આંકલાવ : કોસીન્દ્રાની સ્કૂલના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ
ગ્રામજનોએ શિક્ષકને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો : શિક્ષક કિરણભાઈ વાળંદ દ્વારા વિદ્યાર્થિનીને હોમવર્ક બતાવવા તેમજ અન્ય બહાને પોતાની પાસે બોલાવીને છેડતી કરતો હતો
ભોગ બનેલી અન્ય કિશોરીએ દસ દિવસથી સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતુ
કોસીન્દ્રાની સ્કૂલના લંપટ શિક્ષક કિરણકુમાર વાળંદ દ્વારા બે વિદ્યાર્થિનીઓ સાથે યેનકેન પ્રકારે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જેને લઈને ધોરણ છમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તો છેલ્લા દસ દિવસથી સ્કૂલમાં જ જવાનું બંધ કરી દીધું હતુ. ભોગ બનનાર બીજી કિશોરીએ હિંમત એકઠી કરીને પોતાના માતા-પિતાને જણાવતાં જ સમગ્ર ઘટના બહાર આવી હતી.
આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામની એક સ્કુલમાં ફરજ બજાવતા શિક્ષકે એક ૧૧ વર્ષની કિશોરી સાથે શારીરીક અડપલા કરતા ગ્રામજનોએ આજે ેતને મેથીપાક ચખાડીને આંકલાવ પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
શિક્ષણ જગતને લજવતો આ કિસ્સાની મળતી વિગતો અનુસાર કોસીન્દ્રાની સરકારી પ્રાથમિક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો કિરણભાઈ બુધાભાઈ વાળંદ છેલ્લા પંદર દિવસથી ધોરણ છમાં અભ્યાસ કરતી એક ૧૧ વર્ષીય કિશોરીને હોમવર્ક બતાવવા તેમજ અન્ય કોઈને કોઈ બહાને પોતાની પાસે બોલાવતો હતો અને તેણીના શરીર સાથે શારીરીક અડપલાં કરતો હતો. ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીએ આ વાતની કોઈને જાણ કરી નહોતી.
પરંતુ ગઈકાલે કિરણકુમારે વિદ્યાર્થીનીનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી હતી જેથી તેણી ગભરાઈ ગઈ હતી. ઘરે ગયા બાદ તેણીએ આ વાતની જાણ માતા-પિતા અને દાદીને જણાવતાં જ તેઓ રોષે ભરાયા હતા અને ગ્રામજનો સાથે સ્કુલમાં આવી પહોંચ્યા હતા અને શિક્ષક કિરણકુમારને પકડીને માર માર્યો હતો અને આંકલાવ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. જેથી શિક્ષકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
બીજી તરફ સ્કુલના આચાર્ય અને હાલમાં સ્કુલ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ જાદવે જણાવ્યું હતુ કે, સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ અને જવાબદાર વિરૂદ્ઘ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.