ઉમરેઠના સુરેલીમાં દિપડાની રંજાડ: વધુ બે બકરીઓનું મારણ કર્યુ
છેલ્લા ૧૫ દિવસથી ૧૫ જેટલા પશુઓનું મારણ કર્યું હોવા છતાં વન વિભાગ નિષ્ક્રિય
દીપડાને કોઈ હિસાબે પાંજરે પુરાવો: સરપંચ
સુરેલી ગામના સરપંચ ઈનાયતન પઠાણ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી દીપડાનો આંતક વધી ગયો છે. અત્યાર સુધીમાં લગભગ ૧૫ જેટલા પશુઓનું મારણ કર્યું છે ગત રાત્રીના સુમારે બે બકરીઓનું મારણ કર્યું ત્યારે ગામજનોએ મારણ કરનાર જંગલી જાનવર દીપડો જ હોવાનું નજરે જોયું છે. આ દીપડાને સત્વરે પાંજરે પૂરીને ગામજનોને ભયમુક્ત કરવા જોઈએ.
ઉમરેઠ રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ફોન રિસિવ જ ન કર્યો
ઉમરેઠના સુરેલી ગામની ઈન્દિરા નગરીમાં છેલ્લાં પંદર દિવસની દિપડાની રંજાડ વધી ગઈ છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલા પશુઓનું મારણ કર્યું છે. ગામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ લોકો ઘરની બહાર સૂઈ જવાનું દિપડાની ડરથી ટાળી રહ્યા છે ત્યારે વન વિભાગ સાવ નિષ્કિય જોવા મળી રહ્યું છે. સરપંચની માંગ હોવા છતાં દિપડાને પકડવાની કોઈ તજવીજ કરાઈ નથી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.એ.પરમારનો ફોન ઉપર સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કરવા છતાં તેઓ ફોન રિસિવ કરતા ન હોઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉમરેઠ તાલુકા સુરેલી ગામમાં દીપડાની રંજાડ છેલ્લા ૧૫ દિવસથી વધી ગઈ છે. ગત રાતના સુમારે વધુ બે બકરીઓનું મારણ કર્યું છે અને અત્યાર સુધીમાં ૧૫ જેટલા પશુઓનું મારણ કરતા ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે ગામજનોએ જંગલ વિભાગમાં રજૂઆત કરી હોવા છતાં દીપડો પાંજરે પુરાતો ના હોય ગામજનોમાં દહેશત આપી ગઈ છે. દીપડાને પાંજકે પુરવાની ગામજનોની માગપ્રબળ થવા પામી છે.
સુરેલી ગામના છેવાડાના વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી રાત્રિના સુમારે ઘરની બહાર અને વાડામાં બાંધેલ પશુઓનું દિપડો મારણ કરી રાત્રીના અંધારામાં ભાગી જતો હોય ગામજનોમાં દહેશત આપી ગઈ ગતરાત્રીના સુમારે વધુ બે બકરીઓનું દીપડાએ મારણ કરતા દીપડાને પાંજરે પુરવાની માંગ પ્રબળ બની છે.
આણંદ જિલ્લાના મહિસાગરના નદીના કોતર વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ ખાસ કરીને દીપડાઓ તેમનો વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ઉમરેઠ પંથકમાં આજથી બે વર્ષ અગાઉ દિપડો સૈયદપુરા વિસ્તારમાં ધસી આવ્યો હતો ત્યારે વન વિભાગની ટીમે દોઢ દિવસથી વધુ સમય ના ધામા નાંખીને આખરે દિપડાને પકડી પાડ્યો હતો અને છેલ્લા ૧૫ દિવસથી ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં દીપડાની રંજાડ વધી છે. રાત્રિના સુમારે દીપડો પશુઓ ઉપર હુમલો કરી મારણ કરીને ભાગી જાય છે ગામ લોકોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ૧૫ થી વધુ જાનવરનું મારણ કર્યું છે. બુધવાર રાત્રે ઈન્દિરા નગરી વિસ્તારમાં નાસીર ખાન અહેમદ ખાન પઠાણની ખુલ્લા ઘરમાં બાંધેલ બે બકરીઓનું દીપડાએ મારણ કર્યું છે.
આ અંગે ગામના સરપંચ ઈનાયત ખાન પઠાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પશુઓનું મારણ કરનાર જંગલી જાનગરને કોઈએ જોયું નહોતું પરંતુ ગત રાત્રિએ દોઢથી બે ના સુમારે ગામના નાસીર ખાન અહેમદ ખાન પઠાણના ખુલ્લા ઘરમાં બાંધેલ બે બકરીઓનું મરણ કરતાં દોડધામ મચી જવા પામી હતી અને બકરીઓની ચીસ સાંભળતા આજુબાજુના લોકો જાગી ગયા હતા અને હાકલા પડકારા કરતા દિપડો સ્થળ છોડી ગયો હતો. સુરેલીમાં દીપડાનો રંજાડ વધતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.