નડિયાદ : ક્લિનીકના મેડિકલ સ્ટોરનોે વહિવટ કરતી યુવતીએ ૧૦ લાખની ચોરી કરતા ફરિયાદ
હમિદાખાતુન ઉર્ફે રેશ્માએ વર્ષ દરમ્યાન દવાઓ રીટર્ન આવી હોવાની ખોટી એન્ટ્રીઓ કરીને કટકી કરી રૂપિયા પોતાના ભાઈ નવરોઝને બોલાવીને આપી દેતી હતી
નડિયાદમાં આવેલ ડો.સોહાના સ્કિન એન્ડ લેઝર ક્લીનીકના મેડીકલ સ્ટોરમાં કામ કરતા મહિલા કર્મચારીએ ગ્રાહકોને દવા આપ્યા બાદ સોફ્ટવેરમાં ગ્રાહકની દવા રિટર્ન આવી હોવાની ખોટી એન્ટ્રી કરી અંદાજીત ૧૦ લાખ રૃપિયાની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે બે વિરૃધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ શહેરના ભોજાતલાવડી રોડ પર ૬૫ વર્ષિય રૃકૈયાબેન સિરાજભાઈ વ્હોરા રહે છે. તેમની દિકરી ડો.સોહાનનુ મહાગુજરાત હોસ્પિટલ પાસે ડો.સુહાના સ્કિન એન્ડ લેઝર ક્લીનીક આવેલ છે. જેમાં આવેલ મેડિકલ સ્ટોરમાં આસિસ્ટન્ટ તરીકે વર્ષોથી હમીદાખાતુન ઉર્ફે રેશ્મા નાસીરખાન પઠાણ (રહે.કુંભારવાડો, અમદાવાદી બજાર, નડિયાદ) ફરજ બજાવે છે. હમીદાખાતુન ઉર્ફે રેશમા જુના કર્મચારી હોય એટલે રૃકૈયાબેન વ્હોરા અને તેમની દીકરી સોહાનને સંપૂર્ણ વિશ્વાસ હતો. જેથી રૃકૈયાબેન વ્હોરાએ મેડિકલ સ્ટોરનો વહીવટ હમીદાખાતુન ઉર્ફે રેશ્માને આપ્યો હતો.
ગત ૧૨ ફેબ્્રુઆરી ૨૦૨૪ના રોજ આ મેડિકલ સ્ટોરના ફાર્માસિસ્ટ તરીકે કામ કરતી યુવતીએ ડો.સોહાનાને જણાવેલ કે, હમીદાખાતુન ઉર્ફે રેશમાનાઓ ગ્રાહકોને દવા આપ્યા બાદ સોફ્ટવેરમાં ગ્રાહકની દવા રિટર્ન આવી ગયેલ હોય તેવી ખોટી એન્ટ્રી કરી ઓરીજનલ બિલ કરતાં ઓછી કિંમતનું બિલ બનાવી રૃપિયાની ચોરી કરે છે.જેથી ડો સુહાનાએ એજન્સીમાંથી મંગાવેલ દવાના બિલના વાઉચર ચેક કરતા ગોલમાલ જણાઈ આવી હતી
તેમજ સોફ્ટવેરમા ચેક કરવામાં આવતા છેલ્લા એક વર્ષમાં હમીદાખાતુન ઉર્ફે રેશમાએ ગ્રાહકોને દવા આપ્યા બાદ સોફ્ટવેરમાં ગ્રાહકની દવા રિટર્ન આવી ગયેલ હોય તેવી ખોટી એન્ટ્રી કરી ઓરીજનલ બિલ કરતાં ઓછી કિંમતનું બિલ રેકોર્ડમાં મુકેલ હોવાની વિગતો બહાર આવી હતી. તેમજ એજન્સીમાંથી મંગાવેલ દવાના બિલના વાઉચર જોતા એજન્સીમાંથી મંગાવવામાં આવેલ તમામ દવાનો સ્ટોક ઓછો સ્ટોકની એન્ટ્રી બતાવતી અને તે સ્ટોક ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બાબતે હિસાબ કરવામાં આવતા હમીદાખાતુન ઉર્ફે રેશમાએ પોતાની નોકરીના છેલ્લા એક વર્ષમાં દવાઓના ખરીદ વેચાણની ખોટી એન્ટ્રી કરી આશરે રૃપિયા દસ લાખની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ડો. સુહાનાએ રિસેપ્શનીસ્ટ અને નર્સની પુછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે,હમીદાખાતુન ઉર્ફે રેશમાએ થોડા થોડા દિવસોના અંતરે તેના ભાઈ નવરોઝ નાસીરખાન પઠાણ સાથે ક્લિનીકના નીચેના ભાગે મળતા હતા અને વારાફરતી મેડિકલ સ્ટોરમાંથી નાણાં કાઢી પોતાના ભાઈને આપતી હોવાનો ખુલાસો થયો હતો. જેથી સમગ્ર કાંડ પાછળ આ ભાઈ-બહેનનો હાથ હોય આ બાદ હમીદાખાતુન ઉર્ફે રેશમાને પુછવામાં આવતાં તેણીએ આ ચોરી કબુલી હતી. પરંતુ તેણે કેટલા નાણાં ચોરી કર્યા તે તેણીને ખબર નહોતી. આ રૃપિયા તે પરત આપી દેશે એવું જણાવ્યું હતું અને ગેરેન્ટી પેટે બે દિવસમા હમીદાખાતુન ઉર્ફે રેશમા ચેક પણ આપી દેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. આથી તબીબે જે તે સમયે કેસ કર્યો નહોતો. પરંતુ હમીદાખાતુન ઉર્ફે રેશમા ન દેખાતા અને ફોન પણ બંધ કરી દેતા તબીબે તેણીના ઘરે તપાસ કરી તો તેણીની ત્યાં પણ હાજર ન હોય આ સમગ્ર મામલે રૃકૈયાબેન સિરાજભાઈ વ્હોરાએ ઉપરોક્ત ચોરી આચરનાર હમીદાખાતુન ઉર્ફે રેશમા નાસીરખાન પઠાણ અને મદદગારી કરનાર તેના ભાઈ નવરોઝ નાસીરખાન પઠાણ સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.