બાર માસના મસાલા ભરવાની સીઝનમાં ગત વર્ષ કરતા મરચાના ભાવ ઘટ્યા, હળદરના વધ્યા
મસાલાના ભાવમાં સતત વધઘટ : મરચાના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૧૫૦ ઘટ્યા જ્યારે હળદરમાં ૧૨૦થી વધુનો વધારો
આખા મરચાનો ૧ કિલોનો ભાવ
કાશ્મીરી ૭૪૦
કુમડા ૬૪૦
રેશમ ૬૨૦
ગોલર ૯૦૦
શેરથા ૪૨૦
પટની ૪૨૦
હળદરનો ભાવ
સેલમ ૩૬૦
સેલમ ૪૦૦
સેલમ ૫૬૦
રાજાપુરી ૩૦૦થી ૩૫૦
હાલની ઉનાળાની ઋતુમાં ગૃહિણીઓ માટે રસોડામાં વપરાતા વિવિધ પ્રકારના મસાલા વર્ષ દરમ્યાન ચાલે એટલા પ્રમાણમાં દળાવીને ભરવાની સીઝન ચાલી રહી છે. ગૃહિણીઓ મસાલાને દળાવી તેનો પાવડર બનાવી ૧૨ માસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં ભરી લેવા માટે બજારની મુલાકાત લઇ રહી છે. મસાલાની ખરીદીમાં ગૃહિણીઓ ચોકસાઇ રાખી રહી છે. કયા મસાલા સારા પડશે અને કયા મસાલા વર્ષ સુધી બગડશે નહીં તેની ગણતરી સાથે ગૃહિણીઓ બજારમાંથી મસાલાની ખરીદી કરી રહી છે.
ચોમાસાની ભેજવાળી ઋતુમાં મસાલા દળી શકાતા નથી જ્યારે શિયાળાની ઋતુમાં પણ તાપમાન ઓછું અને ભેજયુક્ત વાતાવરણ હોય છે જેના કારણે હળદર અને મરચાને તાપમાં તપાવવા શક્ય નથી. જેથી ઉનાળાની ઋતુમાં જ ૧૨ માસ સુધી ચાલે તેટલું લાલ મરચું અને હળદર ભરી લેવાનું ચલણ છે. હાલમાં ગૃહિણીઓએ ૨ કિલોથી માંડી પ અને ૧૦ કિલો ઉપરાંત મરચા અને હળદર પાવડરની ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે. આણંદ શહેરના મસાલા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ મરચાના ભાવમાં સરેરાશ રૂપિયા ૧૫૦નો ઘટાડો થયો છે જ્યારે હળદરમાં ૧૨૦થી વધુનો ભાવ વધારો થયો છે. આણંદ શહેરના મસાલા બજારમાં હાલમાં વિવિધ પ્રકારના હળદર પાવડર અને વિવિધ પ્રકારના મરચા પાવડર ઉપલબ્ધ છે. જોકે અલગ અલગ મસાલા ભંડારમાં ભાવની થોડી વધઘટ જોવા મળી છે. તેમ છતાં હળદર સેલમ રૂા.૩૦૦થી ૫૬૦ અને રાજાપુરી હળદરનો ભાવ રૂા.૩૦૦ પ્રતિ કિલોનો છે. જ્યારે મરચાનો ભાવ રૂા.૪૨૦થી ૯૦૦ સુધીનો બોલાય છે અને દરામણનો ભાવ અલગથી લેવાય છે. પ્રતિ કિલોએ દરામણના રૂા.૬૦ ખર્ચીને ગૃહિણીઓ હળદર મરચાનો પાવડર ૧૨ માસ ચાલે તેટલો ભરી રહી છે.