મણિપુર હિંસામાં ૮૮ મૃતદેહો લાવારિસ : સુપ્રીમ કોર્ટે ૭ દિવસમાં અંતિમ સંસ્કાર કરવા આપ્યો આદેશ
-હિંસામાં મૃત્યુ પામેલા ૧૬૯ મૃતદેહોમાંથી ૮૧ પર પરિવારજનોની દાવો, ૮૮ની ઓળખ બાકી -લાવારિસ મૃતદેહોને શબઘરોમાં અનિશ્ચિત કાળ સુધી રાખવા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
મણિપુરમાં મે મહિનામાં જાતિય હિંસા ભડકયા બાદ ઘણા લોકોના મોત નિપજયા છે. હિંસામાં મૃત્યુ પામેલા૧૬૯ મૃતદેહોમાંથી૮૧ પર પરિવારજનોએ દાવો કર્યો છે, જયારે ૮૮ની ઓળખ હજુ બાકી છે, ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે મણિપુરના શબઘરોમાં પડી રહેલા મૃતદેહો અંગે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મૃતદેહોને દફનાવવા અથવા અગ્નિ સંસ્કાર સુનિશ્ચિત કરવા આદેશ જારી કર્યો છે.
સીજેઆઇ ડી વાય ચંદ્રચૂડની ખંડપીઠે કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુકત કરાયેલ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશોની મહિલા સમિતિએ એક રિપોર્ટ ફાઇલ કર્યો છે, જેમાં રાજયના શબઘરોમાં પડી રહેલા મૃતદેહોની સ્થિતિની માહિતી અપાઇ છે. સેવાનિવૃત્ત ન્યાયાધીશ ગીતા મિત્તલ આ સમિતિનું નેતૃત્વ કરી રહ્યા છે. ખંડપીઠે અવલોકન કર્યુ છે કે રાજય સરકાર દ્વારા મૃતદેહો દફનાવવા માટે નવ સ્થળોની ઓળખ કરવામાં આવી છે.
ખંડપીઠે કહ્યું કે જે મૃતદેહોની ઓળખ થઇ શકી નથી તેમજ દાવો કરાયો નથી, તે મૃતદેહોને શબઘરોમાં અનિશ્ચિત કાળ સુધી રાખવા યોગ્ય નથી. આજે સુનાવણી દરમિયાન ખંડપીઠે આદેશ આપ્યો કે પરિવારજનો દ્વારા મૃતદેહને નવ સ્થળોમાંથી કોઇપણ સ્થળે અવરોધ વિના અંતિમ સંસ્કાર કરી શકાય છે. ખંડપીઠે કહ્યું કે જે મૃતદેહો પર દાવો કરાયો છે, તે મૃતદેહોના પરિવારને સ્થળો અંગે રાજયના અધિકારીઓ સૂચના આપશે.
ખંડપીઠે કહ્યું કે ૪ ડિસેમ્બર પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ. કોર્ટે આદેશમાં જણાવ્યું કે જે મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, પરંતુ જેના પર દાવો કરાયો નથી, તે મામલે રાજય વહીવટી તંત્ર સોમવારે અથવા તે પહેલા પરિવારજનોને સૂચિત કરશે કે તેઓને એક અઠવાડિયાની અંદર જરૂરી ધાર્મિક વિધિઓ સાથે અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપશે.