મુજબ આ ૪૧ શ્રમિકોમાં બિહારના ૫, ઝારખંડના ૧૫, ઉત્તરપ્રદેશના ૮, ઓડિશાના ૫, પશ્ચિમ બંગાળના ૩ અને ઉત્તરાખંડ-આસામના ૨-૨, જયારે હિમાચલ પ્રદેશના ૧ શ્રમિકનો સમાવેશ થાય છે.
ટનલ પાસે પૂજા કરવામાં આવી હતી
મજૂરોની સુરક્ષા માટે લોકો ટનલ પાસે પૂજા પણ કરી રહ્યા હતા. બાબા બોખના મંદિર પાસે લોકો હવન-પૂજા કરી હતી. ઇન્ટરનેશનલ ટનલિંગ એકસપર્ટ, આર્નોલ્ડ ડિકસે પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ મમતા બેનર્જીએ લોકોને પરત લાવવા ટીમ મોકલી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે એક ટીમ મોકલી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં માહિતી આપતા જણાવ્યું કે અમારા લોકોની મદદ માટે એક ટીમ ઉત્તરકાશી મોકલ¶ાઇ છે.
શ્રમિકો, તેમના પરિવાર અને બચાવનારી
ટીમને પીએ મોદીએ કર્યુ અભિવાદન
ભારે મહેનત બાદ અંતે ફસાયેલા ૪૧ શ્રમિકોએ જિંદગીની જંગ જીત લીધો છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ આ મામલે સતત નજર રાખી રહયા હતા. વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનીસાથે વાત કરી અને બચાવ કાર્યનું સતત અપડેટ લીધું હતું. બચાવ અભિયાન સફળ રહ્યા બાદ પીએમ મોદીએ સીએમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વડાપ્રધાને એકસ પર લખ્યુકે ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઇઓના રેસ્કય ઓપરેશનની સફળતા દરેક લોકોને ભાવુક કરનારી છે. ટનલમાં જે સાથી ફસાયેલા હતા તેમને હું કહેવા માંગુ છું કે તમારા સાહસ અને ધૈર્ય દરેક લોકોને પ્રેરિત કરે છે. હું તમારા તમામ લોકોની કુશળતા અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.
આ અત્યંત સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે અમારા આ સાથે પોતાના પ્રિયજનોને મળશે. આ તમામના પરિવારના લોકોને પણ આ પડકારભર્યા સમયમાં જે સંયમ અને સાહસનો પરિચય આપ્યો છે તેની જેટલી પણ પ્રશંસા કરું તે ઓછી છે. હું આ બચાવ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોના જુસ્સાને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પ શકિતએ આપણા શ્રમિક ભાઇઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક લોકોએ માનવતા અને ટીમ વર્કના એક અદભૂત ઉદાહરણને પુરું પાડયું છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગ્યો છે. એક પછી એક એમ તમામ શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહયા છે. એનડીઆરએફ-એસડીઆરએફ, ઉત્તરાખંડ પોલીસ, વહીવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. શ્રમિકો બહાર આવવાની શરૂઆત થતાં સૌકોઇમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. શ્રમિકો બહાર આવવાની સાથે જ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રમિકોના પરિવારજનો દ્વારા મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટનલ પાસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત) સહિતના નેતાઓએ શ્રમિકોનું સ્વાગત કર્યુ હતું . તમામ શ્રમિકો આઠ રાજયોના હોવાનું પણ કહેવાય છે.
છેલ્લા ૧૭ દિવસ ટનલમાં ફસાયેલામાંથી પ્રથમ વ્યકિત બહાર આવતા મુખ્યમંત્રીએ તેનું સ્વાગત કર્યુ હતું. લોકોમાં હર્ષોઉલ્લાસની લાગણી ફેલાઇ ગઇ હતી. પ્રથમ મજૂરને સાંજે ૭.૫૦ વાગે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બહાર નીકળેલા કામદારો સાથે વાત કરી હતી.
રેટ સ્નેપર્સ કંપની નવયુગના મેન્યુઅલ ડ્રિલર નસીમે કહ્યું - તમામ કામદારો સ્વસ્થ છે. મેં તેમની સાથે સેલ્ફી લીધી. તેમણે કહ્યું કે જયારે છેલ્લો પથ્થર હટાવવામાં આવ્યો ત્યારે બધાએ ખુશી વ્યકત કરી હતી.
૧૨ નવેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૫.૩૦ વાગ્યાની આસપાસ ઉત્તરકાશીમાં બનેલી સિલ્કયારા-ડંડલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડયો. કાટમાળ લગભગ ૬૦ મીટર સુધી ફેલાઇ ગયો હતો અને ટનલમાંથી બહાર આવવાનો રસ્તો બંધ થઇ ગયો હતો. અંદર કામ કરતા ૪૧ મજૂરોનો સંપર્ક દુનિયાથી સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આજે એ તમામ શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવતા સૌ કોઇએ નિરાંતનો શ્વાસ લીધો હતો.
આ સમગ્ર ઓપરેશનમાં ઓગર મીશન અને રેટ માઇનર્સએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જે સમયે ઓગર મશીનના પાર્ટસ પાઇપમાં ફસાયા હતા. તે સમયે આખો દેશ ચિંતામાં મુકાયો હતો. પરંતુ આ કામમાં લાગેલી એજન્સીઓના કર્મચારીઓ અને અધિકારીઓએ હાર ન માની. ઓગર મશીનના બ્લેડને કાપવા માટે હૈદરાબાદથી પ્લાઝમા કટરને એરલિફટ કરીને લવાયું. ત્યારબાદ ઓગર મશીનના પાર્ટસને પાઇપથી કાપીને કઢાયા હતા.
ત્યારબાદ ભારત સરકારે આ કામમાં રેટ હોલ માઇનર્સને લગાવ્યાહતા. રેટ હોલ માઇનર્સ એવી સ્થિતિમાં કોઇપણ બીજી ટીમના મુકાબલે વધુ સારી રીતે કામ કરે છે. તેનું કારણ છે કે તેના આવ્યા બાદ શ્રમિકોને સુરિક્ષત બહાર કઢાયા છે. ઓગર ડ્રિલિંગ મશીના ટૂકડાને કાટમાળથી બહાર કઢાયા બાદ એક નાની જગ્યાથી હાથના ઉપકરણોના ઉપયોગથી ડ્રિલિંગના અંતિમ તબક્કાને પૂર્ણ કરવા માટે ૧૨ રેટ હોલ ખનન વિશેષજ્ઞોને બોલાવાયા હતા. તેમણે ૨૪ કલાકથી ઓછા સમયમાં ૧૦ મીટરનું ખોદકામકરીને અભૂતપૂર્વ કામ કર્યુ.