આણંદ સહિત જિલ્લાભરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી, શોભાયાત્રા-મહાઆરતી
ખંભાતની શોભાયાત્રામાં ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, સીસીટીવી મેપીંગ સાથે ચુસ્ત બંદોબસ્ત
અયોધ્યામાં શ્રીરામ મંદિર બન્યા બાદની આજે પ્રથમ રામ જન્મોત્સવ ઉજવણીની ભાવિકજનો દ્વારા શ્રદ્વા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. રામજી મંદિરોમાં વહેલી સવારથી દર્શનાર્થ ભાવિકજનો ઉમટયા હતા. આણંદ શહેર,જિલ્લામાં વિહિપ સહિતના સંગઠન દ્વારા વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ રામનવમી શોભાયાત્રાનું શહેર, ગામોમાં આયોજન કરાયું હતું. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની પ્રતિમા-તસ્વીરને રથમાં બિરાજમાન કરીને મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ સ્થળોએ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું. ટ્રેકટર સહિતના વાહનો અને ઢોલ,ડી.જે.ના તાલે રામલલ્લાના જયજયકાર સાથે સૌ શોભાયાત્રામાં જોડાયા હતા.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આણંદમાં શ્રી સિદ્ઘિવિનાયક મંદિર , ૮૦ ફૂટ રોડેથી સવારે ૯-૩૦ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં સાધુ-સંતો-મહંતો, ભજનમંડળીઓ, રાજકીય-સામાજીક અગ્રણીઓ અને ભાવિકજનો જોડાયા હતા. શોભાયાત્રા મંદિરેથી નીકળીને સતાધાર ચોકડી, શિખોડ તલાવડી, અંબિકા ચોક, શહિદ ભગતસિંહ સ્ટેચ્યુ, પાયોનિયર ચોકડી, લ-મી ચાર રસ્તા, ગોપાલ ચાર રસ્તા, નગરપાલિકા, ગામડી વડ જઇને જૂના રામજી મંદિર પહોંચીને સમાપન કરાયું હતું. આણંદ જિલ્લા શ્રીરામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા વિદ્યાનગર તેમજ શ્રી રામ જન્મોત્સવ સમિતિ, આણંદ દ્વારા નાની ખોડિયાર, બેઠક મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે રાજકીય,સંગઠન, સામાજીક અને ધાર્મિક અગ્રણીઓ, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાવિકજનો જોડાયા હતા. જયશ્રી રામના નારા સાથે આણંદ સહિત અન્ય શહેર-જિલ્લામાં નીકળેલ શોભાયાત્રામાં સૌ હર્ષભેર જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાઓએ કેસરી સાફા તેમજ યુવા-બાળકોએ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી. શોભાયાત્રામાં જોડાયેલા ભાવિકજનોને અનેક વિસ્તારોમાં ઠંડા પીણાં, સરબત, પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખંભાતમાં આજે વહેલી સવારે રામજી મંદિરે શ્રીરામજીની આરતી-પૂજા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકજનોની ઉપસ્થિતિ વચ્ચે મકરપુર રામજી મંદિરેથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા ગોપાલ સર્કલ, સરદાર ટાવર રોડ, પાણીહારી, ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર, ઝંડા ચોક સહિતના માર્ગ ફરી હતી. સાંજે ૬ કલાકે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. શોભાયાત્રામાં રાજકીય,સામાજીક અને ધાર્મિક અગ્રણીઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. શ્રીરામજીની શોભાયાત્રા દરમ્યાન કોઇ કાંકરીચાળો ન થાય તે માટે જડબેસલાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેન્જ આઇજી સહિત પોલીસ અધિકારીઓ, એસઆરપી, હોમગાર્ડ ઉપરાંત વિડીયોગ્રાફર, ડ્રોન-સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાનું આયોજન કરાયું હતું. સીસીટીવી મેપીંગની મદદથી કંટ્રોલ સેન્ટરમાં સમગ્ર યાત્રા દરમ્યાન સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
પેટલાદમાં નવા રામજી મંદિર ખાતેથી સાંજે પાંચ વાગ્યે ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના અને આરતી કરીને શોભાયાત્રા નીકળી હતી. જે રણછોડજી મંદિર, ચાવડી બજાર, બળિયાકાકાની શેરી, ગાંધી ચોક, સરદાર ચોક, ટાઉનહોલ થઇને નિજ મંદિર પરત ફરી હતી. યાત્રામાં મહંત વાસુદેવજી મહારાજ, રાજકીય અગ્રણીઓ,સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાવિકજનો જોડાયા હતા.