Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
તાપમાનનો પારો ૪૧.પ : આણંદ જિલ્લામાં હીટવેવના કારણે ૭ દિવસમાં ડાયેરીયાના ૩૦૭ અને ટાઇફોઇડના ૪ કેસ
ગરમીના કારણે લૂ લાગવા (સન સ્ટ્રોક)માં સમયસર સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે
19/04/2024 00:04 AM Send-Mail
હીટ સ્ટ્રોક એ ગંભીર મેડીકલ ઇમરજન્સી હોવાથી સાવચેતી જરૂરી
આણંદ જિલ્લામાં હાલ ગરમીનો પારો ૪૧+ અને લઘુત્તમ ર૦ ડિગ્રી જોવા મળે છે. આથી હિટવેવથી થતી શારીરિક અસરોથી બચવા માટે પુષ્કળ પાણી પીવું જોઇએ. કપડાં ખુલ્લા અને સુતરાઉ પહેરવા. બહાર નીકળવાનું થાય તો પાણીનો બોટલ, લીંબુ પાણી, છાશ, ઓઆરએસનું પાણી સાથે રાખવું અને વારંવાર પીવું. વધુ ગરમી હોય તો માથું ભીના કપડાંથી ઢાંકો. વૃદ્વો,બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, હ્દય, કીડની, કેન્સર, ડાયાબીટીસ, બીપીના દર્દીઓએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું. હીટવેવ દરમ્યાન બહારનો ખુલ્લો તથા દૂધની બનાવટો ખાવાનું બને ત્યાં સુધી ટાળવું. પાણી શુદ્વ હોય તેવું પીવું. અન્યથા ગરમીના કારણે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ, મરડો, કોલેરા જેવા રોગો થવાની શકયતા રહેલી છે.

પખવાડિયામાં આણંદ-ખેડામાં દૈનિક સરેરાશ ૪ વ્યકિતઓ મૂર્છીત થયાના કેસ
ચરોતરમાં આ સીઝનમાં ગરમીનો પારો પ્રથમ વખત ૪૧ ડિગ્રી ઉપર પહોંચ્યો છે. હવામાન વિભાગના મતાનુસાર વાદળો હટી જવાના કારણે મેદાની વિસ્તારોમાંથી ગરમ પવનોનું જોર આણંદ, ખેડા જિલ્લામાં પણ અસરકર્તા બન્યું છે. તેમાંયે બપોરે સૂર્યના સીધા કિરણોની ઇફેકટ તાપમાનમાં વધારો કરવા સાથે જમીન,રોડ-માર્ગોને પણ વધુ ગરમ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને શહેરોના ડામર રોડ અને આરસીસી માર્ગમાંથી બપોરના સમયે બફારો-વરાળ નીકળતી હોય તેવો અહેસાસ પસાર થનારાઓને થઇ રહ્યો છે. આ કાળઝાળ ધખારાની અસર માનવ જીવનને જોવા મળી રહી છે. જેમાં છેલ્લા ૧પ દિવસમાં આણંદ, ખેડા જિલ્લામાં ૭૦થી વધુ વ્યકિતઓ મૂર્છિત થયાના કેસ નોંધાયા હતા. અસહ્ય બફારો પણ માનવ આરોગ્યને હાનિ પહોંચાડે તે અગાઉ જરુરી સાવચેતી દાખવવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હીટવેવના કારણે થતી બિમારી અને તેના ઉપાયો
શરીર પર અળાઇઓ થવી : હીટવેવના કારણે શરીરની ચામડી પર લાલ રંગની ફોલ્લીઓ થાય છે, માથુ દુ:ખે છે. આ સંજોગોમાં ઠંડા પાણી અને સાબુથી સ્નાન કરવા સાથે શરીર ઠંડુ રહે તેવા ઉપાયો કરવા. ફોલ્લીનો ચેપ થયો હોય તો એન્ટીસેપ્ટીક દવા લગાવવી. ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા. શરીરના સ્નાયુમાં ખેંચાણ : મોટાભાગે પગના સ્નાયુઓમાં દુ:ખાવા સાથે ખેંચાણ અને ખૂબ પરસેવો થાય છે. આ સ્થિતિમાં દર્દીને ઠંડી જગ્યાએ સૂવાડવો. દુ:ખાવો થતો હોય તે સ્નાયુને દબાણથી પ્રેશર આપવું, મસાજ કરવું. દર્દીને ખૂબ પાણી આપવું. વધુ શ્રમ કરતા લોકોને થાક લાગવો : ખૂબ પરસેવો થવો, શરીર ઠંડુ પડવા સાથે નબળાઇ આવવી. માથું દુ:ખવું, ચકકર કે ઉલ્ટી થવી સહિતની સ્થિતિમાં દર્દીને ઠંડી જગ્યા, પંખા કે એર કંડીશનવાળી જગ્યાએ સૂવાડીને ઠંડા પાણીના પોતા મૂકવા. પીવા માટે પાણી આપીને ૧૦૮ વાન દ્વારા નજીકની હોસ્પિટલમાં રીફર કરો. વધુ ગરમીનાકારણે સ્ટ્રોક : આ સ્થિતિમાં દર્દીને શરીર ખૂબ ગરમ થવા સાથે ચામડી સૂકી થઇ જાય છે. નાડીના ધબકારા વધવા સાથે માનસિક સભાનતા ઓછી થવાની સંભાવના છે. આ સંજોગોમાં તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવી. વાન આવે ત્યાં સુધી દર્દીને ઠંડી જગ્યામાં સૂવાડવો અને ઠંડા પાણીના પોતા મૂકવા.

આ વર્ષ ઉનાળાની શરુઆતથી જ આકરી ગરમીએ સૌને આકુળવ્યાકુળ કરી મૂકયા છે. તેમાંયે છેલ્લા અઠવાડિયાથી તાપમાનનો પારો ૩૫-૩૬ ડિગ્રીથી સતત વધીને ૪૦-૪૧ ડિગ્રી પહોંચી રહ્યો છે. ગરમીના વધતા જતા પારાના કારણે લૂ લાગવી (સન સ્ટ્રોક)ના કેસો બનવા પામે છે. જેમાં સમયસર સારવાર લેવામાં ન આવે તો તે વ્યકિત માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

લૂ લાગવાના કેસોમાં સામાન્ય રીતે વ્યકિતના શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. બીજી તરફ વાતાવરણનું તાપમાન ઊંચુ હોવાથી પરસેવો વધુ થાય છે અને તેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. આ સ્થિતિની વ્યકિતના આરોગ્ય પર ગંભીર અસર થાય છે. જેના કારણે શરીર અને હાથ-પગમાં અસહ્ય દુ:ખાવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચકકર આવવા, શ્વાસ ચઢવો, હદયના ધબકારા વધી જવા સહિતની વિપરીત અસરો થાય છે. આણંદ જિલ્લામાં અઠવાડિયાથી હીટવેવના કારણે અશુદ્વ પાણી પીવાના કારણે પાણીજન્ય બિમારીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને ડાયેરીયા (ઝાડાના કેસો)માં વધારો જોવા મળ્યો છે. સાથોસાથ ટાઇફોઇડના ૪ કેસ પણ આ સમયગાળા દરમ્યાન નોંધાયા છે.