આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના અમિત ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યુ
આણંદમાં વ્યાયામ શાળા મેદાન બહાર યોજાયેલ સભામાં પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ
આજે ઉમેદવારી પત્ર નોંધાવવાનો અંતિમ દિવસ - આણંદ લોકસભા બેઠક માટે કુલ ૬ ઉમેદવારો દ્વારા ૧ર ઉમેદવારી પત્રો રજૂ કરાયા : ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને બે અપક્ષ સહિત ૪ ઉમેદવારો દ્વારા પ ઉમેદવારી પત્ર ભરાયા
આણંદ લોકસભા બેઠક અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીને આડે હવે ર૦ દિવસ કરતાં ઓછો સમય બાકી રહ્યો છે. આવતીકાલે તા. ૧૯ એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર નોંધાવવાનો અંતિમ દિવસ છે.
આજે તા. ૧૮ એપ્રિલ,ર૦ર૪ના રોજ આણંદ લોકસભા બેઠક માટે ૪ ઉમેદવારો દ્વારા ૮ ઉમેદવારી પત્ર ભરાયા હતા. આમ, અત્યાર સુધીમાં આણંદ લોકસભા બેઠક માટે કુલ ૬ ઉમેદવારોએ ૧ર ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. જેમાં ભાજપના મિતેષ પટેલ અને તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે દિનેશ પઢીયાર, અમિત ચાવડા અને તેમની સાથે ડમી ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમાર, અપક્ષ ઉમેદવાર તરીકે કેયુર પ્રવિણભાઇ પટેલ (રહે. વટવા રોડ,નારોલ) તેમજ ગરીબ કલ્યાણ પાર્ટીમાંથી ધીરજ રામબાણ ક્ષત્રિયે ઉમેદવારી પત્ર ભર્યા છે. ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ૪ ઉમેદવારો દ્વારા પ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં ભાજપના ચિરાગ પટેલે બે ફોર્મ અને ડમી તરીકે રાજેન્દ્રસિંહે એક ફોર્મ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે મનુભાઇ જેઠાભાઇ વણકર અને મહીપતસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યા હતા.
આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું. આ અગાઉ શહેરના લોટિયા ભાગોળ સ્થિત વ્યાયામ શાળા મેદાનના રોડ પર સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના પ્રભારી-એઆઇસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સહિત પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેન્દ્રિય મંત્રી, ધારાસભ્ય, કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા અને અમિત ચાવડાને જંગી બહુમતિથી વિજયી બનાવવા હાકલ કરી હતી.
સભા પૂર્ણ થયા બાદ નજીકમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રા રેલી યોજી હતી. રેલી ગામડીવડ, સ્ટેશન રોડ, રેલ્વે ગોદીએ પહોંચી હતી. જયાં અન્ય સ્થળોએથી આવેલા હોદ્દેદારો, કાર્યકરો રેલીમાં જોડાયા હતા. રેલી કલેકટર કચેરી પહોંચ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીને અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું હતું.