જમ્મુ-કાશ્મીરમાં યુનિવર્સિટીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા, વિદ્યાર્થીઓની ધરપકડ
યુનિ.ના વિદ્યાર્થીઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા હોવાની બિન-કાશ્મીરી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે ૭ની ધરપકડ કરી
જમ્મુ અને કાશ્મીરની એક યુનિવર્સિટીમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લાગ્યા. યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થતા ઉજવણી કરી 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. પોલીસે આ વિદ્યાર્થીઓની ધરપકડ કરી.
જમ્મુ અને કાશ્મીરની 'શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી' ગાંડરબેલ ખાતે આવેલી છે. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા હોવાની બિન-કાશ્મીરી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. જેના બાદ પોલીસે કાર્યવાહી કરતા ૭ વિદ્યાર્થીઓની ધરપકડ કરી. બિન-કાશ્મીરી વિદ્યાર્થીઓએ ફરિયાદમાં જણાવ્યું કે હોસ્ટેલના ૭ વિદ્યાર્થીઓ ૧૯ નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતના પરાજયને જશ્નની જેમ ઉજવણી કરતા હતા. ૭ વિદ્યાર્થીઓએ ભારતના પરાજય પર એટલી હદે ફટાકડા ફોડયા કે તેઓ ડરી ગયા. બિન-કાશ્મીરી વિદ્યાર્થીઓએ હોસ્ટેલ સંચાલકને ફટાકડા ફોડવા સામે ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી ના થઈ. અંતે તેમણે આ સાત વિદ્યાર્થીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એટલે કે યુએપીએ હેઠળ કેસ નોંધી તમામની અટકાયત કરી.
પોલીસે ધરપકડ કરેલ સાત આરોપીની ઓળખ કરવામાં આવી છે. જેમના નામ તૌકીર ભટ, મોહસિન ફારૃક વાની, આસિફ ગુલઝાર વાર, ઓમર નઝીર ડાર, સૈયદ ખાલિદ બુખારી, સમીર રાશિદ મીર અને ઉબેદ અહેમદ છે. પોલીસે યુએપીએ હેઠળ એસકેયુએએસટી યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થી ધરપકડ કરી. આ નિયમ હેઠળ ધરપકડ કરાયેલ કોઈપણ વ્યક્તિને જલદી જામીન મળતા નથી. આ કલમ હેઠળ કોઈની વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે, તો તેના માટે નીચલી અદાલતોમાંથી જામીન મેળવવું ખૂબ મુશ્કેલ છે.
પોલીસ અધિકારીનું કહેવું છે કે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હોવાથી મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. આ મામલામાં ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓ પર પણ સંકટ તોળાઈ રહ્યું હોવાનું જણાવ્યું. આ યુનિવર્સિટીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીરના છે. બહુ ઓછા એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે અને આ એક્સટર્નલ વિદ્યાર્થીઓમાં ફરિયાદીનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ભારત વર્લ્ડ કપમાં હારી ગયું ત્યારે એસકેયુએએસટી યુનિવર્સિટી ઉપરાંત શ્રીનગરના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવાની માહિતી સામે આવી હતી. અનેક વીડિયો અને ફોટો પણ સામે આવ્યા હતા.