નડિયાદ : એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ૧૦ના મોત
ધડાકાભેર ટેન્કરને અથડાયેલ પેસેન્જર કારનો લોચો વળી ગયો : મૃતકોને ક્રેઈનની મદદથી કારના પતરા કાપીને બહાર કઢાયા : ઓવરટેકની લ્હાયમાં કાર ઉભેલા ટેન્કરની પાછળ ઘૂસી જતા એક્સપ્રેસ હાઈવે મરણચીસોથી ગાજી ઉઠ્યો
૧૦ પૈકી ૯ મૃતકોની ઓળખ કરાઈ
(૧) યોગેશભાઇ નરેન્દ્રભાઇ પંચાલ (ઉ.વ.૩૫), અમદાવાદ
(૨) સુરેન્દ્રસિંહ રાવત (ઉ.વ.૨૩), ડ્રાઇવર, ભીલવાડા, રાજસ્થાન
(૩) નીલભાઇ મુકેશભાઇ ભોજવાણી (ઉ.૨૨), વડોદરા
(૪) જયશ્રીબેન મનોજભાઇ મિસ્ત્રી (ઉ.વ.૫૫), વડોદરા
(૫) હેતિકભાઇ કમલભાઇ સોની (ઉ.વ.૨૨), ડીસા
(૬) શાહબુદ્દીન અન્સારી (મુંબઈ, વેસ્ટ)
(૭) અમિતભાઈ મનુભાઈ સોલંકી (વલસાડ)
(૮) દક્ષ અમિતભાઈ સોલંકી (વાપી)
(૯) ઉષાબેન અમિતભાઈ સોલંકી (વાપી, મુળ જીતપુરા, ગોધરા)
પુનાથી જમ્મુ જતી ટેન્કરમાં ખામી સર્જાતા ઉભી હતી : ડીએસપી
નડિયાદ નજીક સર્જાયેલા અકસ્માતની જાણ થતા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ટેન્કર પુનાથી જમ્મુ જતી હતી. ટેકનિકલ ખામી સર્જાતા ડ્રાઇવરે તેને રોડની સાઇડ પર ઉભી રાખી હતી તે વખતે વડોદરા તરફથી આવતી કાર તેની સાથે અથડાતા આ ઘટના બની છે. મોતને ભેટનાર અલગ અલગ વિસ્તારના લોકો હોઇ તેમની ઓળખ માટેના પ્રયત્નો ચાલુ છે. જોકે કારના ચાલકની ઓળખ થઇ ગઇ છે.
મૃતકોના સામાન-મોબાઈલના આધારે ઓળખવિધિ : કલેક્ટર
ગોઝારા અકસ્માતની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર અમિતપ્રકાશ યાદવ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના કેવી રીતે બની તેની જાતમાહિતી મેળવી હતી. તેઓએ મીડિયાને જણાવ્યું હતુ કે, મૃતકોના સામાન અને મોબાઈલ ફોનના આધારે ૯ની ઓળખવિધિ કરી લેવામાં આવી છે અને તેમના પરિવારને જાણ કરી દેતાં તેઓ નડીઆદ સિવિલ હોસ્પીટલ ખાતે આવવા રવાના થઈ ગયા છે. તમામ મૃતદેહોનું પીએમ કર્યા બાદ તેમના સગાવહાલાઓને વહેલામાં વહેલી તકે મૃતદેહો મળી જાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દુ:ખ વ્યક્ત કર્યું
નડીઆદ નજીક આવેલા બીલાદરો ગામની સીમમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ૧૦ મુસાફરોના મોત થતાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દુ:ખ વ્યક્ત કર્યુ હતુ અને મૃતકોના પરિવારજનોને સાત્વંના પાઠવી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, ખાનગી વાહનોમાં કેપેસિટી ના હોવા છતાં પણ મુસાફરોને ઘેટાં-બકરાની જેમ ભરીને વાહનો હંકારવામાં આવે છે જેને લઈને આવા ગોઝારા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પોલીસની હપ્તાખાઉ નીતીને કારણે ખાનગી વાહનો બેફામ દોડી રહ્યા છે. કાયદાથી વિરૂદ્ઘ આવી મુસાફરીઓમં ભોગ બનનારને વિમો પણ મળતો નથી, જેથી મૃતકના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાય છે. સરકાર જરૂરીયાતમંદ પરિવારોને પુરતી સહાય કરે અને ગેરકાયદેસર ચાલતા વાહનો કે જે હપ્તા ચુકવીને ચલાવવામાં આવે છે તેને બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
જગન્નાથજી મંદિરના મહંત દ્વારા મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવાઈ
અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંત દીલિપદાસજી મહારાજના સાનિધ્યમાં મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે એક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મણિનગર પુર્વમાં આવેલા વહાણવટી શિકોતર માતાજીના ૧૯માં પાટોત્સવમાં હતભાગી આત્માઓના કલ્યાણ માટે પ્રાર્થના કરીને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ. સાંજે આ પાટોત્સવમાં પધારેલા સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતુ.
ગાડીના બોનેટને કાપીને લોકોને બહાર કઢાયા - ટેન્કર પાછળ કાર એટલી સ્પીડમાં અથડાઇ હતી કે, કારનો
આગળનો ભાગ લોચો થઇ ગયો હતો. કારમાં બેઠેલા લોકો અંદર સેન્ડવીચ થઇ ગયા હતા. બચાવ માટે આવેલા લોકોએ કારના બોનેટને કાપીને અંદરથી લાશો બહાર કાઢી હતી. દૃશ્ય ભલભલાને કંપાવી દે તેવું હોવાનું જાણવા મળ્યું છે.
બે વ્યક્તિઓના હૃદય ધબકતા હોઇ સારવાર માટે લઇ ગયા પરંતુ રસ્તામાં જ મોત
અકસ્માતના પગલે કારમાં બેઠેલા તમામ મુસાફરોને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાપામી હતી. જેને લઈને સ્થળ પર લોહીના ખાબોચીયા ભરાઈ જવા પામ્યા હતા. રોડ ઉપર પણ લોહીના ડાઘાઓ સ્પષ્ટ જોવા મળતા હતા. બચાવ કામગીરીમાં લાગેલા લોકોને અકસ્માતમાં એકપણ મુસાફર જીવતો નથી એવું લાગતું હતું પરંતુ જેમ જેમ અંદરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ખબર પડી કે બે વ્યક્તિઓના હૃદય ધબકે છે જેથી ૧૦૮માં તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં બંનેનું અવસાન થયું હતુ.
અકસ્માતના પગલે કલાકો સુધી ટ્રાફિક જામ થયો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે બપોરે બનેલા અકસ્માતના બનાવમાં ૧૦ વ્યક્તિઓના મોત થયા હતા. આ બનાવને
લઇ ટ્રાફિક જામની લાંબી લાઇનો જોવા મળી હતી. વાહન ચાલકો
અકસ્માતનું દૃશ્ય જોઇ ગમગીન બન્યા હતા. ટ્રાફિક પોલીસે પોતાની ફરજ બજાવીને કલાકોથી જામ થઈ ગયેલા ટ્રાફિકને ધીમે ધીમે ખુલ્લો કર્યો હતો.
પેસેન્જર ગાડી હોવાથી મરનારની ઓળખ મુશ્કેલ બની
નડિયાદ નજીક સર્જાયેલા અકસ્માતમાં જે કારને અકસ્માત થયો હતો તે કાર પેસેન્જર કાર હોવાનું કહેવાય છે. હાઇવે પર લોકોને બેસાડીને અપડાઉન કરતી આ કારમાં અલગ-અલગ પેસેન્જર બેઠા હોઇ તેમની ઓળખ મુશ્કેલ બની છે. જોકે મરનારમાં બે મહિલા, એક બાળકી અને સાત પુરૂષનો સમાવેશ થાય છે.
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક શેઢી નદીના બ્રિજ પાસે આજે બપોરે ઓવરટેકની લ્હાયમાં રોડની સાઇડ પર ઉભેલી ટેન્કર પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા ૧૦ મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા હતા. ૧૦ પૈકી ૮ના તો ઘટનાસ્થળે જ જ્યારે બેના સારવાર દરમ્યાન મોત થતાં વાતાવરણ ગમગીનીભર્યુ બની જવા પામ્યું હતુ. ૧૦ મૃતકો પૈકી ૯ની ઓળખવિધી થઈ જવા પામી છે. જ્યારે બાકીના એકની ઓળખવિધિ માટેના પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં ટેન્કરની પાછળ ભટકાયેલી કાર પેસેન્જર કાર હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વડોદરાથી આજે સવારે એક અર્ટીગા કાર નંબર જીજે-૨૭, ઇસી-૨૫૭૮માં દસ વ્યક્તિઓ બેસીને અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. આણંદ વટાવી વડોદરાથી અમદાવાદ જઇ રહેલ કાર બપોરના અઢી વાગ્યાના સુમારે નડિયાદ નજીક શેઢી નદીના બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આગળ જતા વાહનની ઓવરટેક કરવાની લ્હાયમાં કાર સાઈડમાં ઉભેલી ટેન્કરની પાછળની સાઇડે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે કારનો આગળનો ભાગ લોચો વળી ગયો હતો. કાર સ્પીડમાં હોય અકસ્માતની ગંભીરતા વધી ગઇ હતી. કારમાં બેઠેલા તમામ ૧૦ વ્યક્તિઓને માથામાં તેમજ શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેને લઈને એક્સપ્રેસ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા.
અકસ્માતને લઇ ભયંકર ધડાકો થતા આજુબાજુના લોકો પણ હાઇવે પર દોડી ગયા હતા અને કોઇએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સાથે જ એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અકસ્માતમાં ઘવાયેલા મુસાફરોને તપાસતા આઠના સ્થળ પર જ મોત થઈ ચુક્યા હતા જ્યાર બેને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે નડીઆદની સિવિલ હોસ્પીટલમાં લઈ જતાં ત્યાં બન્નેના મોત થયા હતા.
અકસ્માતને લઈને એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જેથી એક્સપ્રેસ હાઈવે પેટ્રોલીંગની ટીમ અને પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત બન્ને વાહનોને સાઈડ પર કરીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.
પોલીસે તમામ મૃતકોના મૃતદેહો નડીઆદની સિવિલ હોસ્પીટલ ખાતે મોકલી આપ્યા હતા જ્યાં પીએમની કાર્યવાહી હાથ ઘરાઈ હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોને જાણ થતાં જ તેઓ નડીઆદ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં તેઓના આક્રંદના કારણે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. નડીઆદ રૂરલ પોલીસે આ અંગે કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.