નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પાસે લક્ઝરી બસ પલ્ટી જતાં બેનાં મોત : ૨૫ ઘાયલ
બે મુસાફરો લક્ઝરી નીચે દબાઈ જતાં મોતને ભેટ્યા : અમદાવાદથી લક્ઝરી બસ મુસાફરો ભરીને પુના જતી હતી ત્યારે નડિયાદ નજીક આવેલા ડાકોરના એક્ઝિટ પોઈન્ટ પાસે સર્જાયેલો અકસ્માત
મૃતકોના નામ
દિનેશભાઇ ભાવનીશંકર શાહ (રહે.બારેજા)
દેવ દેવેન્દ્રભાઇ શાહ (રહે. બાપુનગર , અમદાવાદ)
નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પાસે આજે શુક્રવારની સમી સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી.
જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બુમરાણ મચી જવા પામી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે ૨૦ થી ૨૫ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. શુક્રવારની સમી સાંજે આ હાઈવેના નડિયાદ પાસેના એકઝીટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની અમદાવાદથી પુના તરફ જતી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી.
જેને લઈને અંદર સવાર મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી. જેમાં બસના કાટમાળ નીચે બે લોકો દબાઈ જતાં મોતને ભેટયા હતા. જ્યારે અન્ય મુસાફરોને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી.
ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં ૧૦૮ની એમ્બ્યુલન્સ વાનો સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને નડીઆદની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.
જ્યારે સામાન્ય રીતે ઘવાયેલા મુસાફરોનો સ્થળ પર જ ઈલાજ કરવામાં આવ્યો હતો.
પોલીસ વર્તુળોમાથી મળતી માહિતી મુજબ હાલ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
અક્સ્માતની જાણના પગલે ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
દોડી તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. આ
સાથે એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે.
બસમાં સવાર પેસેન્જરને બહાર કાઢવા માટે એક્ષપ્રેસ હાઇવેની ટીમ કામે લાગી હતી હજુ આ બાબતે કોઈ ફરિયાદ થઈ નથી.