આણંદ-ખેડા જિલ્લામાં સાયબર ક્રાઈમના વધુ ૮ કિસ્સા ઉજાગર થતાં ફરિયાદ
સાયબર ક્રીમીનલોએ વિવિધ બહાના હેઠળ શિક્ષક, ડોક્ટર, ખેડૂત, કોલેજીયન યુવાનોને પોતાની જાળમાં ફસાવીને કરેલી ઓનલાઈન છેતરપીંડી
રાસના ડોક્ટર સાથે હોમ એપ્લાયન્સીસ વેચવાના બહાને રૂા.૫૫ હજારની છેતરપીંડી - ગુગલ પે મારફતે ગઠિયાએ નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને કરેલી ઠગાઈ
બોરસદ તાલુકાના રાસ ગામે રહેતા અને પીલોદરા ખાતે પ્રાઈવેટ દવાખાનુ ચલાવતા ડોક્ટરને ગઠિયાએ હોમ એપ્લાયન્સીસ સામાન વેચવાના બહાને વિશ્વાસમાં લઈને ગુગલ-પે મારફતે કુલ ૫૫ હજાર રૂપિયા ઓનલાઈન મેળવી લઈને સામાન નહીં આપી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતા આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ફરિયાદી સચીનકુમાર કિરિટભાઈ પરમાર ગત ૨૫મી નવેમ્બરના રોજ પોતાના ઘરે બપોરના સુમારે હાજર હતા ત્યારેતેમના મોબાઈલ ફોન નંબર ઉપર ૬૨૯૪૦-૮૪૮૬૦ ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ નવીનસિંહ તોમર તરીકે આપી હતી અને મારે ફ્રીજ, વોશીંગ મશીન, બેડ તથા એલઈડી ટીવી વેચવાનું છે અને ચારેયની કિંમત ૨૫ હજાર જણાવતા જ સચીનકુમારે ખરીદવાની તૈયારી બતાવી હતી. જેથી ગઠિયાએ મારો બીજો નંબર આપું છુ તેમા ગુગલ પેથી તમે મને ૨૫ હજાર રૂપિયા એડવાન્સ જમા કરાવી દો તેમ જણાવતાં જ સચીનકુમારે ઉક્ત નંબર ઉપર ૨૫ હજાર રૂપિયા ગુગલ પે મારફતે મોકલી આપ્યા હતા.ત્યારબાદ ડીપોઝીટ પેટે બીજા ૩૦ હજાર ગુગલ પે કરવા પડશે તેમ જણાવતાં બીજા ત્રીસ હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યારબાદ નવિનસિંહ તોમર નામના ગઠિયાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી ડોક્ટરને પોતાની સાથે ઠગાઈ થયાનું લાગતા જ તેમણે તુરંત જ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી દીધી હતી અને ત્યારબાદ ગઈકાલે રાત્રીના સુમારે વીરસદ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.
માતર: અલિન્દ્રાના યુવાને સસ્તા દરે લોન લેવા જતાં રૂા. ૪૪૪૨૫ ગૂમાવ્યા - ફેસબુક ઉપર આવેલા વીડિયો પર જાહેરાત જોઈને સંપર્ક કરતા ગઠિયાએ કરેલી છેતરપીંડી
માતર તાલુકાના અલિન્દ્રા ગામે ઓછા વ્યાજની લોનના ચક્કરમાં યુવાનને ગઠિયાએ રૂપિયા ૪૪,૪૨૫નો ચુનો લગાવતા આ અંગે માતર પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માતર તાલુકાના અલિન્દ્રા ગામે વ્યાસવાડો વિસ્તારમાં રહેતા મહમદયુસુફ ગુલામરસુલ મોમીન સુથારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૧૧ નવેમ્બરના રોજ તેઓ પોતાના ઘરે હતા ત્યારે પોતાના મોબાઈલ ફોનમાં ફેસબુક ઉપર વિડીયો જોતા હતા તે વખતે એક વિડીયો જેમાં ધની ફાઈનાન્સ લખીને આવેલો અને લોન જોઈતી હોય તો એપ્લાય કરો તેવો વિડીયો હતો. જે દર્શાવેલા નંબર પર મહમદયુસુફે ફોન કરતા સામેવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ ધની ફાઈનાન્સમાંથી બોલુ છું તેમ કહ્યું હતું.
બાદમાં આ મહમદયુસુફને લોન લેવાની હોય શું પ્રોસેસ છે તે પુછતા સામે વાળી વ્યક્તિએ કહ્યું કે તમારા વોટ્સઅપ ઉપર તમામ વિગતો આપી રહ્યો છું. જે બાદ એક પીડીએફ મોકલી હતી. જેમાં ૧૦ લાખની લોન મામલે ઓછા ટકે વ્યાજ હોય તેઓ લલચાયા હતાં અને પોતાના અંગત ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંકની પાસબુક સહિતના ડોક્યુમેન્ટ વોટ્સએપ દ્વારા આ અજાણી વ્યક્તિને સેર કર્યા હતાં. આ બાદ ગઠિયાએ એપ્રુવ લેટર મોકલી લોનના જુદા જુદા ચાર્જ પેટે મહમદયુસુફ પાસેથી કુલ રૂપિયા ૪૪,૪૨૫ પડાવી લીધા હતાં. આ બાદ પણ અન્ય રૂપિયાની માંગણી કરતા મહમદયુસુફને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ લોન મંજૂર કરો અથવા તો આ લીધેલા નાણાં પરત આપો તેમ જણાવ્યું હતું. જો કે આ બાદ પણ લોનના નાણાં કે આ આપેલા રૂપિયા પરત ના આવતા તેઓને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર મામલે જે તે સમયે સાયબર હેલ્પ ડેસ્ક ઉપર અને તે બાદ ગતરોજ માતર પોલીસમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે ફરીયાદ નોંધાવી હતી.
મહુધા: યુવાનને ફોન પે પર કપાયેલા ચાર્જ માટે ફરિયાદ કરવા જતાં રૂા.૭૮ હજારનો ચુનો લાગ્યો ગુગલ પર નંબર શોધીને ફોન કરતા ગઠિયાએ બે વખત નાણાં ટ્રાન્સફર કરાવીને કરેલી છેતરપીંડી
મહુધાના યુવાને ફોન પે પર કપાયેલા ચાર્જની ફરિયાદ માટે ગુગલ પર નંબર શોધવા જતા રૂપિયા ૭૮,૦૦૦ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે મહુધા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મહુધા શહેરના ચોખંડી ભાગોળ વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષિય સાદીકહુસેન અબ્દુલગની મલેક શહેરમાં ઝેરોક્ષ દુકાન ધરાવે છે. તેઓ અવારનવાર પોતાના મિત્ર જરૂર પડે ત્યારે નાણા માંગે છે અને નાણાનો વ્યવહાર ઓનલાઈન કરતા હોય છે. ગત ૧૪ નવેમ્બરના રોજ તેમના મિત્રએ ૪૦,૦૦૦ રૂપિયા ઓનલાઈન ફોન પે મારફતે સાદીકહુસેનને ટ્રાન્સફર કર્યા હતાં. જે પૈકી રૂપિયા ૩૯,૧૦૩ ખાતામાં જમા થતા હતા. તો રૂપિયા ૮૯૭ ફોન પે ના ચાર્જમાં કપાયેલા તેમના ધ્યાનમાં આવ્યું હતું.
જેથી સાદીકહુસેને આ બાબતે ગુગલ મારફતે ફોન પે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા તેમાં મળી આવેલા નંબર ઉપર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ ફોન પે કસ્ટમરકેર અધિકારી તરીકેની ઓળખ આપી હતી. જે બાદ આ વ્યક્તિએ કહ્યું કે અમારા કંપની તરફથી તમને તૈયારીમાં ફોન આવશે.
જેથી બીજા અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન પે કસ્ટમર કેર અધિકારી તરીકેની ઓળખ આપી રીવર્સ રૂપિયા નાખવા બાબતે વાત કરી હતી. આ વ્યક્તિએ ફોન પે એપ્લિકેશન ચાલુ કરાવી તેમાં યુપીઆઈ આઈડી ઓપન કરાવી તેમા સાદીકહુસેને પોતાનો નંબર લખાવ્યો હતો અને આ ઉપર રૂપિયા ૩૯,૧૦૩ ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે રીફન્ડ મળશે તેમ કહી વિશ્વાસમાં લઈ બીજી વખત રૂપિયા ૩૯,૧૦૩ નખાવ્યા હતાં. આમ કુલ રૂપિયા ૭૮,૨૦૬ નખાવી ઓનલાઈન છેતરપિંડી કરતા સાદીકહુસેન અબ્દુલગની મલેક જે તે સમયે સાયબર હેલ્પલાઈન નંબર ઉપર અને એ બાદ ગતરોજ મહુધા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત અજાણ્યા નંબર ધારક સામે અને ફોન પે ના આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.
કરમસદના શિક્ષક સાથે ક્રેડિટ કાર્ડના ચાર્જ બાબતે રૂા.૫૮૮૬૩ ની છેતરપીંડી - આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોલતા હોવાનું જણાવી ગઠિયાએ ચાર્જ લાગુ ના પડે તે માટે લીંક મોકલીને કરેલી ઠગાઈ
આણંદ નજીક આવેલા કરમસદ ખાતે રહેતા મદદનીશ શિક્ષકને ગઠિયાએ ચાર્જના બહાને ૫૮૮૬૩ રૂપિયાનો ચુનો લગાવતા આ અંગે વિદ્યાનગર પોલીસે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજયભાઈ કાનસિંહ ચૌહાણ ગત ૯મી નવેમ્બરના રોજ દિવાળી વેકેશન હોય પોતાના કરમસદ સ્થિત ઘરે હાજર હતો ત્યારે તેમના મોબાઈલ ફોન ઉપર ૯૩૩૯૩-૨૭૪૮૯ ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં દિપક શર્મા આઈસીઆઈસીઆઈ બેકમાંથી બોલુ છુ તેમ જણાવ્યું હતુ.અને તમારું ગયા મહિનાના ક્રેડિટ કાર્ડના સ્ટેટમન્ટમાં ૧૪૦૦ રૂપિયાનો ચાર્જ લાગ્યો છે. અને આગામી મહિનામાં આ ચાર્જ લાગુ ના પડે તે માટે તમને તમારા વોટ્સેપ ઉપર એક ફોરમની લીંક મોકલી આપું છુ, તેમ જણાવ્યું હતુ. જેથી સંજયભાઈએ આ ફ્રોડ તો નથીને તેમ પુછતાં દિપક શર્મા નામની વ્યક્તિએ સંજયભાઈનું આખુ નામ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે જણાવતાં તેમને વિશ્વાસ બેઠો હતો. દરમ્યાન વોટ્સેપ ઉપર ફાઈલ મોકલી આપતાં તેના પર ક્લીક કરતા જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ચાર ટ્રાન્જેક્શનો થઈને કુલ ૫૮૮૬૩.૯૮ વગર ઓટીપીએ ઉપડી ગયા હતા. ઉક્ત રકમ તેમના ક્રેડિટ કાર્ડમાંથી કપાઈને મોબીક્વીક, જીયો માર્ટ, ઓલા અને રીલાયન્સ રીટેઈલમાં ગઈ હતી.જેથી તેમણે તુરંત જ સ્ક્રીન શોટ લઈને આઈસીઆઈસીઆઈ બેન્ક કરમસદ ખાતે જઈને કસ્ટમર કેર નંબર મેળવીને ફરિયાદ કરી દીધી હતી. ત્યારબાદ સાઈબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરીને ગઈકાલે રાત્રીના સુમારે વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.
આણંદ અને ખેડા જિલ્લામાં વધુ સાયબર ક્રાઈમના ૮ ગુનાઓ ઉજાગર થતા ચકચાર મચી જવા પામી છે. સાયબર ક્રિમિનલો દ્વારા ડોક્ટર, શિક્ષક, ખેડૂત, વેપારી તેમજ કોલેજીયન યુવકોને વિવિધ બહાને નિશાન બનાવીને તેમની પાસેથી ઓનલાઈન રકમો ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે તે વખતે ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિઓએ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદો કર્યા બાદ ત્યાંથી જે તે સંબંધિત પોલીસ મથકોએ ફરિયાદો કરવાનું જણાવતાં ગઈકાલે આ ગુનાઓ દાખલ થયા હતા. જો કે નવાઈની વાત તો એ છે કે, તમામ કિસ્સામાં શિક્ષત વ્યક્તિઓ જ ભોગ બન્યા છે. ગઠિયાઓ અલગ-અલગ મોબાઈલ તેમજ વોટ્સેપ નંબર ઉપરથી ફોન કરીને વિશ્વાસમાં લઈને છેતરપીંડીને અંજામ આપી રહ્યા છે. આણંદ અને ખેડા જિલ્લામાં ઉક્ત આઠ કિસ્સામાં જ છ થી સાત લાખ રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાનું ઉજાગર થવા પામ્યું છે.
કાસોરના શિક્ષક સાથે ક્રેડિટ કાર્ડના ચાર્જના બહાને ૧.૯૪ લાખની છેતરપીંડી - ગઠિયાએ ચાર્જથી બચવા માટે પ્રોસેસ કરવી પડશે તેમ જણાવીને એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને કરેલી ઠગાઈ
ઉમરેઠ તાલુકાના કાસોર ગામે રહેતા એક શિક્ષકને ક્રેડિટ કાર્ડના ચાર્જ બાબતે ગઠિયાએ ફોન કરીને હિન્દીભાષામાં વાતચીત કરીને એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને કુલ ૧.૯૪ લાખની છેતરપીંડી કરતા આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મુળ કાસોરના પરંતુ હાલમાં સામરખા ગામે રહેતા ફરિયાદી દિિક્ષતકુમાર મનુભાઈ પટેલ વીરસદ ગામની પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. એકાદ મહિના પહેલા તેમણે આઈસીઆઈસીઆઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ સિધ્ધાર્થ નામના એજન્ટ મારફતે ઓનલાઈન અરજી કરીને મેળવ્યું હતુ. જે એક્ટીવ કરીને તેના દ્વારા પેટ્રોલ પુરાવવા તેમજ ખરીદી પણ કરવામાં આવી હતી. ગત ૧૫મી તારીખના રોજ દિવાળીના તહેવારોને લઈને વતન કાસોર ગામે હતા ત્યારે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર પરથી ત્રણ વખત ફોન આવ્યો હતો. પરંતુ તેમણે રીસીવ કર્યો નહોતો. પરંતુ ચોથી વખત આવતા તેમણે ફોન રીસીવ કરતા જ સામેથી હિન્દીભાષામાં અમદાવાદ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોલુ છુ તેમ જણાવીને તમે જે બેંકનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તે ક્રેડિટ કાર્ડમાં હવે ૮૯૫ રૂપિયાનો ઈન્ટરનેશનલ ચાર્જ લાગશે તેમ જણાવ્યું હતુ, જેથી દિિક્ષતકુમારે મારું ક્રેડિટ કાર્ડ લાઈફ ટાઈમ ફ્રી છે તેમ કહેતા જ અજાણી વ્યક્તિએ હવે ચાર્જ લાગશે તેમ ભારપુર્વક જણાવ્યું હતુ, જો તમારે ચાર્જમાંથી બચવું હોય તો, પ્રોસેસ કરવી પડશે તેમ જણાવ્યું હતુ.
જેથી દિિક્ષતકુમારે જેમની પાસેથી ક્રેડિટ કાર્ડ લીધું છે તેમની સાથે વાત કરી લઈશ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.જેથી પેલી વ્યક્તિએ ફરી ફોન કરીને હું કંપનીમાંથી જ બોલુ છુ, તમે ચિંતા કરતા નહીં તેમ જણાવીને ગુગલ પ્લે સ્ટોરમાંથી આઈ મોબાઈલ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. જેમાં ચાલુ ફોને પ્રોસેસ કરવાના બહાને ગઠિયાએ મોરના ઓપ્શન ઉપર ક્લીક કરાવીને કુલ ૧.૯૪ લાખ ઓનલાઈન મેળવી લીધા હતા. જે અંગે સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફોન કર્યા બાદ ગઈકાલે રાત્રીના સુમારે ભાલેજ પોલીસ મથકે જઈને પોતાની ફરિયાદ આપી હતી.
આંકલાવના યુવાન સાથે ટાઈપીંગની નોકરી બાબતે મહિલા દ્વારા રૂા.૯૨૯૯૬ની છેતરપીંડી - ક્વોલીટી ચેકીંગ, એકાઉન્ટ અપડેટ કરવા, એનઓસી ચાર્જીસ પેટે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને કરેલી ઠગાઈ
આંકલાવ શહેરની ઈન્દ્રવિલા સોસાયટીમાં રહેતા અને કોલેજીયન યુવાન સાથે મહિલાએ ટાઈપીંગની નોકરી આપવાની વાત કરીને વિશ્વાસ કેળવી ગુગલ પે મારફતે કુલ ૯૨૯૯૬ રૂપિયા ઓનલાઈન મેળવી લઈને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મયુરભાઈ કનુભાઈ રાઠોડે ગત ૫મી નવેમ્બરના રોજ બપોરના સુમારે પોતાના મોબાઈલમાં એક્સર્ટનલ ઈન્કમ આઉટ સોસીંગ કંપનીમાથી ટાઈપીંગની જોબ માટેનો મેસેજ વાંચ્યો હતો. જેમાં રસ ધરાવો છે કે કેમ તેમ પુછતાં તેણે મેસેજમાં હા લખીને મોકલ્યો હતો. થોડીવારમાં કંપનીની એજન્ટ રજન નામની મહિલાએ વોટ્સેપ પર ૧૦૦ પેજની પીડીએફ ફાઈલ મોકલી હતી. તેમાં ૭૦ પેજ લખવાના હતા જે સાત દિવસમાં પુરા કરવાનું જણાવ્યું હતુ. જે મયુરભાઈએ ત્રણ જ દિવસમાં પુરા કરી દીધા હતા વોટ્સેપ નંબર ઉપર મોકલી દીધા હતા. ત્યારબાદ અજાણી મહિલાએ ક્વોલીટી ચેકીંગના ૬૯૯૯ રૂપિયા આપવા પડશે તેમ જણાવતાં જ ગત ૭મી તારીખના રોજ ગુગલ પે મારફતે ઉક્ત રકમ મોકલી આપી હતી.ત્યારબાદ બીજો મેસેજ આવ્યો હતો જેમાં એકાઉન્ટ એપડેટ કરવું પડશે તેમ જણાવીને ૧૯૯૯૯, એનઓસી ચાર્જના ૪૫૯૯૯ ની માંગણી કરીને ઓનલાઈન મેળવી લીધા હતા. ઉક્ત રકમ ૨૫ દિવસની અંદર પરત કરવાનો વાયદો પણ કર્યો હતો. ત્યારબાદ વોટ્સેપ ઉપર કંપનીનો લેટર વોટ્સેપમાં આવ્યો હતો. જેમાં લખ્યું હતુ કે, તમને રીટર્નમાં ૧,૧૦,૧૪૪ રૂપિયા આગામી ત્રીસ મિનિટની અંદર મળી જશે. થોડીવાર બાદ રૂપિયા રીટર્ન થતા નથી તેવો મેસેજ આવ્યો હતો, બીજો એકાઉન્ટ નંબર આપો તેમ કહેતા જ મયુરભાઈએ પોતાની માતાનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેથી માતાનું એકાઉન્ટ અપડેટ કરાવવું પડશે તેમ જણાવીને ૧૯૯૯૯ રૂપિયાની માંગણી કરતા માતાના એકાઉન્ટમાંથી ઉક્ત રકમ ગુગલ પે મારફતે મોકલી આપી હતી. ત્યારબાદ એનઓસી માટે ૪૫૯૯૯ રૂપિયાની માંગણી કરતો મેસેજ આવતા જ મયુરભાઈને પોતાની સાથે છેતરપીંડી થઈ રહ્યાનું લાગ્યું હતુ. જેથી તેમણે સાયબર ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી દીધી હતી. ત્યારબાદ ગઈકાલે રાત્રીના સુમારે આંકલાવ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને વોટ્સેપ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.