પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટ-આગચંપી, પથ્થરમારોબેકાબુ બનેલા તોફાનીઓને
પહોંચી વળવા માટે પોલીસને ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ : બે સમુદાયોની અથડામણમાં અનેક ઘાયલ, કલમ ૧૪૪ લાગુ : શુભેન્દુ અધિકારીએ એનઆઇએ તપાસની કરી માંગ
રામનવમીના અવસર પર બુધવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા ભડકી ઉઠી હતી. આ દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયાના સમાચાર છે. મુર્શિદાબાદ જિલ્લાના શકિતપુરથી રામનવમીની શોભાયાત્રા પસાર થઇ રહી હતી. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે અને વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે. આ ઘટનાના વીડિયો મુજબ રામનવમીની શોભાયાત્રા પર છત પરથી પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. સાથે જ બેકાબુ બનેલા તોફાનીઓને પહોંચી વળવા માટે પોલીસને ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ કરવો પડયો હતો.
મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરામાં મસ્જિદ પાસે શોભાયાત્રા કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાનબ્ બોમ્બ વિસ્ફોટની પણ માહિતી મળી હતી.
મેદિનીપુરના ઇગ્રામાં પણ બે સમુદાયો વચ્ચે અથડામણ થઇ હતી અને આગચંપી કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, હિંસામાં અત્યાર સુધીમાં ૧૮ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં બે સગીર, એક મહિલા અને કેટલાક પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલના છોડવામાં આવ્યા હતા. ઉપરાંત વધારાના દળોને પણ બોલાવવામાં આવ્યા હતા. હાલ સ્થિતિ કાબુમાં છે ઘાયલોને સારવાર માટે બેરહામપુર અને મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના બંગાળ એકમે આરોપ લગાવ્યો હતો કે રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને હિન્દુ સમુદાયની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. રાજયના વિરોક્ષ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રશાસનની સંપૂર્ણ મંજૂરી સાથે રામનવમીનું શાંતિપૂર્ણ સરઘસ કાઢવામાં આવ્યું હતું.
અધિકારીએ કહ્યું , સરઘસ પર ઉપદ્રવીઓએ હૂમલો કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે મમતાની પોલીસ પણ ઉપદ્રવીઓની સાથે છે. તેમણે રામભકતો પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડયા. આ કારણે શોભાયાત્રા પણ વચ્ચે જ ખતમ કરવી પડી હતી. આ ઘટના બાદ બુધવારે સાંજે કોંગ્રેસ નેતા અને સાંસદ અધીર રંજન ચૌધરી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન સુવેન્દુ અધિકારીએ રાજયપાલને પત્ર લખીને આ હિંસા પાછળ ષડયંત્રની આશંકા વ્યકત કરી છે. તેમણે રાજયપાલને એનઆઇએ તપાસની ભલામણ કરવાની માંગ કરી છે.
બીજી તરફ ટીએમસીએ ભાજપ પર ચૂંટણી પહેલા તણાવ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસી નેતા શાંતનુ સેને કહ્યું કે, ભાજપ ચૂંટણી પહેલા રમખાણો કરાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે હિંસાની આવી ઘટનાઓની નિંદા કરીએ છીએ, જે ભાજપનું કામ છે.