સોજીત્રા : બંને બાજુ રસ્તો ૧ર-૧૨ મીટર ખુલ્લો કરવા દબાણકર્તાઓને તાકિદ કર્યા બાદ તંત્ર ફરકયું જ નહિં
સોજીત્રા ચોકડી વિસ્તાર અને બીજા દિવસે નવા ઘરાં, શાક માર્કેટ રોડ પર માપણી કરીને તાકિદે દબાણ ખસેડવા સૂચના આપી, રાત્રે ૧૦ વાગ્યે તંત્રએ નિર્ણય બદલ્યો
અધિકારીઓનું એક જ રટણ 'નો કોમેન્ટસ'
પાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર સહિત દબાણ હટાવ કામગીરીમાં જોડાયેલા પદાધિકારીઓનો આજે ટેલિફોનિક સંપર્ક કરવામાં કયારેક નેટવર્ક પ્રોબ્લેમ તો કયારેક રીંગ વાગવા છતાંયે ફોન રીસીવ થતો નહતો. જો કે ચીફ ઓફિસર અને વહીવટદારનો સંપર્ક થતા તેઓએ આજે દબાણ હટાવ અભિયાન બંધ રાખવાના કારણ અંગે માત્ર હાલ પૂરતી નો કોમેન્ટસનો એક વાકયનો જવાબ આપ્યો હતો. બીજી તરફ સોજીત્રાના ચોકડી સહિતના વિસ્તારને દબાણમુકત કરવાની રજૂઆતો કરનાર ધારાસભ્યનો પણ હાલ ટેલિફોનિક સંપર્ક થઇ શકયો નહતો. જેથી વડાપ્રધાનના ગુજરાતના કાર્યક્રમ અને આવતીકાલે રાજયપાલ આણંદમાં હોવાથી અધિકારીઓ તે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી બે દિવસ દબાણ હટાવ કાર્યક્રમ મુલત્વી રાખ્યો હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.
સોજીત્રામાં ચોકડી વિસ્તારમાં આઠ કોમ્પલેક્ષોની પ૦ ઉપરાંત દુકાનો સહિત ૭૦થી વધુ પાકા અને બીજા દિવસે ૩૦ જેટલા કાચા-પાકા દબાણો હટાવ્યા બાદ ચોકડીથી નવા ઘરાં સહિતના માર્ગની તંત્ર દ્વારા રોડ માપણી કરવામાં આવી હતી. જેમાં દબાણકર્તાઓને તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી હતી કે બંને તરફે રોડ ૧ર-૧ર મીટર આજે રાત સુધીમાં ખુલ્લો કરી દેવો. નહીં તો બીજા દિવસે સવારે તંત્ર દ્વારા દબાણો હટાવવામાં આવશે.
તંત્રની તાકિદના પગલે ૧ર મીટર રોડમાં કરાયેલા દબાણોને હટાવવા સહિત દબાણકર્તાઓએ માલસામાન પણ ભરવા માંડયો હતો. શાક માર્કેટ વિસ્તારમાં પણ રોડ પર દબાણ ખડકતી લારીઓ પણ અન્ય સ્થળે હટાવવામાં આવી રહી હતી. દરમ્યાન રાત્રે દસેક વાગ્યાના સુમારે પાલિકાના સ્ટાફ દ્વારા દુકાનદારોને માલસામાન ન ખસેડવા અનોૈપચારિક જાણ કરવામાં આવી હતી.
આજે સવારથી જ તંત્ર દ્વારા ૧ર મીટર રસ્તો ખુલ્લો નહીં હોય તેવા દબાણોને હટાવવામાં આવશેની કામગીરી નિહાળવા ઉમટેલા લોકોએ રોડ પર દબાણ કરતી લારીઓ, માલસામાન જોતા આશ્ચર્ય અનુભવ્યું હતું. બીજી તરફ તંત્રના કોઇ જવાબદાર પદાધિકારી કે અધિકારી સ્થળ પર ફરકયા નહોવા સહિત તેમનો સંપર્ક પણ થઇ શકતો નહતો. આથી મોટા ઉપાડે હાથ ધરેલ દબાણ હટાવ અભિયાન અને લોકોને અવરજવર માટે નિયમોનુસારનો ખુલ્લો રસ્તો આપવાની તંત્રની કામગીરી એકાએક ટાંય ટાંય ફીસ્સ થયાનું જોવા મળતા જાગૃતજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
બીજી તરફ બે દિવસ દબાણ હટાવો અભિયાનમાં દબાણો સહિત ગેરકાયદે બાંધકામો દૂર કરાયા હતા. જો કે તંત્રની નોટિસનો અમલ ન કરનારને હાલાકી ભોગવવી પડી હતી પણ ગતરોજ રોડ માપણી કર્યા બાદ આજે દબાણ હટાવો ટીમ ન આવતા આ લોકોમાં તંત્ર વ્હાલા દવલાં કરી રહ્યાનો રોષ પ્રવર્ત્યો હતો.