કઠલાલમાં મહિલાએ મોબાઈલ પર રીલ્સ જોતાં ગમી ગયેલ કુર્તિ ખરીદવા જતાં રૂા.૩૨૦૦ ગુમાવ્યા
ગઠિયાએ જુદા-જુદા બહાને સ્કેનર મોકલીને કરેલી ઓનલાઈન છેતરપિંડી
કઠલાલની મહિલાએ મોબાઈલ પર રીલ્સ જોતાં સમયે એક કૂર્તિ પસંદ પડતા તેણે આ કુર્તિ ખરીદવા માટે પોતાના પતિને જાણ કરતા મહિલાના વેપારી પતિએ પત્નીને પસંદ પડેલ કુર્તી ખરીદમાં ઓનલાઈન રૂા. ૧૨૦૦ મોકલ્યા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે બીજા ૩૨૦૦ સામેવાળા ગઠિયાએ પડાવી લીધા બાદ પણ કુર્તીના મોકલી ઠગાઈ કરતા આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી અનુસાર કઠલાલ શહેરમાં બસ સ્ટેશન પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતા પુલકીતભાઈ રમેશભાઈ જોષી શહેરના મેઈન બજારમાં ગીફ્ટ આર્ટિકલ્સની દુકાન ધરાવે છે. તેમની પત્ની વાણીબેન ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર રીલ્સ જોતા હતા તે સમયે એક કુર્તિની રીલ્સ જોઈ હતી. જેમાં એક કુર્તિ ગમી જતાં તેણીએ તેના ફોટોગ્રાફ્સ પોતાના પતિ પુલકીતભાઈને મોકલ્યા હતા. પુલકિતભાઈએ તેમાં માંગેલી વિગતો ભરી પોતાની પત્નીને મોકલી આપી હતી. જે બાદ એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ આવેલ અને જણાવ્યું હતું કે હું કુર્તિનો મેનેજર બોલું છું. તમારી કુર્તિનો ઓર્ડર કન્ફર્મ થયેલ છે. જે કુર્તિના રૂા. ૧૨૦૦ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવા પડશે હું તમને એક સ્કેનર મોકલું છું તેમાં નાણાં જમા કરાવી દેજો તેમ કહી ઉપરોક્ત વોટ્સએપ પર સ્કેનર મોકલેલ હતું.
જે સ્કેનર તેણીએ પોતાના પતિ પુલકિતભાઈને મોકલી આપતા પુલકિતભાઈએ ૧૨૦૦ રૂા. પેમેન્ટ કરી દીધા હતા. થોડી વાર પછી ફરીથી વાણીબેન પર મેસેજ આવ્યો હતો કે તમારો ઓર્ડર કન્ફર્મ થયેલ છે પરંતુ ઓર્ડરનું પેમેન્ટ પેન્ડિંગ થયેલ છે. જેથી તમે રૂા. ૨૦૦૦ નાખો તો ૧૦ મિનિટમાં તમને રીફંડ મળશે અને તમારો કૂર્તિનો ઓર્ડરનો ટ્રેકિંગ આઈડી બારકોડ તમને મોકલી આપીશ. જેથી વાણીબેને પોતાના પતિ પુલકિતભાઈ મારફતે આ માંગેલી રકમ આપી હતી.
આ બાદ પણ પોસ્ટ ઓફિસ ચાર્જ સહિતના ચાર્જ પેટે રૂા. ૩૩૨૫ નાંખશો તો તમારી કૂર્તિ મોકલી આપીશ તેમ કહેતાં પુલકિતભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ગતરોજ આ સંદર્ભ કઠલાલ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.