આણંદ : સતત બીજા દિવસે ૪૧ ડિગ્રી સાથે લૂની અસર
ડિહાઇડ્રેશનથી ચકકર-તાવ સહિતની બિમારી, સતત ઘરમાં રહેવાથી પણ હિટ સ્ટ્રોકની સંભાવના
આણંદ શહેર જિલ્લામાં આજે સતત બીજા દિવસે ૪૧ ડિગ્રી ગરમીનો પારો રહેવાથી બફારો અનુભવાયો હતો. વેસ્ટન ડિર્સ્ટબન્સના કારણે સક્રિય બનેલા સાયકલોનિક સકર્યુલેશનની અસર પૂર્ણ થયા બાદ જિલ્લામાં મહત્તમ તાપમાન વધ્યું છે. તેમાંયે રાજયમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદના કારણે પણ તાપમાનનો પારો વધ્યાની અસરો ચરોતરમાં અનુભવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હજી બે-ત્રણ દિવસ શહેરીજનોએ આ પ્રકારે ગરમી સહન કરવી પડશે. ત્યારબાદ તાપમાનમાં સંભવત: બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. ગતરોજથી દિવસ દરમ્યાન આગ ઓકતી ગરમીથી લોકોની હાલત કફોડી બની હતી. દિવસભર લૂની અસર પણ જોવા મળી હતી. દિવસની સાથે રાત્રે પણ વાતાવરણમાં ગરમીની અસર અનુભવાઇ હતી. રાત્રિનો પારો ર૯ ડિગ્રી નોંધાયો હતો.
આણંદ શહેર-પંથકમાં આજે બપોરે તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો હતો. જયારે દિવસભર ગરમ પવનો પણ અસરકર્તા રહ્યા હતા. જેના કારણે સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ આવશ્યક છે. સામાન્ય રીતે દિવસ દરમ્યાન બહાર ફરતા લોકોમાં હિટ સ્ટ્રોકનો ખતરો પણ વધુ પ્રમાણમાં હોય છે. નિષ્ણાંતોના મતે હાલ યૂવી કિરણોનું ક્રમાંક બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં છે. એટલે કે સૂર્યના સીધા કિરણોના કારણે ચામડીના રોગ થવાની શકયતાઓ વધુ પ્રમાણમાં છે. તેથી બહાર નીકળતી વખતે શરીરને સંપૂર્ણ ઢાંકી દેવું હિતાવહ છે. આ ઉપરાંત ડિહાઇડ્રેશનના કારણે ચકકર, માથું દુ:ખવું, તાવ આવવો જેવી બિમારી થઇ શકે છે. આ પ્રકારે સતત ઘરમાં રહેવાથી હિટ સ્ટ્રોકનો ખતરો વધી જતો હોવાની પણ સંભાવના છે.