Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
અબોલ પશુઓને સારવારની વાત જાણે કે કાગળ પર રહી...
આણંદ : પ દિવસથી પીડા અનુભવતી ગાયને સમયસર સારવાર ન મળી ને' અંતે મોતને ભેટી
ગાયના કાને ટેગ હોવાથી એનીમલ હેલ્પલાઇને સારવારનો નનૈયો ભણ્યો : સ્થાનિક રહિશો દ્વારા એનીમલ હેલ્પલાઇન, ગૌશાળા સહિતને સતત જાણ કરવા છતાંયે...
19/04/2024 00:04 AM Send-Mail
અબોલ પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે સરકારની એનીમલ હેલ્પલાઇન સહિત આણંદ જિલ્લામાં જીવદયા સંગઠનો, ગૌશાળા અને સરકારી પશુ દવાખાના આવેલા છે. પરંતુ આ તમામ ઉપલબ્ધ હોવા છતાંયે આણંદમાં એક ગાય પાંચ-પાંચ દિવસ સુધી પૂરતી સારવાર ઉપલબ્ધ ન થતા તે અંતે મોતને ભેટી હતી. જો કે ગાયનો જીવ બચાવવા સ્થાનિકો દ્વારા એનીમલ હેલ્પલાઇન, ગૌશાળા સહિતને વારંવાર સંપર્ક કરવા છતાંયે માત્ર એકાદ વિઝીટ કર્યા બાદ ગાયને સાજી કરવા માટે કોઇ નકકર કાર્યવાહી કરવામાં ન આવ્યાનું દુ:ખ વ્યકત કર્યુ હતું.

આણંદમાં નવા સેવા સદન સામેની કેવલકૃપા સોસાયટીની પાછળની ખુલ્લી જગ્યામાં એક ગાય છ દિવસ અગાઉ આવીને બેઠી હતી. જો કે દિવસભર બેઠેલી ગાય રાત્રે પણ તે જ સ્થિતિમાં જોવા મળતા સોસાયટીના રહિશોએ ગાયને કોઇ ઇજા થઇ છે કે શું તેની તપાસ કરી હતી. પરંતુ ગાય ઉભી થઇ શકતી ન હોવાનું જોવા મળતા તુરંત વલાસણ વિસ્તારના એનીમલ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. જેથી તેમની ટીમે આવીને ગાયને ઇંજેકશન આપ્યું હતું.

જો કે બીજા દિવસે સવારે ગાય એ જ સ્થિતિમાં હોવાથી એનીમલ હેલ્પલાઇનને ફોન કરતા જવાબ મળ્યો હતો કે, ગાયના કાને ટેગ મારેલું છે. મતલબ કે તેના માલિક હોવાથી અમે માલિકીના પશુની સારવાર કરી શકીએ નહી. જો કે સ્થાનિકોએ વિનંતી કરતા કહયું હતું કે, તમે ગાયની સારવાર કરો, તેનો ખર્ચ થશે તે અમે આપીશું. પરંતુ કોઇ પ્રત્યુતર મળ્યો ન હતો. આથી સોસાયટીના સેવાભાવી મહિલાએ પંથકની ત્રણેક ગૌશાળાને આ અંગે ફોન કરીને જાણ કરી હતી પરંતુ ટ્ેકટર સહિતનું વાહન ન હોવાનું, માણસો ન હોવા સહિતના જવાબો મળ્યા હતા અને એકપણ ગૌશાળામાંથી આ બિમાર ગાયની સારવાર માટે કોઇ આવ્યું નહતું. સતત ચોથા દિવસે ગાયની સ્થિતિ વધુ કથળતી જતી હોવાથી ચિંતામાં મૂકાયેલા રહિશોને કયાંકથી જાણ થતા રાજયના એનિમલ નંબર પર ફોન કર્યો હતો. જેથી અમદાવાદથી મેસેજ મોકલતા તેમની આણંદની ટીમ આવી હતી. જેણે ગાયને તપાસીને ૩ બોટલ ચડાવી હતી. પરંતુ તેના બીજા દિવસે ગાયનું મૃત્યુ થયું હતું. સતત પાંચ-પાંચ દિવસ સુધી ગાયને બચાવવાના પ્રયાસો છતાંયે અબોલ પશુ મૃત્યુને ભેટતા સ્થાનિકોમાં દુ:ખની લાગણી વ્યાપી હતી. સાથોસાથ એનીમલ હેલ્પલાઇન, ગૌશાળા સહિતને વારંવાર ફોન કરવા છતાંયે ગાયને બચાવવાના પૂરતા પ્રયાસો કેમ ન કરાયાનો છૂપો રોષ પણ વ્યકત કર્યો હતો.