માતર : સોખડાના યુવક મિત્ર સાથે મળી બ્રાન્ડેડ કંપનીના ઓનલાઈન બુટ ખરીદીને ૮૪ લાખની કરેલી છેતરપિંડી
બૂટની ડિલિવરી મળે એટલે તેમાંથી અસલી બૂટ કાઢી લઈ ડુપ્લિકેટ મૂકી પરત કંપનીમાં જમા કરાવી નાણાં પરત મેળવતા હતા
સોખડાના પાર્થ શર્માની કરાયેલી ધરપકડ : ૧૨ ખોટા આધારકાર્ડ મળ્યા
પોલીસને અલગ-અલગ વ્યક્તિઓના કુલ ૧૨ ખોટા આધારકાર્ડ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત કલર પ્રિન્ટર, લેપટોપ સહિત કુલ રૃપિયા ૯, ૦૨,૭૦૦નો મુદ્દામાલ પણ મળી આવતાં કબ્જે કરાયો હતો. પાર્થ મનોજકુમાર શર્મા અને આર્યવિરસિંગે અગાઉથી પૂર્વ આયોજીત કાવતરાના ભાગ રૃપે અગલ-અલગ વ્યક્તિઓના નામે ખોટા આધારકાર્ડ બનાવી તેઓ ખોટા આધારકાર્ડ જાણતા હોવા છતા તેનો સાચા તરીકે ઉપયોગ કરી તેના આધારે ઓનલાઈન બુટની ખરીદી કરીને છેતરપીંડી કરતા હતા. ખેડા એલસીબી પીઆઇ વેકરીયા ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સોખડાના યુવકની ધડપકડ કરી છે અને આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીશું બાદમાં વધુ માહિતી બહાર આવશે.
માતર તાલુકાના સોખડાના શખ્સે અને દિલ્હી ખાતેના તેના મિત્રએ ભેગા મળીને છેતરપિંડીની એક અલગ તરકીબ અપનાવી બુટની કંપનીને ૮૪ લાખનો ચૂનો લગાવ્યો છે. બન્ને ભેજાબાજોએ ૯ મહિનામાં ખોટાખોટા આધારકાર્ડ મારફતે ઓનલાઇન પ્લેટફોર્મ પર બ્રાન્ડેડ બુટની ખરીદી કરી હતી. બુટ મળે એટલે તેઓ તેમાંથી ઓરીજનલ બુટ લઈને ડુપ્લીકેટ બુટ એ ખોખામાં મૂકીને અમે કરેલ ઓર્ડર મુજબના બુટ નથી મળ્યા તેવા બહાના કરીને એ બુટો પરત કરતા હતા અને કેશ ઓન ડિલિવરીના રૃપિયા પોતાના ખાતામાં પરત જમા કરી લેતા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષિય અતિકઅહેમદ સૈયદઅહેમદ સૈયદ ે ઈન્સ્ટાકાર્ટ પ્રા.લી. કંપનીમાં એન્ફોર્સમેન્ટ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. તેમનું કામ કંપનીમાં થતા કોઈપણ કાયદાકીય ગૂંચવણ ઊભી થાય તેનો કાયદેસર નિકાલ લાવવાની જવાબદારી છે. આ કંપની મારફતે તેમને ગત ૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ રિટર્ન સેન્ટરમાંથી હકીકત મળી હતી કે, નાઈકી બ્રાન્ડેડના મોટા પ્રમાણમાં નકલી બુટ પરત આવેલ છે અને આ બધા બુટની ઓનલાઇન ખરીદી પ્લેટફોર્મ મિન્ત્રા ડિઝાઇન પ્રા.લી. ઉપરથી કરેલ છે. જે બાદ તેમણે તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખેડા જિલ્લાના માતર તાલુકાના સોખડા ગામે મકાન નંબર ૧૧, આશાપુરી સોસાયટીમા રહેતા પાર્થ મનોજકુમાર શર્માએ ૫૦૦થી વધારે અલગ-અલગ ખોટી આઈડી અને ખોટા સરનામાના ઉપરથી ઉપરોક્ત ઓનલાઇન શોપિંગના પ્લેટફોર્મ પર ઉપયોગ કરી અલગ-અલગ મોબાઈલ ઉપરથી ઉપરોક્ત બ્રાન્ડના બુટ ઓર્ડર કરેલ છે. વધુમાં પાર્થ શર્માએ ૨૨ જુન ૨૦૨૩થી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી નવ મહિનામાં ૧૦૭૩ વખત આ બ્રાન્ડેડ હાઈ વેલ્યુ બુટ જેની કિંમત રૃપિયા ૮૪ લાખ થાય છે જેનો ઓર્ડર કરેલ છે અને છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવી હતી.
જે બાદ કંપનીના એન્ફોર્સમેન્ટ ઓફીસરે ગુનો દાખલ કરવા ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જે અરજીના તપાસ બાદ ગુનો બનતો હોય આજે આ મામલે તેમણે માતર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. વધુમાં તેમને ધ્યાને હકીકત આવી હતી કે, આ પાર્થ શર્મા તેના નવી દિલ્હી ખાતે રહેતા મિત્ર આર્યવિરસીગ નામના વ્યક્તિ સાથે મળીને આ ગુનાને અંજામ આપતો હતો. બંને લોકો ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર અલગ અલગ એકાઉન્ટ બનાવી ઉપરોક્ત કંપનીના મોંઘાદાટ બુટ ખરીદી કરતા હતા. આ એક બુટની કિંમત રૃપિયા ૮૦૦૦થી ૨૩૦૦૦ હજાર સુધીની હતી. કેશ ઓન ડિલિવરી ઓર્ડર કરતા અને બુટની ડીલેવરી આવ્યા બાદ ૧૫ દિવસની રિટર્ન પોલિસી સુવિધાનો દુરઉપયોગ કરી પાંચેક દિવસમાં ઓર્ડરના બોક્સ અને પેકિંગ લેબલ સ્ટીકરનો ઉપયોગ કરી બોક્સમાં આવેલ ઓર્ડર જેવા જ ફર્સ્ટ કોપીના સસ્તી કિંમતના બુટ મૂકી ઓર્ડર રિટર્ન કરી દેતા હતા.
આ ઓર્ડર કંપનીને પરત મળતા તેઓએ કેશ ઓન ડિલિવરી વખતે ચૂકવેલ રકમના નાણા અલગ અલગ બેંક ખાતાઓમાં જમા થઈ જતા આ પ્રકારનું કામ છેલ્લા તેઓ નવ એક મહિનાથી કરતા હતા. જેમાં અત્યાર સુધીમાં ૧૦૭૩ વખત ઉપર મુજબના પ્રકારે ઓર્ડર અને રિટર્ન પોલિસીમાંથી કંપની સાથે છેતરપિંડી કરી નાણાકીય લાભ મેળવેલ હોવાની વિગતો બહાર આવી હતી. આ ઉપરાંત ઓર્ડરથી મંગાવેલ ઓરીજનલ બુટ તથા બ્રાન્ડેડ કંપનીના ફર્સ્ટ કોપીના બુટ પાર્થ શર્માના ઘરના ઉપરના રૃમમાં સ્ટોક કરેલો હતો જે બુટ જોડી નંગ ૨૨૬ના મુદ્દામાલ અરજીની તપાસમાં કબજે લીધેલ હોવાની વિગતો બહાર આવી છે.