બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો
ગેસ અને ધૂળથી બનેલ વાદળને સીજી-૪ નામથી ઓળખવામાં આવે છે, જે ૧૩૦૦ પ્રકાશ વર્ષ દૂર છે
અમેરિકી અંતરિક્ષ એજન્સીએ જાહેર કરેલી એક તસ્વીરને હેન્ડ ઓફ ગોડ એટલે કે ભગવાનનો હાથ ગણાવવામાં આવી રહી છે. આ તસ્વીર જોઇને લોકો આશ્ચર્યમાં મૂકાયા છે અને પૃચ્છા કરી રહ્યા છે કે શું સાચે જ બ્રહ્માંડમાં ભગવાનનો હાથ દેખાયો? જો કે નાસાએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. આ તસ્વીર ૬ મે,ર૦ર૪ના રોજ કેપ્ચર કરવામાં આવી હતી.
લાઇવ સાયન્સના રિપોર્ટનુસાર નાસા દરેક સપ્તાહે બ્રહ્માંડની આશ્ચર્યજનક તસ્વીરો શેર કરે છે. જેને સ્પેસ ફોટો ઓફ ધ વીક કહેવાય છે. પરંતુ તાજેતરમાં નાસાએ શેર કરેલી તસ્વીરે હંગામો મચાવ્યો છે. આ તસ્વીરમાં બ્રહ્માંડમાં મુઠ્ઠીનુમા એક આકૃતિ નજરે પડે છે. જોવામાં એમ લાગે છે કે, કોઇ સર્વોચ્ચ શકિત આશિર્વાદ આપી રહી છે. નાસાએ જણાવ્યું હતું કે, આ ચમકતી ચીજ કાંઇ અન્ય નથી પરંતુ એક નેબુલા (તૂટેલા તારાનો ચમકતો ભાગ) છે, જે તારા તૂટયા બાદ બચી ગયો છે, અહીં તારાઓનો જન્મ થાય છે.
નાસા અનુસાર આ ગમ નેબુલાને સીજી-૪ નામથી ઓળખવામાં આવે છે. જે ૧૩૦૦ પ્રકાશ વર્ષ દૂર છે. સીજી-૪ ગેસ અને ધૂળથી બનેલ એક વાદળ છે. જયાં તારાઓનો જન્મ થાય છે. પરંતુ અજીબ આકારના કારણે તેને બે નામ આપવામાં આવ્યા છે. ઘૂમકેતુથી મળતી આવતી પૂંછડીના કારણે તેને કોમેટ્રી ગ્લોયબયૂલના નામથી ઓળખવામાં આવે છે. જયારે બ્રહ્માંડમાં ફેલાયેલ વિશાળ ભુજાઓના કારણે તેને હેન્ડસ ઓફ ગોડ પણ કહેવાય છે.
આ તસ્વીર ચિલીમાં બ્લેંકો ટેલીસ્કોપથી ખેંચવામાં આવી હતી. જેમાં સીજી-૪નું ધૂળ ભર્યુ માથું અને લાંબી પૂંછડી નજરે પડે છે. એમ લાગે છે કે તે કોઇ આકાશગંગાને ઓહિયા કરી જવાની તૈયારીમાં છે. પરંતુ કલોઝઅપ કરીને જોતા જોવા મળે છે કે બે તારાઓનો જન્મ થઇ રહ્યો છે, જે આંગળીઓ જેવા નજરે પડે છે. કોેમેટ્રી ગ્લોબયૂલ કેવી રીતે બને છે તે એક હજી સુધી રહસ્ય છે.
કેટલાક ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે, તેનો આકાર નજીકના વિશાળ ગર્ભ તારાઓમાંથી આવતી હવાઓના કારણે બની છે તો બીજું કારણ એ છે કે આ સંરચનાઓ ગોળાકાર નિહારીકાઓ હોઇ શકે છે, જે નજીકના સુપરનોવાની અસરથી વિકૃત થઇ રહી છે.