કેરળ: બે હાથ ન હોવા છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને સહજતાથી કાર ચલાવે છે મહિલા
નાનપણથી બે હાથ ન હોવાથી જિલુમોલ થોમસે લખવાથી માંડીને ડ્રાઇવિંગ સુધીના કામો પગ વડે કરવાની કળા હાંસલ કરી
અભાવમાં રહેનાર વ્યકિત બે પ્રકારે પોતાનું જીવન જીવતા હોય છે. પહેલી સ્થિતિમાં તે પોતાની હાલત પર રડતો રહે છે અને કયારેય તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો નથી. જયારે બીજી સ્થિતિમાં તે મકકમ મનોબળથી સ્વયંને મજબૂત બનાવે છે. આવી જ દૃઢતા સાથેની જીંદગી જીવી રહી છે કેરળની ૩૩ વર્ષની મહિલા. તેણીને બે હાથ ન હોવા છતાંયે શારીરિક અભાવને જીવનમાં હાવી થવા દીધો નથી.
બે હાથવાળા કાર હંકારે તે કરતાં વધુ સરળતા અને સહજતાથી બે હાથ વગરની મહિલા પગની મદદથી માર્ગ પર કાર હંકારે છે અને તેના માટે તેણીએ ડ્રાઇવિંગ લાયસન્સ પણ મેળવ્યું છે.
મૈરિએટ કેરળમાં રહેતા જિલુમોલ થોમસને નાનપણથી બે હાથ નથી. જેના કારણે તેણીએ લખવાથી માંડીને ડ્રાઇવિંગ કરવા સુધીના તમામ કામ પગ વડે કરવાની કળામાં માહિરતા હાંસલ કરી છે. લોકોને એ સાંભળીને વિશ્વાસ થતો નથી કે બે પગ વડે મહિલા કાર કેવી રીતે હંકારી શકે? પરંતુ જયારે તેણીને રુબરુ કે તેના વાયરલ વિડીયો લોકો નિહાળે છે ત્યારે મહિલાના મકકમ મનોબળ અને ગજબના સાહસ બદલ અભિનંદન આપી રહ્યા છે.
કાર ડ્રાઇવ કરવા સમયે જિલુમોલ થોમસ પોતાનો ડાબો પગ સ્ટેયરીંગ પર અને જમણા પગથી કલચ, બ્રેક અને એકસીલેટરનો જરુર પડયે ઉપયોગ કરે છે. તેણી પગ વડે જ ગિયર બદલે છે. ખૂબ જ આત્મવિશ્વાસથી તેણી ભીડભાડભર્યા માર્ગો પરથી કાર હંકારી શકે છે. તેના આ સાહસ બદલ અનેક મહાનુભાવો, સેલિબ્રિટીએ અભિનંદન પાઠવ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં તેણી ખુદ સેલિબ્રિટી બની ગઇ છે. તેના વાયરલ વિડીયોને ૬૮ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.