ધરતી પર કેટલું સોનુ છે અને કયા દેશ પાસે છે સૌથી વધુ સુવર્ણ ભંડાર ?
સૌથી વધુ સોનું અમેરિકા પાસે ૮૧૩૩.૪૬ ટન,ભારત પાસે ૮૦૩.પ૮ ટન સોનુ રીઝર્વ છે
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સમગ્ર ધરતી પર કુલ કેટલું સોનું હશે તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે. સોનાને વર્ષોથી રોકાણ માટેનું ઉત્તમ માધ્યમ ગણવામાં આવ્યું છે. દુનિયાના જુદા જુદા દેશો કાયમ માટે સોનુ રીઝર્વમાં રાખે છે જેના દ્વારા તેઓ અન્ય દેશો સાથે વેપાર પણ કરે છે. જો કે દુનિયાના વિવિધ દેશોમાં સોનું મેળવવા માટે ખોદકામ થતું રહે છે.
ફોર્બ્સ ઇન્ડિયાના માર્ચ,ર૦ર૪ના રિપોર્ટ અનુસાર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વર્ષ ર૦ર૩ના ચોથા કર્વાટરમાં હિસાબ દર્શાવ્યો હતો કે, અમેરિકા પાસે સૌથી વધુ સોનું છે. જે અંદાજે ૮૧૩૩.૪૬ ટન છે. ત્યારબાદ ૩૩પર.૬પ ટન સોનાના ભંડાર સાથે જર્મની બીજા નંબરે છે. જયારે ત્રીજા નંબરે ઇટલી પાસે ર૪પ૧.૮૪ ટન સોનું છે. જયારે ભારત પાસે ૮૦૩.પ૮ ટન સોનુ રીઝર્વ છે.
બીબીસીના વર્ષ ર૦ર૦ના રિપોર્ટ અનુસાર અમેરિકી જીયોલોજીકલ સર્વએ અંદાજ લગાવ્યો હતો કે, ધરતીની અંદર પ૦ હજાર ટન ગોલ્ડ રીઝર્વ છે. જેનું ખોદકામ થવાનું હજી બાકી છે. અત્યાર સુધીમાં આશરે ૧,૯૦,૦૦૦ સોનુ ખોદકામ કરીને બહાર કાઢવામાં આવ્યું છે. દુનિયામાં અત્યાર સુધીમાં સોનાનો સૌથી મોટો સ્ત્રોત સાઉથ આફ્રિકાના વિટવોટર્સરેન્ડ બેઝિન છે. જયાંથી દુનિયાના લગભગ ૩૦ ટકા સોનાનું ખોદકામ થઇ ચૂકયું છે. બીબીસી રિપોર્ટને ધ્યાને લઇએ તો હાલ ચીન સોનાનું ખનન કરનાર મોટો દેશ છે, જયારે સૌથી વધુ સોનાની ખાણો અમેરિકાના નવાદામાં છે.
વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી વાત કરી છે કે, થીયરીમાં માનવામાં આવે છે કે ધરતીના ગર્ભમાં, ધરતીની અંદર એટલું સોનું છે કે તેની ચાર મીટરથી વધુ લંબાઇના પડથી સમગ્ર ધરતીને ઢાંકી શકાય છે. પરંતુ ધરતીના પેટાળ સુધી ખોદકામ કરવું અશકય છે. આટલી ઊંડાઇએ હજી સુધી વ્યકિત પહોંચી શકયો નથી.