ઉમરેઠ-બેચરી ફાટક પાસેના સોસાયટી વિસ્તારમાં ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવા પ્રાથમિકતા આપવાની માંગ
બેચરી ફાટક પર ઓવર બ્રીજના કામથી આઠ થી દસ સોસાયટીને દૈનિક અવરજવરમાં મુશ્કેલી
ઉમરેઠથી વાયા સુંદલપુરા સાવલી જવાના રસ્તે બેચરી ફાટક પર ઓવરબ્રીજ બનવાનું કામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે, સ્થાનિકો નો આક્ષેપ છે કે આ કામ ખુબ મંદ ગતિથી ચાલતુ હોવાને કારણે હવે ઓવરબ્રીજ સ્થાનિકો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે.
સોસાયટીના રહીશોને દૈનિક અવર જવર કરવામાં પણ તકલીફ પડે છે ઉપરથી હાલમાં ઉમરેઠ કૃષ્ણ સોસાયટીથી ધનલ-મી પાર્ક સોસાયટી સુધી ઓવરબ્રીજની કામગીરી અંતર્ગત ખુબ જ મોટો વિશાળ ખાડો ખોદવામાં આવ્યો છે. જે કેટલાક સમયથી જેસે થે ની હાલતમાં છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ કામ છેલ્લા કેટલાક મહિનાથી બંધ જેવું જ છે એક ઈંટ પણ આઘી પાછી થતી નથી. આ વિસ્તારમાં અમોધ પાર્ક, યમુનાપાર્ક સોસાયટી, કૃષ્ણ સોસાયટી, ધનલ-મી સોસાયટી તેમજ ફાટકને સામે પાર પણ ત્રણ ચાર સોસાયટી આવેલ છે. ઉપરાંત ઉમરેઠના કેટલાક ખેડૂતો ના ખેતર પણ ફાટકની સામે પાર આવેલ છે ત્યારે આ વિસ્તારની ગરીમાને ધ્યાનમાં રાખી ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં પસાર થતા ઓવર બ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરવા પ્રાથમિકતા આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.