વસો : દિલ્હીથી કેનેડાની એર ટિકીટ રદ બદલ રૂ. ૬૬,૧૮૩ રિફંડ, કાનૂની વળતર પેટે ૧ લાખ ચૂકવવા બ્રિટીશ એરવેઝને ગ્રાહક કોર્ટનો હૂકમ
વસોના દિપ્તેશભાઇએ પરિવારજનો સાથે ટોરેન્ટો જવા માટે બુક કરાવેલ એર ટિકીટ દિલ્હી પહોંચ્યા બાદ રદ હોવાનું એરલાઇન્સે જણાવ્યું હતું
વસોના વ્યકિત દ્વારા પત્ની અને બે બાળકો સાથે ટોરેન્ટોમાં સંબંધીના ત્યાં સામાજીક પ્રસંગે જવા માટે બ્રિટીશ એરલાઇન્સમાં ઓનલાઇન ટિકીટ બુક કરાવી હતી. અમદાવાદથી દિલ્હી પહોંચ્યા બાદ ત્યાં એર ટિકીટ રદ હોવાનું એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું. જયાંથી પરત અમદાવાદ આવવા ડોમેસ્ટીક એરલાઇન્માં સામાનની મર્યાદા હોવાથી વધારાનો સામાન છોડી દેવો પડયો હતો. આ અંગે એરલાઇન્સ દ્વારા વ્યાજબી કારણ જણાવવામાં ન આવતા તેઓએ રીફંડ મેળવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નડિયાદમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે ફરિયાદીને રીફંડ તેમજ માનસિક ત્રાસ-કાનૂની વળતર પેટે એક લાખ ચૂકવવા બ્રિટીશ એરલાઇન્સને હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં વસોના દીપ્તેશભાઇ બ્રહ્મભટ્ટે પત્ની અને બે બાળકો સાથે અમદાવાદથી ટોરેન્ટો કેનેડા જવા માટે બ્રિટીશ એરવેજ ગુડગાંવ, વિસ્તાર એરલાઇન ગુરગાંવ દ્વારા બ્રિટીશ એરવેઝની મોબાઇલ એપ્સથી ટિકીટો બુક કરાવી હતી. જે પેટે ૩.પ૮ લાખ ચૂકવ્યા હતા. તેઓ ગત ર૬ નવે.ર૦ર૧ના રોજ અમદાવાદથી ફલાઇટમાં બેસીને રાત્રે ૧૦-૩૦ કલાકે દિલ્હી ઉતર્યા હતા. જયાંથી ટોરેન્ટો કેનેડા માટે ફલાઇટ લેવાના હતા.
દરમ્યાન બ્રિટીશ એરવેઝના અધિકારીએ દીપ્તેશભાઇ અને તેમના પરિવારના પાસપોર્ટ લઇ લીધા હતા અને ટોરેન્ટોની ટિકીટ બુકીંગ રદ કરાવ્યું હતું જો કે તેનું કોઇ વ્યાજબી કારણ જણાવ્યું ન હતું. જેથી અમદાવાદ પરત આવવા ડોમેસ્ટીક ફલાઇટની પ૭ હજારની ટિકીટો ખરીદીને, વધારાનો સામાન દિલ્હી છોડીને તેઓ પરત આવ્યા હતા. એરલાઇન્સની બેદરકારી-ખામીના કારણે કેનેડામાં વસતા સ્વજનોને મળવા ન જઇ શકવા બદલ આર્થિક-માનસિક ત્રાસ બદલ પ૦ લાખ વ્યાજ સહિત પૂરા વળતરની ગ્રાહક કોર્ટ, નડિયાદમાં દાદ માંગી હતી.
ગ્રાહક કોર્ટમાં બ્રિટીશ એરવેઝ તરફથી જવાબ રજૂ કરાયો હતો કે, તે સમયે ટોરેન્ટોમાં કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓને આવવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
જેથી ટિકીટ રદ કરી હતી. પરંતુ આકસ્મિક ઉભી થયેલ પરિસ્થિતિના કારણે ફરિયાદીને વાઉચર્સ ઇસ્યુ કરાયા હતા. જેની સપ્ટે.ર૦ર૩ સુધી સમયમર્યાદા હતી. આમ, કેનેડા સરકાર દ્વારા બહાર પાડેલ ટ્રાવેલ એડવાઇઝરીને ધ્યાનમાં લેવામાં આવી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, એરલાઇન્સ દ્વારા ૧.પ૯ લાખની કરાયેલ કપાત અંગે સ્પષ્ટતા કરી નથી. ટ્રાવેલિંગ પર પ્રતિબંધ હતો તો ટીકીટ બુક ન કરાવી જોઇએ. ટિકીટના નાણાં પરત આપ્યા નથી અને દિલ્હી એરપોર્ટ પર કોઇપણ જાતની મદદ કરી નથી. સમગ્ર પરિવારને માનસિક આઘાત, તણાવનો અનુભવ કરવો પડયો હતો.
આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, ટોરેન્ટો માટે ચાર ટિકીટ બુક હોવા છતાં દિલ્હીથી અમદાવાદ પરત આવવું પડયું. જેના કારણે સામાન છોડી દેવો પડયો હતો અને એરલાઇન્સ દ્વારા ઓછું રીફંડ અપાયું છે. એરલાઇન્સ દ્વારા પ્રતિબંધના હુકમની જાણકારી ન હોવાનો કોઇ બચાવ કરાયો નથી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થા, જે ઇન્ટરનેશનલ ફલાઇટ ઓર્ગનાઇઝ કરતી હોય તેમની પાસે જે તે દેશની મુલાકાત લેવા માટેની ગાઇડલાઇન ન હોય તેવું માની શકાય નહીં. વધુમાં બ્રિટીશ એરવેઝ દ્વારા રુ. ર,ર૬,ર૯૬ રીફંડ અપાયા છે. જેથી ટિકીટની કપાત કરેલ રકમ આપવી ખૂબ જરુરી છે.
આ કેસમાં કોર્ટે બ્રિટીશ એરલાઇન્સને હૂકમ કર્યો હતો કે, ફરિયાદીને ટિકીટ રીફંડની બાકી નીકળતી રકમ રૂ.૬૬૧૮૩ ફરિયાદ દાખલ તા.૧૪ ડિસે.ર૦રરથી ૭ ટકા વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચૂકવવી. તેમજ બ્રિટીશ એરવેજ ગુડગાંવ, વિસ્તાર એરલાઇન ગુરગાંવ ફરિયાદીને આઘાત, વળતર અને કાનૂની ખર્ચ માટે જવાબદાર હોઇ તે પેટે રૂ. ૧ લાખ ચૂકવવા હૂકમ કર્યો હતો.