વહેરાખાડી : મહીસાગરમાં પુન: મુસાફરોને 'જોખમી' બોટિંગ સવારી
વડોદરાની ઘટના બાદ લાઇફ જેકેટ સહિત સલામતી અંગે તંત્રએ બોટચાલકોને તાકિદ કરી હતી પણ...
વડોદરાના હરણી તળાવમાં વધુ મુસાફરોને બેસાડયા હોવાથી બોટ પલટી જતા વિદ્યાર્થીઓના મોતની ઘટના બાદ રાજય સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આણંદ તાલુકાના વહેરાખાડી નજીક મહીસાગર નદીમાં મુસાફરો, દર્શનાર્થીઓને બોટ દ્વારા એક કિનારેથી બીજા કિનારે લઇ જતા બોટચાલકોને લાઇફ જેકેટ, સલામતીના સાધનો અને મુસાફરોને નિયમોનુસાર બેસાડવા તાકિદ કરી હતી.
જો કે તાકિદની અસર બે-ત્રણ દિવસ રહ્યા બાદ પુન: સ્થિતિ પહેલા જેવી જોવા મળી રહી છે. મહીસાગરમાં બોટમાં સવારી કરતા મુસાફરોને લાઇફ જેકેટ પહેરાવવામાં ન આવતા હોવા સાથે સલામતીના સાધનો પણ બોટમાં રાખવામાં ન આવી રહ્યાનું જાણવા મળે છે. ઉપરાંત બોટમાં નિયમોનુસારના બદલે વધુ મુસાફરો બેસાડવાની જોખમી બાબત પણ જોવા મળી રહી છે. બીજી તરફ મુસાફરો પણ જાગૃતતા દાખવતા ન હોવાનું પણ જોવા મળે છે. જેથી આ મામલે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલા હાથ ધરીને મુસાફરો સહિત બોટચાલકોની સલામતી માટે નકકર આયોજન હાથ ધરે તેવું જાગૃતજનોનું માનવું છે.