Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ
૩૩ ટકાથી વધુ નુકસાની હોય તો જ સરકારી સહાય મળવાપાત્રના નિયમથી ૩ર ટકા સુધીની પાક નુકસાની વાળા અનેકો ખેડૂતો સહાયથી વંચિત
29/11/2023 00:11 AM Send-Mail
માવઠાંનો સર્વ ચાલી રહ્યો છે, અરજીઓના એનાલીસીસ બાદ સહાય ચૂકવણી : ખેતીવાડી અધિકારી - એપ્રિલમાં માવઠાંથી નુકસાની નહતી, રિપોર્ટ પણ કરાયો નહતો
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષ માવઠાંના કારણે સર્વ બાદ નિયમોનુસારની નુકસાની બદલ ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવી હતી. જો કે એપ્રિલમાં થયેલ માવઠાંની ખેતી પાકને નુકસાની ન હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યો નહતો. વધુમાં જણાવ્યુ ંહતું કે, રવિવારે થયેલ માવઠાંથી નુકસાન થયાની સંભાવના છે. આથી નુકસાનીના સર્વ માટે ટીમો દ્વારા રિપોર્ટ-સર્વની કામગીરી આરંભવામાં આવી છે. ત્યારબાદ પાક નુકસાની અંગે ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે. આ અરજીઓના એનાલીસીસ થવા સહિતની પ્રકિયા બાદ સરકાર દ્વારા નિયમોનુસાર સહાય ચૂકવણી હાથ ધરશે. જો કે સમગ્ર કામગીરીમાં બે માસ જેટલો સમય થઇ શકે છે.

સરકારી સહાય માટેનો નિયમ
સરકારી વળતર-સહાયના નિયમો પણ સામાન્ય ખેડૂતને સમજમાં ન આવે તેવા પ્રકારના હોવાની વારંવાર રજૂઆત થાય છે. સરકારી નિયમ મુજબ માવઠું થાય ત્યારે પ૦ મીમી (ર ઇંચ) વરસાદ નોંધાયો હોય તેમજ પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તો સરકારી સહાય મળી શકે છે. ઉપરાંત પાકની સીઝનના આધારે નુકસાનીનું વળતર નકકી થતું હોય છે. આ નિયમના કારણે સર્વમાં ૩ર ટકાથી ઓછી નુકસાનીનો સમાવેશ કરવામાં આવતો નથી. જેના કારણે અનેકો નાના ખેડૂતો પાક નુકસાનના આર્થિક ભારણ હેઠળ દબાવવા સહિત સહાયથી પણ વંચિત રહી જાય છે. આથી સરકાર દ્વારા વાસ્તવિક સર્વ હાથ ધરીને માવઠાંના કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલા નાના ખેડૂતોને સહાયરુપી ટેકો આપવામાં આવે તેવું જગતનો તાત ઇચ્છી રહ્યો છે.

આણંદ જિલ્લામાં ૩ મહિનામાં બીજીવાર માવઠું થતા ખેતીને વ્યાપક નુકસાન થયાનો વલોપાત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.. જો કે સરકારી ચોપડે નોંધાતો વરસાદ સહાયની વ્યાખ્યામાં ન આવતો હોવાથી જગતના તાતનો સહાય મામલે કોઇ હાથ પકડવા તૈયાર ન હોવાથી ચિંતાભરી સ્થિતિ જોવા મળી રહી છે.

ગત રવિવારે ખાબકેલા માવઠાંએ ખેડૂતોની મહેનતને પાણીમાં ભેળવી દીધી છે. સવાર અને સાંજ એમ બે ટાઇમ પવનના સૂસવાટા સાથે હળવા-ભારે વરસેલા કમોસમી ઝાપટાંના કારણે તમાકુ, ટામેટી સહિતના શાકભાજી, રાઇ, મકાઇ સહિતના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. જયારે અનેક ખેડૂતોના ખેતરમાં તૈયાર ડાંગરના ઢગલા પણ પાણીમાં પલળી ગયા છે. મોંઘા ભાવના બિયારણો, ખાતર લાવીને વાવેતર કરેલ પાકને કમોસમી વરસાદે વેરણછેરણ કરી દીધાનો વસવસો ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

૩ મહિનામાં બીજી વાર કુદરતે કહેર વર્તાવ્યો છે ત્યારે પાક નુકસાનીનો સત્વરે સર્વ કરીને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.