ઇડીએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ૯૭ કરોડની સંપત્તિ કરી જપ્ત
આરોપ છે કે આરોપીઓએ લોકો પાસેથી બિટકોઇનના રૂપમાં જંગી ફંડ એકત્ર કર્યુ હતું : ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિઓમાં જૂહૂ બંગલો, પૂણે સ્થિત બંગલો અને ઇકવિટી શેર્સ પણ સામેલ
ઇડીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ગુરુવારે કુંદ્રાની ૯૭ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. બિટકોઇન કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીનું કહેવું છે કે બિઝનેસમેન પાસે હજુ પણ ૨૮૫ બિટકોઇન છે. જેની કિંમત હાલ ૧૫૦ કરોડ રૂપિયાથી વધુ છે. કુંદ્રા બોલિવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ છે. ૨૦૨૧માં સામે આવેલા પોર્નોગ્રાફી કેસમાં પણ કુંદ્રાનું નામ સામે આવ્યું હતું. તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે બાદમાં તેને જામીન મળી ગયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર ઇડી દ્વારા ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિઓમાં શેટ્ટીનો જૂહૂબંગલો પણ સામેલ છે. આ કાર્યવાહી વેપારી સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ એટલે કે પીએમએલએ ૨૦૦૨ હેઠળ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે શેટ્ટીની પ્રથમ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સમાં પણ ભાગીદારી હતી. બિટકોઇન પોન્ઝી કૌભાંડમાં ઇડીએ કુંદ્રા સામે કાર્યવાહી કરી છે. ટાંચમાં લેવાયેલી મિલકતોમાં પૂણે સ્થિત બંગલો અને ઇકવિટી શેર્સનો પણ સમાવેશ થાય છે.
અહેવાલ છે કે વન વેરિયબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ અને આરોપી દિવંગત અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ , મહેન્દ્ર ભારદ્વાજ અન્યો સામે મહારાષ્ટ્રપોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર બાદ ઇડીએ તપાસ શરૂ કરી
હતી.
આરોપ છે કે આરોપીઓએ લોકો પાસેથી બિટકોઇનના રૂપમાં જંગી ફંડ એકત્ર કર્યુ હતું અને દર મહિને ૧૦ ટકા માત્ર બિટકોઇના રૂપમાં જ પરત આપવાનું વચન આપ્યું હતું.એક મીડિયા રિપોર્ટ અનુસાર ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે યુક્રેનમાં માઇનિંગ ફાર્મ સ્થાપવા
માટે કુંદ્રાને ગેઇન બિટકોઇનના પ્રમોટર અને માસ્ટર માઇર્ન્ડ અમિત ભારદ્વાજ પાસેથી૨૮૫ બિટકોઇન મળ્યા હતા.