કંથારીયામાં ત્રાટકેલા તસ્કરો બંધ મકાનનું તાળુ તોડીને ૧.૬૭ લાખની મત્તા ચોરી ફરાર
એકલા રહેતા વૃદ્ઘ વિધવા મહિલા મકાનને તાળુ મારીને પિયર દહેમી ગયા અને તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીને તેમજ રોકડ ચોરી ગયા
આંકલાવ તાલુકાના કંથારીયા ગામે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને તાળુ તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ ૧.૬૭ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આંકલાવ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઉલ્લાસબેન સુહાસભાઈ પટેલ (ઉ. વ. ૬૩)ના પતિ બે મહિના પહેલા જ અવસાન પામ્યા છે. જ્યારે પુત્ર વિશાલ કેનેડા ખાતે રહે છે જેથી તેઓ એકલા જ કંથારીયા સીમ વિસ્તારમાં આવેલા પોલ્ટ્રીફાર્મની સામેના મકાનમાં રહે છે. ગત ૨૪મી તારીખના રોજ તેઓ પોતાના મકાનને તાળુ મારીને પિયર દહેમી ગામે ગયા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનનું તાળુ તોડીને અંદર પ્રવેશ્યા હતા.
ત્યારબાદ નાની તિજોરીનું ડ્રોવર તોડી નાંખીને અંદર મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા ૮૫ હજાર મળીને કુલ ૧.૬૭ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આજે સવારે પડોશીએ ઉલ્લાસબેનને ફોન કરીને તેમના ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી. જેથી તેઓ તુરંત જ કંથારીયા સ્થિત ઘરે આવી પહોચ્યા હતા અને તપાસ કરતા તાળુ નીચે તુટેલી હાલતમાં પડેલું હતુ અને તિજોરીનો બધો સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને તિજોરીમાં મુકેલી ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. ઘટનાની જાણ આંકલાવ પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી પહોચી હતી અને ઉલ્લાસબેનની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.