બદલપુરની પોણા વીઘાં જમીન પર કબ્જો જમાવી દેતાં ચાર વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ભાગે ખેડવા જમીન લીધા બાદ છાપરું બનાવીને ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો
બોરસદ તાલુકાના બદલપુર ગામની સીમમાં આવેલી પોણા વીઘા જેટલી જમીન ઉપર ચાર શખ્સોએ ગેરકાયદેસર કબ્જો જમાવી દેતાં આ અંગે જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર વીરસદ પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરીને ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ખુમાનસિંહ સામંતસિંહ સોલંકીની બદલપુર ગામે વડિલોપાર્જીત ૨૦.૨૩ ગુંઠા જમીન આવેલી છે. ઉક્ત જમીન ભાઈઓની મૌખિક સમજુતીથી ગામના તેજ ખેતર પાડોશી સવિતાબેન ધુળાભાઈ સોલંકી, વિક્રમભાઈ ધુળાભાઈ સોલંકી, રંજનબેન વિક્રમભાઈ સોલંકી અને ગોપાલભાઈ ધુળાભાઈ સોલંકીને સને ૨૦૨૦થી ભાગે ખેડવા માટે આપી હતી. સને ૨૦૨૨માં નવી સીઝનથી ઉક્ત જમીન ભાઈઓએ જાતે જ ખેડવાનું નક્કી કરતા તેઓ જમીનમાં ગયા હતા જ્યાં ઉક્ત ચારેય શખ્સોએ ભેગા થઈને તેમને જમીનમાં પેસવા દેતા નહોતા.અને જમીન પચાવી પાડીને તેમાં કાચુ છાપરું પણ બનાવી દીધું હતુ.
જેથી ખુમાનસિંહે આણંદની કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ કરતાં કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટિએ તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોય, વીરસદ પોલીસને ગુનો દાખલ કરવાનો આદેશ કરતા પોલીસે ખુમાનસિંહની ફરિયાદને આધારે ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.