આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં
સાહેબની સહી સાથેનો છ વર્ષના દિવ્યાંગબાળકનો પાસ મેળવવા મહિલા સવારે ૧૦-૩૦થી બપોરે ર કલાક સુધી કચેરીએ બેસી રહ્યા
હું જમવા આવ્યો છું : જયેશ દેસાઇ, સમાજ સુરક્ષા અધિકારી
હાલની બેવડી ઋતુના માહોલમાં સશકત વ્યકિતને પણ એક જગ્યાએ કોઇની અડધો કલાક પણ રાહ જોવી પડે તો માનસિક વિપદાનો અનુભવ કરવો પડે છે. ત્યારે સરકારની યોજનાનો લાભ લેવા આવેલા દિવ્યાંગ વ્યકિતઓને અધિકારીની મનમાનીના કારણે ચાર કલાક સુધી કચેરીની બહાર બેસી રહેવાની મુશ્કેલ સ્થિતિ અનુભવવી પડી હતી. આ અરજદારોમાં નાર ગામના દિનેશભાઇ રાજુભાઇ પટેલ, બોરસદના અમરકુમાર, નાર ગામના સંગીતાબેન જાદવ વગેરેએ પોતાની પરેશાની વર્ણવી હતી. જેથી અખબાર દ્વારા સમાજ સુરક્ષા અધિકારી જયેશભાઇ દેસાઇનો મોબાઇલ પર સંપર્ક કરીને પૃચ્છા કરતા તેઓએ પોતે જમવા ગયા હોવાનું કારણ દર્શાવ્યું હતું. જોકે તેઓ જમવા માટે સવારના ૧૦:૩૦થી ગયા અને બપોરના બે વાગ્યા સુધી કચેરીમાં પરત આવ્યા નથી તે અંગે તેઓએ હું રૂબરૂ મળું તેમ કહીને ખુલાસો કરવાનું ટાળ્યું હતું.
કલેકટર દ્વારા અધિકારીઓની લોંગબુક સહિતની વિગતો ચકાસવાની પહેલ જરૂરી
આણંદ જિલ્લામાં સરકારી અધિકારીઓને તેમના હોદ્દા અને કાર્યભારણ મુજબ સરકારી વાહન ફાળવવામાં આવે છે. પરંતુ અનેક અધિકારીઓ સરકારે પ્રજાના કાર્યો માટે આપેલ આ સુવિધાનો દૂરપયોગ કરતા હોય છે. આથી કલેકટર દ્વારા દરેક અધિકારીના વાહનની લોંગબુક રોજેરોજ અપડેટ કરવામાં આવે અને તેની અચાનક ચકાસણીની પહેલ કરવી જરુરી હોવાનો જાગૃતજનો મત વ્યકત કરી રહ્યા છે. ઉપરાંત અગત્યની ન હોય તેવી તમામ બેઠકોનું આયોજન પણ શુક્ર કે શનિવારે સાંજે જ કરવામાં આવે તો સોમથી ગુરુવાર દરમ્યાન જિલ્લાના કોઇપણ અરજદાર પોતાની વાત, વ્યથાના નિરાકરણ માટે અધિકારીનો સંપર્ક સાધી શકે છે.
કોઇ મિટિંગ ન હોવાનું દર્શાવતું કચેરીનું બોર્ડ
આણંદ સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં મુકવામાં આવેલ મિટિંગ અંગેનું બોર્ડ જોતા તા.૨૮ નવેમ્બરે કોઇ મિટિંગ ન હોવાનું દર્શાવ્યું હતું. છતાંયે કચેરીનો સ્ટાફ સાહેબ મીટીંગમા ગયા કહીને અધિકારીને બેદરકારી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના જુઠ્ઠાણાથી દિવ્યાંગ અરજદારોને વેઠવી પડેલી તકલીફ બદલ ઉચ્ચાધિકારી કોઇ કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે પણ ચર્ચાતો સવાલ છે.
સાહેબ મિટિંગમાં ગયાનો સ્ટાફનો 'ઉડાઉ'જવાબ
સમાજ સુરક્ષા કચેરીમાં દિવ્યાંગ પાસ માટે આવેલ અરજદારોને બેસી રહેવાની ફરજ પડ્યાનું કારણ સાહેબ મિટિંગમાં ગયા છે, તેઓ આવશે અને સહી કરશે એટલે અરજદારનું કામ પતી જશે કચેરીના સ્ટાફે જવાબ આપ્યો હતો. પરંતુ સાહેબ કઇ મિટિંગમાં ક્યાં ગયા છે અને કેટલા વાગે પરત આવશે તેનો સાચો જવાબ કચેરીના એકપણ કર્મચારી આપી શક્યા ન હતા.
રાજય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના અમલીકરણની જવાબદારી સરકારી બાબુઓ પર રહેલી છે. જેથી સરકારને બાબુગીરી પર અવલંબિત રહેવું પડે છે. જો કે કેટલાક સરકારી અધિકારીઓ પ્રજાલક્ષી કામગીરીને સભાનપણે નિભાવે છે. પરંતુ અનેક અધિકારીઓ સમયસર ફરજના સ્થળે હાજર ન થવા સાથે હાજર થયા બાદ કલાકો સુધી 'સ્વૈરવિહાર' માટે નીકળી જતા હોય છે.
તેમાંયે સરકારી ગાડીનો પોતાના કામ માટે જ ઉપયોગ કરવાની પણ અનેક અધિકારીઓને ફાવટ આવી ગઇ છે. જેમાં ગાડી કેટલા વાગે કયા લઇ જવામાં આવી તે સહિતની બાબતો લોગબુકમાં ઉલ્લેખવામાં જ આવતી નથી. કલાકો સુધી કચેરી બહાર ગૂમ રહેતા અધિકારીઓના કારણે કચેરીમાં કામ માટે આવતા અરજદારોને કલાકો સુધી સાહેબની રાહ જોતા બેસી રહેવું પડે છે. વર્ષોજૂની આ પરંપરા હવે ઉધઇની જેમ વિસ્તરી રહી છે. આવી જ ઘટના આજે આણંદની સમાજ સુરક્ષા કચેરીમાં બનવા પામી હતી. જેમાં દિવ્યાંગ અરજદારો અને તેમની સાથે આવેલ પરિવારને ચાર-ચાર કલાક સુધી પરેશાનીભરી સ્થિતિમાં સાહેબની રાહ જોતા બેસી રહેવું પડયું હતું.
જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત દિવ્યાંગોને મળતા લાભો મેળવવા માટે આણંદમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ આવેલ દિવ્યાંગ લાભાર્થીઓને કડવો અનુભવ થવા પામ્યો હતો. ઓફિસમાં સવારે સાડા દસ વાગે દિવ્યાંગ પાસ મેળવવા માટે નાર ગામના અરજદારને કચેરીમાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા જયેશભાઇ દેસાઇ સાહેબ આવશે અને સહી કરશે એટલે તમારો પાસ મળશેનો જવાબ અપાતા અરજદાર ઓફિસની બહાર અધિકારીની પ્રતીક્ષા કરીને બેસી રહ્યા હતા. તદપરાંત નાર ગામના જ એક મહિલા અરજદાર પોતાના છ વર્ષના દિવ્યાંગ બાળકના પાસ માટે કચેરી આગળ સવારના ૧૦:૩૦થી બપોરના બે વાગ્યા સુધી પ્રતીક્ષા કરી હતી. અધિકારી કચેરીમાં બે વાગ્યા સુધી ડોકાયા ન હોવાની બાબતે સ્ટાફે અરજદારોને કોઇ સ્પષ્ટતા કરી નહતી.