કેરળ: રેપ કેસમાં પીડિતાની માતાને જ ૪૦ વર્ષની સજા દીકરી સાથે દુષ્કર્મ આચરવાની પરવાનગી આપી હતી
મહિલાએ તેના લિવ-ઈન-પાર્ટનરને ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની પરવાનગી આપી હતી
કેરળમાં પોસ્કો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ એબ્યુઝ કેસમાં પીડિતાની માતાએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડયો છે. આરોપો એવો હતો કે મહિલાએ તેના પ્રેમીને પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવાની પરવાનગી આપી હતી. કોર્ટે મહિલાને ૪૦ વર્ષની જેલ અને ૨૦ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો છે.
આરોપો એવો હતો કે મહિલાએ તેના લિવ-ઇન પાર્ટનરને ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની પરવાનગી આપી હતી. તિરુવનંતપુરમ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે મહિલાને 'માતૃત્વના નામે કલંક' ગણાવી છે. કોર્ટે એમ પણ કહ્યું કે તે દયાને પાત્ર નથી અને મોટી સજાને સમર્થન આપે છે. ખાસ વાત એ છે કે જો મહિલા દંડની રકમ ચૂકવવામાં અસમર્થ હોય તો તેને વધુ ૬ મહિના જેલમાં રહેવું પડશે.
આ ઘટના માર્ચ ૨૦૧૮થી સપ્ટેમ્બર ૨૦૧૯ વચ્ચે બની હતી. દોષિત મહિલા તે સમયે તેના માનસિક રીતે બીમાર પતિથી અલગ રહેતી હતી. તે તેના પુરુષ મિત્ર શિશુપાલન સાથે રહેતી હતી, જે આ કેસમાં મુખ્ય આરોપી હતો. તેની સાથે ૭ વર્ષની પુત્રી પણ રહેતી હતી. કોર્ટને જાણવા મળ્યું કે શિશુપાલને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
અહેવાલ છે કે શિશુપાલને પીડિતાની માતાની મિલીભગતથી ૨૦૧૮ અને ૨૦૧૯ વચ્ચે ઘણી વખત જાતીય હિંસા પણ કરી હતી. એટલું જ નહીં, આરોપીએ પીડિતાની ૧૧ વર્ષની સાવકી બહેન પણ પર દુષ્કર્મ આચર્યું હતું. બંને બાળકોને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે બાદમાં બંને બાળકીઓ ભાગીને દાદીના ઘરે પહોંચી હતી.
દાદીને આ ઘટનાની જાણ થતાં જ તેણે બાળકીઓને ચિલ્ડ્રન હોમમાં મોકલી, જ્યાં બંનેએ તેમની સાથે થયેલી ક્રૂરતા વિશે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, શિશુપાલન પહેલા જ આત્મહત્યા કરી ચૂકયો હતો.